ગુરુવાર, 27 ઑક્ટોબર, 2016

મમતા

મમતા

પંખીઓના કલરવમાં આનંદનો જાણે નાદ થયો
રવિની અશ્વસવારી આવતા જ સોનેરી પ્રકાશ થયો
હંફાવ્યો અંધકારને અને થયું સામ્રાજ્ય ઊજાસનું
નિશા ની ચાદર ઉડી ગઈ ને સુવર્ણપ્રભાત થયો

આંખો ઊઘાડી, હોઠ મલકાવી એણે દિ'ને વધાવ્યો
માએ પણ એના લલાટે ચુંબનનો વરસાદ વરસાવ્યો
નાનકડા એ ભૂલકાએ ખોળામાં મચાવીને તોફાન
કિલકિલાટ કરી કરીને મા ના જીવને હરખાવ્યો

દિકરો તેનો લાડકવાયો ઇશ્વરનું એક વરદાન હતો
જીવનની એક આસ, ગરીબ માનું અભિમાન હતો
સંતાઈ જતી ભૂખ પણ, નિહાળીને એનું એ સ્મિત
એને માટે તો એ જ ચેતન અને અે જ પ્રાણ હતો

અચાનક જ બન્યું શું? ના રહી એને કંઈ ખબર
દિકરાના અે સ્મિતને જાણે લાગી કોઈની નજર
નેત્રે અશ્રુધારા વહાવી કર્યુ રુદન એણે હૈયાફાટ
શું ફેલાતી મહામારીની ભૂલકાને પણ થઈ અસર?

તાવનો પારો ઊંચો ચઢતા નિરંતર રડ્યા કરતો એ
મા ના મીઠા ધાવણને પણ મુખમાં ન'તો લેતો એ
તપતું હતું એનું શરીર ને ફીકી પડતી જતી આંખો
ચહેરો જોઈ થતું કે જાણે કાળનો શિકાર બન્યો એ

દિકરાના આ હાલ જોઈ કંપી ઊઠ્યું મા નું હ્યદય
ખુશહાલીભર્યા જીવનમાં આવ્યો આ કેવો પ્રલય!
શું કરે? શું ના કરે? જાણે ઘેરાયા વાદળ મૂંઝવણના
મા-દિકરાના પ્રેમ ઉપર શું ખરેખર કોપ્યો સમય

ઈલાજની શોધમાં એ તો આમથી તેમ દોડવા લાગી
દીકરાની સારવાર માટે ઘેર-ઘેર એ ફરવા લાગી
ગરીબીમાં પૈસાના અભાવે થઈ ગઈ એ તો લાચાર
નિરાશ થઈને ઉપરવાળાને અરજ એ કરવા લાગી

"આજ સુધી મેં તો તને ફરિયાદનો અક્ષર પણ નથી કીધો
હે નિષ્ઠુર! તો પણ તે મારા ભુલકાનો જ કેમ ભોગ લીધો!
શું આવી જ જિંદગી માટે તે રચ્યો છે આ ગરીબવર્ગ
આનંદનો એકમાત્ર કોળિયો પણ તે તો જાણે છીનવી લીધો!"

એની કાયાના તાપે આ સૂરજને પણ શરમાવ્યો
સાંજ થતા તો એણે મા ના જીવને જાણે કંપાવ્યો
ત્યાં જ દરવાજે પડ્યા ટકોરા કોઈના આગમનના
ભટકતો કોઈ વટેમાર્ગુ વાટ પૂછતો ત્યાં આવ્યો

મા નો આવો વિલાપ જોઈ એની પણ આંખો છલકાઈ
તપતા એના માથે એણે ઔષધિઓનો લેપ કર્યો
હકીમ હતો એની વિદ્યા આજે સાચા અર્થે વપરાઈ
દિકરાને સ્વસ્થ થતો જોઈ માતાનો પણ જીવ ઠર્યો

બંધ કરી રુદન એ મા ના ખોળામાં ખેલવા લાગ્યો
મહામારીરૂપ દૈત્ય જાણે મા ની શક્તિ જોઈ ભાગ્યો
આ દ્રશ્ય જોઈ ઈશ્વરને પણ આંસુ સારવું પડ્યુ
મા ની મમતા સામે કાળને પણ નમતુ જોખવું પડ્યુ

- ચિરાગ (અનંત)

બુધવાર, 12 ઑક્ટોબર, 2016

યૌવન

એક પરી

મધુવનમાં હસતી-રમતી જોઈ હતી મે એક પરી
નમણી એવી કાયા એની જાણે કે ફૂલની કળી

લજ્જા અને શીલને લીધે આંખો એની નમતી હતી
મોહક એની આ અદા મને ખૂબ જ ગમતી હતી

અંગે-અંગ એનું તો જાણે યૌવનથી છલકાતુ હતુ
સોહામણું એ મુખડુ એનંુ સ્મિતથી મલકાતુ હતુ

આવ્યું એના યૌવનમાં આવું અદ્ભુત તેજ ક્યાંથી?
કે આવી હતી એ મને મોહવા કોઈ દેવલોક
માંથી?

શીશ સમી એ કાયા જોતા જ હૈયુ મારું ડોલી ઉઠ્યુ
એને પામવાની ગાંડી ઘેલછા દિલ જાણે કરી બેઠું

શું આ હકીકત હતી? કે સ્વપ્ન? કે ભ્રમ હતો મનનો ?
ગમે તેમ પણ એ પરી પ્રાણ હતી મારા આ
ઉપવનનો

આજે વર્ષો બાદ એ ઉપવન જાણે ઉજ્જડ થયુ છે
સદા મહેકતુ એ આજે એકલતાના વાદળમાં ઘેરાયું છે

ફૂલોની એ મહેક અને પંખીઓનો એ કલરવ
વૃક્ષોની એ ઘટા અને યૌવનનો એ પગરવ
કયાંં છે એ ઉલ્લાસ? એ પ્રેમભર્યો અહેસાસ
શું હવે ખૂટી ગયા ઉપવનના પણ શ્વાસ??

સમયના આ વહેણને એ પરી તો તરી ગઈ
'અનંત'ના ચમનની મોહિની પણ હરી ગઈ
મધુવનમાં હસતી-રમતી જોઈ હતી મે એક પરી.....

- ચિરાગ (અનંત)

ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2016

તમને જાણ નથી

તમને જાણ નથી

હૈયામાં ઉઠતા તોફાનની તમને જાણ નથી
ગુનેહગાર છો તમે એ પણ તમને જાણ નથી

ઉપવન તો સર્જ્યુ પ્રણયના પુષ્પો વાવી
પરંતુ ફોરમ બની તેને મહેકાવવા
પ્રેમથી સિંચવુ વિસર્યા એની તમને જાણ નથી
ગુનેહગાર છો તમે એ પણ તમને જાણ નથી

વાદળ તો સ્વપ્નોના ખૂબ દેખાડ્યા તમે
પરંતુ પ્રેમની મોસમમાં નીર બનીને
વર્ષા કરવી વિસર્યા એની તમને જાણ નથી
ગુનેહગાર છો તમે એ પણ તમને જાણ નથી

જીવન શું છે એ તો ખૂબ સમજાવ્યુ તમે
પરંતુ એ  જીવનસફરમાં હાથ ઝાલી
સાથ નિભાવો વિસર્યા એની તમને જાણ નથી
ગુનેહગાર છો તમે એ પણ તમને જાણ નથી

દોષ શું આપે 'અનંત' પોતાના જ પ્રેમને
દિલ તો તોડી ચાલ્યા ગયા પણ
ટૂકડા વીણવા વિસર્યા એ તમને જાણ નથી
ગુનેહગાર છો તમે એ પણ તમને જાણ નથી


- ચિરાગ (અનંત)

સોમવાર, 5 સપ્ટેમ્બર, 2016

શ્વાસ ખૂટ્યો છે.

શ્વાસ ખૂટ્યો છે..

દર્દનો તો જાણે એક પહાડ તૂટ્યો છે
જીવવા થકી આજે શ્વાસ પણ ખૂટ્યો છે

વહેતો હતો તુ પ્રણયના જે સાગરમાં
વિરહની વેદનામાં એ સાગર પણ ડૂબ્યો છે

રંગ તો છે વિવિધ કેટલાય ચિત્રમાં
પણ ચિત્રકારનો જ જાણે સાથ છૂટ્યો છે

જીવનભર તુ વેરીઓને હંફાવતો રહ્યો
પણ તને તો તારા પોતીકાએ જ લૂંટ્યો છે

કેમ કરી રચવી દર્દની આ ગઝલ 'અનંત'
કલમનો જ તારી સાથે નાતો તૂટ્યો છે

- ચિરાગ (અનંત)

શનિવાર, 6 ઑગસ્ટ, 2016

પ્રેમનો ઈઝહાર

પ્રેમનો ઈઝહાર

કરવો છે ઈઝહાર પણ હિંમત તૂટી જાય છે
રચવી તો છે ગઝલ પણ શબ્દાે ખૂટી જાય છે

નેહ નીતરતા નેણ દલડાને મારા ભીંજાવે
સ્વપ્નમાંય જ્યારે મને યાદ તમારી આવે
નેણના એ નશામાં મદીરા પણ ફીકી થાય છે
રચવી તો છે ગઝલ પણ શબ્દાે ખૂટી જાય છે

કર્ણને ભેદતો સ્વર સીધો હૈયાને સંભળાય
પ્રેમના અગાધ સાગરમાં ત્યારે ડૂબવાનું મન થાય
મઘુર વાણીના એ બાણ હૈયું વીંધી જાય છે
રચવી તો છે ગઝલ પણ શબ્દાે ખૂટી જાય છે

થાય છે કે હમણાં જ એકરાર પ્રેમનો કરી દઉં
તરસ્યા મારા દિલની વેદના હું તમને કહી દઉં
કે પ્રણયના એ ફૂલડા એક પરી ચૂંટી જાય છે
રચવી તો છે ગઝલ પણ શબ્દાે ખૂટી જાય છે

વિરહની વેદના 'અનંત' હવે  જિરવાતી નથી
લાચાર છુ કેમ કે એ તમને પણ કહેવાતી નથી
પ્રેમની કસોટીમાં એક આસ જ અમર થાય છે
રચવી તો છે ગઝલ પણ શબ્દાે ખૂટી જાય છે

- ચિરાગ (અનંત)

શુક્રવાર, 29 જુલાઈ, 2016

અનોખી ગઝલ

અનોખી ગઝલ

કેટકેટલા ભેદનો જાણે એક શીશ-મહેલ છે
ના પ્રાસ છે, ના ઉપમા,
ના રાગ છે , ના શબ્દો
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે

ઉંચા તો ક્યારેક નીચા, બદલાતા એના સૂર
શાયરીમાં કલા તો ક્યારેક સૌંદર્ય મશહુર
ભાવભર્યો સાગર ક્યારેક સ્વાર્થથી નિર્જલ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે

એક પંક્તિ વાંચતા જ્યાં મુખડુ મલકાઈ જાય
બીજી પર દ્રષ્ટિ પડતા નયન છલકાઈ જાય
શબ્દ-શબ્દ આ શાયરીનો ખૂબ જ ચંચળ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે

 પ્રિયજનના સાથમાં સુખની માળા પરોવાય
તો ક્યારેક એકલતામાં દુખના વાદળ છવાય
શાયરી નથી આ એક સંસારરૂપી છળ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે

'અનંત' કહે જીવનની આ ગઝલ નથી સેહલી
ભેદ સઘળા તૂટે જો ઉકેલાઈ જાય આ પહેલી
એક અનોખી રચના જીવનરૂપી આ ગઝલ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે

- ચિરાગ (અનંત)

શનિવાર, 23 જુલાઈ, 2016

આજે મને પ્રેમ થઈ ગયો !!!

આજે મને પ્રેમ થઈ ગયો !!!
હા, પહેલા મને પણ અચરજ થયું કે શું આ હકીકત છે કે કોઈ સ્વપ્ન? પરંતુ જ્યારે આંગળી અને અંગુઠાની વચ્ચે ચામડી પકડી ચૂંટી ખણી ત્યારે ખબર પડી કે આ કોઈ સ્વપ્ન નહી પણ હકીકત જ છે. એક એવી હકીકત જે મારુ મન હજુ પણ સ્વીકારવા તૈયાર થતુ ન હતું. હવે મન નામની આ માયાએ તરત જ જાતને બીજો પ્રશ્ન કર્યો: તુ કોના પ્રેમમાં પડ્યો?? આ પ્રશ્ન થતા જ મનરૂપી એ મેનેજરે તેના આખાય સ્ટાફને કામે લગાડી દીધાે. નેત્રોએ એના ચહેરાની શોધ શરૂ કરી દીધી અને ત્વચા એનો સ્પર્શ ઓળખવા મથામણ કરવા લાગી, કર્ણ વળી એનો સ્વર પારખવા નીકળી પડ્યા!! પરંતુ જ્યારે મનનો આખો સ્ટાફ હારીને પરત ફર્યો ત્યારે લાચાર થયેલું મેનેજર રૂપી મન મારું મિત્ર બની, મને અવનવા લોભામણા બતાવી મારા પ્રેમ વિશે પૂછવા લાગ્યું. પરંતુ મેં પણ આજે મનને પરેશાન કરી દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. મેં સાંકેતિક ભાષામાં જ ઉત્તર આપતા કેવળ એના નામનો પ્રથમ અક્ષર જ કહ્યો: 'ક'. કમ્પ્યૂટર કરતા પણ વધુ ઝડપે મન નામના આ મશીને  'ક' નામથી શરૂ થતા મારા જીવનસફરમાં આવેલા બધા જ રાહગીરોનું એક લિસ્ટ બનાવી એમાંથી મારા પ્રિય પાત્ર ને શોધવા લાગ્યું. પરંતુ જ્યારે એમાં પણ નિષ્ફળતા મળી ત્યારે આજીજી કરતું મન ફરી મારી પાસે આવ્યું. પણ હું એમ થોડો માનવાનો હતો!! મેં ફરી કેવળ એક સંકેત જ આપ્યો એ એના નામમાં ફક્ત ત્રણ જ અક્ષર છે. મનરૂપી એ મશીને 'ક' નામની બધી જ વ્યક્તિઓ પૈકી ત્રણ અક્ષરના નામવાળા બધાને અલગ તારવ્યા. પરંતુ એમાં પણ એ ન જ ફાવ્યું. પરંતુ હું તો એને આમ દોડધામ કરતુ જોઈ ખુબ જ આનંદ અનુભવી રહ્યો હતો. જે મન માણસને જિંદગીભર દોડવા માટે મજબુર કરે છે આજે એ જ મન ગાંડુ બની આમથી તેમ દોડી રહ્યુ હતુ એથી વધારે આનંદની વાત બીજી શું હોઈ શકે!!! મેં ફરી છેલ્લીવાર સંકેત કર્યો અને એના નામનો છેલ્લો અક્ષર 'મ' કહ્યો. મન ફરી એકવાર દોડવા લાગ્યુ. પરંતુ જ્યારે એને હાંફ ચઢી ત્યારે મને એની દયા આવી ગઈ અને મેં પ્રેમનો આ ભેદ ઉઘાડો પાડવાનો નિશ્ચય કર્યો.
હા, મેં કોઈ જ જાત ની મજાક નહતી કરી. મને ખરેખર પ્રેમ થઈ ગયો હતો. પરંતુ એ પ્રેમ કોઈ વ્યક્તિ માટે ન હતો. એ પ્રેમ તો હતો મારા સુખ-દુખની દરેક પળમાં મારી ભાગીદાર બનનારી મારી 'કલમ' પ્રત્યેનો!! સાંભળીને જરા અચરજ થાય એવી વાત છે કે કોઈ માણસને વસ્તુ સાથે ફક્ત આકર્ષણ હોઈ શકે પરંતુ પ્રેમ કેવી રીતે થાય???  પરંતુ મારી જિંદગીના ડગલે ને પગલે મારી સાથે રહેનારી, મારા પ્રત્યેક વિચારોને લેખ અને કાવ્યોનું રૂપ આપનારી મારી કલમે જોતજોતામાં ક્યારે મારા દિલ પર કબજો મેળવી લીધો એના જાણ જ રહી નહી. હું એકલો જ નહીં મારા જેવા કેટલાય સાહિત્યપ્રેમી લેખક કે કવિ પોતાની કલમ સાથે પ્રેમમાં ડૂબતા હશે પરંતુ કહેતા ડરતા હશે. વિચારોને કાગળના ચોપાનીયા પર ઉતારવાની જે કળા કલમમાં જે હું એના પર જ મોહિત થઈ ગયો. કહેવાય છે ને કે માનવી એના વિચારોનું પ્રતિબિંબ હોય છે પરંતુ એ વિચારરૂપી એ પથ્થરને શિલ્પનું રૂપ આપનારી મારી પ્રેમિકા કલમ જ છે.

I Love You my dear PEN....✍✍✍

- ચિરાગ (અનંત)

સોમવાર, 18 જુલાઈ, 2016

गुरुदेवो भव: ાા

गुरू ब्रह्मा गुरू विष्णु गुरू देवो महेश्वराय ાા
गुरू साक्षात पर ब्रह्म तस्मै श्री गुरवे नम: ાા

વાંચક કે શ્રોતાને આ માત્ર પંદર શબ્દોના સંગમથી સર્જાયેલો શ્લોક લાગશે. પરંતુ જેણે આ પંદર શબ્દોનો મર્મ જીવનમાં ઉતાર્યો છે એના માટે તો સમગ્ર બ્રહ્માંડ પણ ગુરુ સામે નિમ્ન લાગે. શ્રેષ્ઠતાના શિખર સમા ગુરુજનોને કોટિ કોટિ વંદન.

 માનવીના જીવનમાં ગુરુનું મહત્વ સમજાવતા તો કદાચ ચાર વેદનું જ્ઞાન પણ ખૂટી પડે. અજ્ઞાનના આ અંધકારમાં ભૂલા પડેલા માનવીને ભોમિયો બની માર્ગ ચીંધનાર તે ગુરુ. માટી રૂપી માનવને કુંભાર બની ઘડાનો ઘાટ આપનાર તે ગુરુ. જગમાં ફૂલ બની પોતાની ફોરમ ફેલાવતા માનવીના જીવનને માળી બની સિંચનાર તે ગુરુ. નાના બાળક સમા માનવીના મનને  મા બની, ક્યારેક વઢી તો ક્યારેક વ્હાલ કરી સમજણની સીડી ચડાવનાર તે ગુરુ. માનવની અજ્ઞાનરૂપી સરિતાને સાગર બની, પોતાનામાં સમાવી, જ્ઞાનથી તરબોળ કરનાર તે ગુરુ.

ગુરુ એટલે જ્ઞાનનો 'અનંત' સાગર. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારને ભેદતો દીપક. માનવીના જીવનસફરમાં એક એવું વ્યક્તિત્વ કે જે સંસારરુપી આ દરિયો ઓળંગવા માટે ઈશ્વરે એક નાવડીના રૂપમાં મોકલ્યા છે.

ગુરુ શબ્દ કર્ણપટલ પર અથડાય ત્યારે તરત જ સ્મરણ થાય જીવનમાં જેના વગર માનવીનું અસ્તિત્વ શૂન્ય સમાન છે એ 'મા'નું. પહેલી વાર જ્યારે આંખ ઉઘડી ત્યારે જે સ્નેહ નીતરતા ચહેરા સાથે કદી ન તૂટે એવા લાગણીનાં તંતુથી બંધાયા હતા, જેના રૂપમાં સાક્ષાત ભગવાન આ ધરતી પર અવતર્યા છે, નિસ્વાર્થપણાનું જે પ્રતિક છે, જેણે જિંદગીમાં ડગલે-ને-પગલે એક આદર્શ શિક્ષકની ભૂમિકા ભજવી છે, ઉજ્જડ એવી આ મનની ભૂમિ ઉપર જેણે સમજણના બી રોપ્યા છે એ માતાને કોટિ કોટિ વંદન. मातृदेवो भव: ાા

'મા' પછી જો આપણા જીવનઘડતરમાં જો કોઈનો ફાળો હોય તો એ પિતા અને શિક્ષકોનો છે. આંગળી પકડીને ચાલતા શિખ્યા ત્યારથી માંડીને જીવનના દરેક ખરાં-ખોટા કાર્યોની સમજણ આપનાર પિતા અને ગુરુજનો ને કોટિ કોટિ વંદન. पितृदेवो भव:  आचार्य देवो भव: ાા

જીવનમાં ગુરુનું મહત્વ સમજાવતા કવિની ઉપમાઓ અને લેખકના શબ્દો પણ ખૂટી પડ્યા છે. ગુરુનો મહિમા અનંત છે. જ્ઞાનના એ સાગરને ગુરુપૂર્ણિમાના આ પાવન દિવસે શત્ શત્ નમન, કોટિ કોટિ વંદન.

સર્વે મિત્રો તથા આદરણીય ગુરુજનોને ગુરુપૂર્ણિમાની શુભકામના..
અસ્તુ..

- ચિરાગ (અનંત)

શનિવાર, 16 જુલાઈ, 2016

એક સ્મિત

એક સ્મિત

તમને ક્યારેક પ્રશ્ન થશે કે
આ હું શા કાજે કરુ છું
એવું કયું આકર્ષણ છે તમારા સ્મિતમાં
કે હું સ્વપ્નમાં પણ તમને જ સ્મરું છું

તમને થશે કે હું પાગલ છું
કે તમારા માટે આટલું કરુ છું
પણ હું તો તમને એક જ વાત
સમજાવવા મથામણ કરુ છુ , કે

સૂરજના પ્રકાશમાં અને ચંદ્રના ઉજાશમાં
નદીના વહેણમાં અને ભીની માટીની મહેકમાં
વૃક્ષોની છાયામાં અને પંખીઓના કલરવમાં
ફૂલની ફોરમમાં અને ભમરાના ગુંજનમાં

પ્રકૃતિના આ તત્વોના મનમાં
ક્યારેય કોઈ સ્વાર્થ રહ્યો નથી
પ્રકૃતિના ખિલખિલાટ થકી પ્રાણ અર્પતા
સંકોચ તેમણે કદી કર્યો નથી

એ તો બસ એટલું જ ઈચ્છે છે કે તેમણે
સર્જેલી આ પ્રકૃતિ સદાને માટે હસતી રહે
ને સ્મિતરૂપી ફોરમ ફેલાવતી એ
આમ જ સદા મહેકતી રહે

મારે મન તો જાણે તમે જ પ્રકૃતિ છો
ઈશ્વરે રચેલ રચનાઓમાં તમે જ શ્રેષ્ઠ કૃતિ છો
એ કૃતિનાે શ્રૃંગાર, એ જ છે આકાંક્ષા મારી
તમને હસતા રાખવાની એ જ છે મારી તૈયારી

તેથી તમને જ્યારે અચરજ થાય
કે આ હું શા કાજેકરું છું
એ તમારા સ્મિતનું જ આકર્ષણ છે
કે હું સ્વપ્નમાં પણ તમને જ સ્મરું છું

- ચિરાગ


મંગળવાર, 12 જુલાઈ, 2016

હું કોણ

હું કોણ ??

વિચારોના વમળોમાં તણાતા મનમાં
અમસ્તો જ સવાલ ઉદ્ભવ્યો, હું કોણ??
શું મારો ધ્યેય, શું મારી આકાંક્ષા અને
શું છે જગમાં મારા અસ્તિત્વનું પ્રમાણ?
શું હું પણ છું મેઘધનુષ પેઠે રંગ બદલતો માનવી,
કે બંધનોમાં જકડાયેલો, હાર્યો થાક્યો એક કેદી,
પળે-પળે જાત સાથે યુદ્ધ ખેલતો કોઈ લડવૈયો,
કે જગને અવનવા સર્જનથી મોહાવતો કોઈ કલાકાર,
જીવનસફરમાં પ્રેમાળ હાથનો સાથ ઝંખતો કોઈ રાહગીર,
કે પ્રેમના શરથી ઘવાયેલો કોઈ પાગલ પ્રેમરોગી??
જવાબના રહસ્યની શોધનો થયો જ્યારે આરંભ
મનમાંથી જ મળતા ઉત્તરે તોડ્યો મુંઝવણનો સ્તંભ
રચનાકારની સર્જનાત્મકતાને શબ્દોમાં પરોવવા
પ્રકૃતિના સૌંદર્યરૂપી શિલ્પને ઉપમાઓથી વધાવવા
આશીક છું સુંદર કૃતિનો, કલ્પનાનો 'અનંત'  સાગર
હું તો છું સૌંદર્યનો તરસ્યો એક ગુમનામ શાયર

- ચિરાગ (અનંત)


રવિવાર, 3 જુલાઈ, 2016

વર્ણન

વર્ણન

તમે છો તો જીવન હર્ષ-ભર્યુ લાગે 
હૈયાનું આ ઉપવન હર્યુ-ભર્યુ લાગે 
દૂર ક્ષિતિજને પેલે પારથી કોઈ
અજાયબી જાણે આવી
મુર્ઝાયેલી લાગણીઓને ખિલવા જાણે
એક નવી ચેતના લાવી 
પ્રણયના વમળોમાં હૈયુ તણાતુ જાય ને
અનુરાગની ઊિર્મઓ દિલમાં પ્રસરતી જાય 
હૈયા તણા આ ઉપવનને તમે
ફૂલ બની મહેકાવો તો ક્યારેક
વરસાદ બની ભિંજાવો 
પંખી બની મધુર કાવ્યો કરો, તો કયારેક
પ્રેમના ઝરણા છલકાવો 
તમે કોણ છો એ પ્રશ્ન
મનને મારા સતત મુંઝવે 
શું કોઈ મીઠુ મધુર સંગીત કે,
રંગોના સમન્વયથી બની કોઈ રચના કે,
ગગનમાં જળતા કોઈ દીવડાની જ્યોતિ કે,
કોઈ મશહુર શાયરની ગઝલ
જીવનકાવ્યના પ્રત્યેક અક્ષરમાં તમે 
'અનંત'ના હૈયાના પ્રત્યેક ધબકારમાં તમે 
તમે છો તો જીવન હર્ષ-ભર્યુ લાગે 
હૈયાનું આ ઉપવન હર્યુ-ભર્યુ લાગે 

- ચિરાગ (અનંત)

મંગળવાર, 28 જૂન, 2016

માનવી

માનવી

સફળતા મેળવવા બધું વિસરતો એ ચાલ્યો
સમયને સથવારે એ તો ઠેકડા ભરતો ચાલ્યો

માણસાઈ રૂપી દીવડાની જ્યોત બુઝાવતો
અમાનુષતા ના ઘોર અંધારા મારગે એ ચાલ્યો

રાહમાં આવતા પ્રેમરૂપી તરુઓને વાઢતો
સર્વત્ર સ્વાર્થનું ઉજ્જડ રણ સર્જતો એ ચાલ્યો

સંબંધોનાે ટોપલો ક્રોધની આગમાં બાળતો
કોણ જાણે કયા મદમાં છલકાતો એ ચાલ્યો

વેરના વળામણા કરવા કાળને પણ હંફાવતો
માનવી ખુદ કળજુગનો કાળ બનવા ચાલ્યો..

- ચિરાગ.. (અનંત)


બુધવાર, 22 જૂન, 2016

રંગભરી દુનિયા

રંગભરી દુનિયા

એક અજાયબી છે આ રંગભરી દુનિયા
ક્ષણે ક્ષણે રંગ બદલે આ રંગભરી દુનિયા

ચહેરાે છે એક છતા રંગ છે એના અનેક
ભાવશૂન્ય એ રંગોળીને સમજતા થાક્યા

લાલ રંગ એ પ્રણયનો, સ્વાર્થમાં થયો સફેદ
સતરંગી પ્રીતના રંગચિત્રને રચતા થાક્યા

ખુશામદ ને કપટનો ચડ્યો છે કાળો રંગ
કેસરીયો એ રંગ શોર્યનો શોધતા થાક્યા

રંગોના આ બદલાવથી રચાયો આજે રાક્ષસ
પવિત્ર રંગભર્યો એક માનવ સર્જતા થાક્યા

ચિત્રકાર મુંઝાયો રંગની માયાજાળમાં 'અનંત'
માનવે જ્યારે માનવતાના અંશ પણ ના રાખ્યા


- ચિરાગ (અનંત)

ગુરુવાર, 26 મે, 2016

વૈશ્યા

વૈશ્યા

લજ્જાનો ઘુંઘટ ત્યજી દેહના સોદા થાય છે
જગમાં ત્યારે વૈશ્યાનું નામ એને અપાય છે

જખ્મ તો એનેય લાગ્યા,હૈયે અને દેહ પર
હસતુ મુખડુ રાખી બધા દર્દ એ સહી જાય છે

સપના એનાય હતા ભદ્ર જીવન જીવવાના
કિસ્મતના પ્રહાર એને અભદ્ર બનાવી જાય છે

લાગણીઓના તો ફૂટે છે એનાય હૈયે અંકુર
કોમળ એના દિલ પર જ્યારે પથ્થર મૂકાય છે

જગ માટે તો છે એ દુરાચારી અને પાપીણિ
એ તો કેટલાય પાપીઓનું પાપ શોષી જાય છે

સ્વેચ્છાએ તો કોઈ ના લે દેહ વેચીને દર્દ 'અનંત'
ભૂખ નીતરતી આંખો એને ભક્ષવા દોડી જાય છે

- ચિરાગ

બુધવાર, 25 મે, 2016

પ્રેમનો દસ્તાવેજ

પ્રેમનો દસ્તાવેજ

આશા કે અપેક્ષાનો અહીં ભાવ નથી રખાતો
પ્રેમમાં કંઈ શરતોનો દસ્તાવેજ નથી લખાતો

પહેલી નજરે જ જ્યારે લુંટાય છે હૈયુ
આંખોની ખતામાં કાગળનો કરાર નથી થાતો

વિના સંકોચે જ્યારે દઈએ છીએ દલડુ
સામે દલડુ મેળવવા પ્રસ્તાવ નથી મૂકાતો

એક 'હા' ના ઈંતજારમાં વીતી જાય જિંદગી
તોય 'ના' આવતા દિલમાં ખેદ નથી કરાતો

'અનંત' તને એકલો છોડી એ તો ચાલ્યા ગયા
વિરહની વેદનામાં પણ એક શબ્દ નથી કહેવાતો

- ચિરાગ

રવિવાર, 22 મે, 2016

જાસુદની કળી


જાસુદની કળી


વસંતી મોસમમાં ખુશીની ચાવી એને મળી
જાસુદના છોડ ઉપર ખિલી ઉઠી એક કળી

મનમાં એના બાંધીને આશાના પહાડ
રંગીન દુનિયા જોવા એ થઈ ઉતાવળી

ફુલ બનીને ખિલશે, ફેલાવશે મહેક
જગને મોહિત કરતી ફોરમ છે એને મળી

એની ફરતે પ્રેમમાં ભમરા કરશે ગુંજન
આખાય ઉપવનમાં થશે એ તો સોહામણી

સપના હતા એ શીશના, ભાંગી ભૂકો થયા
નિર્દોષ હતી છતાં પણ સજા એને મળી

કરવી'તી ફરિયાદ, જાણવા એનો અપરાધ?
કોમળ ફૂલની કળીને એ તક પણ ના મળી

ફૂલ બન્યા પહેલા જ એ કળી તો મુરઝાઈ
ખુશીના પ્રભાત વિના જ દુ:ખની સંધ્યા ઢળી
જાસુદના છોડ ઉપર ખિલી હતી એક કળી...

- ચિરાગ..

શનિવાર, 21 મે, 2016

તળાવને કાંઠે

તળાવને કાંઠે

ગોપીઓ જાય છે તળાવને કાંઠે
ગાગર છલકાય છે તળાવને કાંઠે
છલકાતા બેડલાના પાણી લેતા
પ્રેમ પણ થઈ જાય છે તળાવને કાંઠે

કેશ ગુંથાય છે તળાવને કાંઠે
ઓઢણી લહેરાય છે તળાવને કાંઠે
કોઈનો ચહેરો દિલમાં ચિતરતા
પ્રેમ પણ થઈ જાય છે તળાવને કાંઠે

આંખો ટકરાય છે તળાવને કાંઠે
મુખડા મલકાય છે તળાવને કાંઠે
મીઠા શબ્દોની રમતો રમતા
પ્રેમ પણ થઈ જાય છે તળાવને કાંઠે

સાંજ ઢળી જાય છે તળાવને કાંઠે
પ્રણયોદય થાય છે તળાવને કાંઠે
મેઘધનુષના સતરંગની હેઠળ
હૈયા મળી જાય છે તળાવને કાંઠે
પ્રેમ પણ થઈ જાય છે તળાવને કાંઠે


- ચિરાગ

શુક્રવાર, 20 મે, 2016

ગઝલની રચના

ગઝલની રચના

હૈયાના ભાવ જ્યારે કલમમાં સમાય છે
શબ્દોમાંથી ત્યારે એક ગઝલ રચાય છે

પ્રણયના જ્યારે હૈયે ફૂટે છે અંકુર
આંખેથી જ્યારે નેહના સાગર ભરાય છે

એકલતાના તાપે તપતી ભૂમિ ઉપર
જ્યારે કોઇના સાથરૂપી નીર છંટાય છે

કોઈના વિરહમાં જ્યારે ઝૂરે છે હૈયુ
યાદોના જ્યારે આંગણે તોરણ બંધાય છે

હાર્યા છતાંય પ્રેમમાં જ્યારે એ 'અનંત'
હસતા રહી જીવવાની સજા દેવાય છે

- ચિરાગ




ગુરુવાર, 19 મે, 2016

કાદવ અને કમળ

કાદવ અને કમળ


જે પુષ્પ હાથે ધરી દેવ-દેવીઓ રમે, એ
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

ફુલનો છે રાજા તું સરોવરથી કેમ દૂર રહે?
હે પંકજ! પંકમાં ખિલવાનું કારણ તુ મને કહે
જગના સ્પર્શથી ડહોળુ થતું જળ મને ન ગમે
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

દેવશિરે ચડનારા તારી ઝંખના ધરા પર થાય
અે કે' ધરા તો આખી સ્વાર્થની ગંધે ગંધાય
એથી મારી મહેક મુર્ઝાય એ મને ન ગમે
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

મનમોહક છે મહેક તારી તુ કેમ ન તરુ બની ખિલે
એ કે' મારા તનમાં નથી જોર જે કો'ડીના પ્રહાર ઝીલે
ચૂંટે મને કોઈ સ્વારથ કાજે એ મને ન ગમે
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

કાદવ થી સૌ દૂર ભાગે ગંદા થવાના ભયથી
મિત્ર મારો રક્ષે મને, જવા ન દે મને અહીંથી
મારા માટે કાદવ જ ધરતી,છોડ ને સરોવર છે
એ છે તો હું છુ, મૈત્રી અમારી અમર છે
આવા મિત્રની શોભા બનવું મને ખુબ ગમે
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

- ચિરાગ

મંગળવાર, 17 મે, 2016

ચંદ્ર અને ચાંદની

ચંદ્ર અને ચાંદની

સૌંદર્યનો સ્પર્શ કરવા, તને છોડી જાઉ છું
ચાંદની કહે ચંદ્રને ધરતી પર હું જાઉ છું

પંખીઓનો મીઠો કલરવ કાનને જ્યારે સ્પર્શે
હૈયાને મળતી ટાઢક પર હું તો મોહિત થઉ છું

ડુંગર ખુંધી નીર જ્યારે સાગરમાં સમાય
સરિતાના એ પ્રેમમાં જાણે હું ડૂબી જાઉ છું

વસંતી સવારે જ્યારે કિરણ સોનેરી પથરાય
પ્રકૃતિના ખાેળે હું તો ભાન ભૂલી જાઉ છું

પનઘટ પર પાણી લેતા ગાગર જ્યારે છલકે
હરખની એ વર્ષામાં મન ભરી ભિંજાઉ છું

બે હૈયા વચ્ચે જ્યારે પ્રણયની ગાંઠ બંધાય
પ્રીતનું એ સુખ માણવા હું તો ઘેલી થઉ છું

વસુંધરાની સુંદર ધરા જ્યારે જ્યારે જોઉ છું
ખરા પ્રેમથી વંચિત, અહીં બેઠી રુંધાઉ છું

- ચિરાગ


શનિવાર, 14 મે, 2016

એક હમસફર


એક હમસફર

જીવનસાથી બનીને મારી પ્રેમના કઠિન સફરમાં
મળી'તી એક હમસફર, જીવનરૂપી આ સફરમાં


નયનના એક પલકારથી જ હરી લીધુ એણે હૈયુ
પ્રેમનો જાણે સાગર હતો,એની એ મીઠી નજરમાં
મળી'તી એક હમસફર, જીવનરૂપી આ સફરમાં


હાથમાં મારા નાખી હાથ, નિભવ્યો એણે મારો સાથ
પુષ્પ બની એ પથરાઈ પ્રેમની કાંટાળી ડગરમાં
મળી'તી એક હમસફર, જીવનરૂપી આ સફરમાં


વાદળ બનીને આવી'તી એ, વરસી ખુશીના નીર બની
ભીંજાવી દલડાનું ઉપવન, સમાઈ ગઈ એ સાગરમાં
મળી'તી એક હમસફર જીવનરૂપી આ સફરમાં

સમયની પેઠે વહી ગઈ જાણે, એ તો મીઠી યાદ બની
છોડી ગઈ 'ચિરાગ'ને એકલો, યાદોનાં એ નગરમાં
મળી'તી એક હમસફર જીવનરૂપી આ સફરમાં

- ચિરાગ



શનિવાર, 7 મે, 2016

બે શબ્દો દિલના

નાનપણમાં મારી મસ્તી હોય કે યુવાનીમાં મારાથી દૂર હોવાનું દુ:ખ હોય,બધું જ હસતી આંખે સહન કરવાની એ અખૂટ ક્ષમતા,મમતાની એ મૂર્તિ કે જેના તો ઠપકામાં પણ પ્રેમની મીઠાશ છે, બાળપણથી જ ઘડારૂપી મુજને કુંભાર બની ઘડનાર, મારા પ્રત્યેક રિસામણાને અવનવી લાલચ આપી મનાવનાર, મારા ચરિત્રરૂપી મૂર્તિની એકમાત્ર શિલ્પકાર, મારા માટે સાક્ષાત ભગવાન એવી 'મા' ને કોટિ કોટિ વંદન.
- # હેપી મધર્સ ડે
- ચિરાગ

રવિવાર, 1 મે, 2016

દીપ અને જ્યોતિ

દીપ અને જ્યોતિ

એક વાર દીવા અને જ્યોત વચ્ચે સંવાદ થયો. અને એ સંવાદમાંથી વિવાદ ઉભો થયો. વિવાદનું કારણ કેવળ એક પ્રશ્ન હતો: બંનેમાંથી ચડિયાતુ કોણ??

દિપક કહે : મારા વિના જ્યોતનું અસ્તિત્વ જ નથી. હું છું તો જ જ્યોત છે.મારા વિના જ્યોત પ્રકાશી જ ન શકે. જ્યારે મારામાં ઈંધણ પૂરાય છે ત્યારે જ જ્યોત જળે છે. કેવળ હું જ જ્યોતનો તાપ સહી શકું છું. તેથી જ તો જગ દિવાળી પર જ્યોત જળાવો એમ ન કહેતા દિવો જળાવો એમ કહે છે.

જ્યોત કંઈ પણ કહ્યા વિના શાંત ચિત્તે દીવાની દલીલ સાંભળી રહી હતી. ત્યાં જ અચાનક પવનનું એક વંટોળ આવ્યુ અને જ્યોત જળતી બંધ થઈ ગઈ. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. દીવાને તો પળવાર માટે કંઈ સમજાયું જ નહિ કે આ શું બની ગયું. થોડી ક્ષણ બાદ તેને ખબર પડી કે તેની પ્યારી જ્યોત, જેને તે હમણા થોડા સમય પહેલા નિમ્ન દર્શાવતો હતો;એ તો બુઝાઇ ગઈ છે. ચારે બાજુ છવાયેલા ઘોર અંધકારમાં દીવો પોતાની જાતને પણ ઓળખી શક્યો નહી. હવે દીવાને સમજાયું કે જ્યોત જ તેની શોભા હતી અને જ્યોત વિના તો તેનું કોઇ અસ્તિત્વ જ નથી.જ્યોત છે તો જ દીવો છે. અભિમાનને લીધે દીવો પોતાની જાતને પણ ભૂલી બેઠો હતો.હવે તેણે સાદ પાડી પાડીને જ્યોતને પાછી બોલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યોત ફરી પાછી આવી નહી. દીવો ઉદાસ થઈ ચોધાર આંસુડે રડવા લાગ્યો.

માણસ અને ભગવાનના કિસ્સામાં પણ કંઇક આવું જ છે.માણસ દીપક છે તો પ્રભુ તેને કાંતિ આપનાર જ્યોત છે. પણ ક્યારેક પૃથ્વી પરના વિલાસમાં આચરતા તે અભિમાનનું સેવન કરતો થઇ જાય છે. ત્યારે તે ભગવાનને પોતાનાથી નિમ્ન સમજે છે અને પોતાની જાતને જ ભગવાન સમજવા લાગે છે. પરંતુ જ્યારે તે દીવો દુ:ખરૂપી અંધકારમાં ફસાય છે ત્યારે તેને જ્યોતરૂપી ભગવાનની યાદ આવે છે. પણ મદદ કયાંથી મળે??

તેથી જ આપણે કદાપિ આપણી ખરી ઓળખાણ ભૂલવી નહી. આપણે ઉપરવાળાના જ અંશ છીએ એ હકીકત જો મનમાં દ્રઢ બનશે તો આખી િજંદગી જ બદલાઈ જશે..

- ચિરાગ

મંગળવાર, 26 એપ્રિલ, 2016

બાળપણનાં મિત્રો

બાળપણનાં મિત્રો

કવિ તારી કલમને આ શું થઈ જાય છે
જ્યારે પણ વાત મૈત્રીની આવે
પન્ના આપમેળે જ ભરાઈ જાય છે

મસ્તીભરી પળો યાદ જ્યારે આવી જાય છે
હોઠ તારા કેમ મંદ-મંદ મલકાઈ જાય છે
બાળપણના દિવસોનું સ્મરણ કરતા
કેમ તારી આંખો ખુશીથી છલકાઈ જાય છે

શાળાના એ દિવસોની યાદ જ્યારે આવી જાય છે
એ સમયનું સચોટ ચિત્ર ત્યારે ઊભું થઈ જાય છે
ખભે થેલો લટકાવી, મસ્તી કરતા કરતા
કેમ ફરી તને શાળામાં જ ભણવાનું મન થઇ જાય છે

સમયનું તો કામ જ છે એ તો વહ્યો જ જાય છે
ને માથે જવાબદારીનો ટોપલો એ નાખતો જાય છે
ત્યારે યાદ આવે છે બાળપણના એ દિવસો
ને કોણ જાણે કેમ હૈયું ભરાઈ જાય છે

કવિ તારી કલમને આ શું થઈ જાય છે
જ્યારે પણ વાત મૈત્રીની આવે
પન્ના આપમેળે જ ભરાઈ જાય છે



- ચિરાગ

ગુરુવાર, 21 એપ્રિલ, 2016

પ્રેરણા

પ્રેરણા

આગળ વધવાની તમન્ના છે,ને સંઘર્ષભર્યો પથ છે
સફળતાની મંજિલ હાંસલ કરવા
આ પથ પર તૂ ચાલતો રહેજે

ચાલતા ચાલતા નિરાશાની ઠોકરો તો ઘણી વાગશે
પણ પ્રગતિ કેરી કેડી પર
તૂ તો આગળ વધતો રહેજે

થાકી જઇશ, હારી જઇશ,ક્યારેક તો ભટકી જઇશ
ભટકેલા એવા તને માર્ગ ચીંધવા
પ્રભુ ને અરજ કરતો રહેજે

વ્હારે જજે ગરીબોની, ભૂખ્યાનું તૂ ભોજન બનજે
તરસી એવી આ દુનિયા માટે
પ્રેમની સરિતા થઇ વહેતો રહેજે

હતાશાના કેટલાય ડુંગર, માર્ગમાં તારા ઉભા હશે
નાનકડા એવા કંકર સમજી
એ ડુંગર તૂ ખૂંધતો રહેજે

પવનના તો સેંકડો પ્રહાર તને ડરાવશે 'ચિરાગ'
પણ જગને પ્રકાશમય કરવા
તૂ સદાય જળતો રહેજે.

  -ચિરાગ

સોમવાર, 18 એપ્રિલ, 2016

તમે મારા માટે શું હતા

તમે મારા માટે શું હતા

પ્રીતનો વ્યવહાર તમે નિભાવવા ના દીધો
ના તો ડૂબવા દીધો, ને તરવા પણ ના દીધો
તમે તો હતા હકદાર મારા પ્રત્યેક સુખના
મને તો દુ:ખનો પણ ભાગીદાર બનવા ના દીધો
- ચિરાગ


પ્રણયના તરુ ને ઉગવા થકી ધરા તમે હતા
આકાશ પણ તમે હતા, સાગર પણ તમે હતા
જગ મને કે' છે ખુશ રહે
પણ ખુશીનું કારણ તો તમે હતા
કરમાયું છે હૈયાનું ઉપવન
એને મહેકાવતું પુષ્પ તો તમે હતા
હવે તો જાણે એ ધબકાર ચૂકી જાય છે
કેમ કે મારા દિલની ધડકન તો તમે હતા
હવે કેમ કરી કરુ ફરી પ્રેમની પહેલ
મારો પહેલો ને આખરી પ્રેમ તો તમે હતા
જગ મને પ્રેમમાં હારેલો કહે છે
કેમ કરી કહુ કે મારી જીત જ તમે હતા
કવિ ના રૂપમાં ઓળખે છે મને દુનિયા
પણ મારા હૈયા તણી ગઝલ તો તમે હતા
ક્યાંથી પ્રકાશે 'ચિરાગ' ફરી એ જ કાંતિથી
એને જળવા થકી ઈંધણ તો તમે હતા
    - ચિરાગ

સોમવાર, 11 એપ્રિલ, 2016

મા

મા

હસી પડુ છું, જ્યારે જગને મંદિર જતા જોઉ છું
હું તો કેવળ તારામાં જ
ભગવાન જોઉં છું

તારા, ચંદ્ર કે સૂર્યની મારે જરૂર જ નથી
હું તો તારી આંખોમાં જ
બ્રહ્માંડ જોઉ છું

નદી, ઝરણાં કે સમુદ્રની મારે જરૂર જ નથી
હું તો તારી વાણીમાં જ
પ્રેમનો પ્રવાહ જોઉ છું

સ્વર્ગના સિંહાસન પર બેઠો ઇન્દ્ર ભલે ગર્વ કરે
હું તો તારા ચરણોમાં જ
સમસ્ત દેવલોક જોઉં છું

જગ કે' છે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે
પણ હું તો તારી કેળવણીમાં
સહસ્ત્ર ગુરુ જોઉં છું

કેટકેટલા છે ઉપકાર તારા જ્યારે ગણવા બેસુ છું
અનંત એવા એ ગણિતમાં
ખુદને શૂન્ય જોઉ છું

જ્યારે જ્યારે પ્રભુને સ્મરૂ બસ તારો જ ચહેરો જોઉ છું
આ 'ચિરાગ'ના પ્રત્યેક શ્વાસમાં તારી હાજરી જોઉં છું
હા, 'મા' ખરેખર તારામાં હું
ભગવાન જોઉં છું.



શનિવાર, 9 એપ્રિલ, 2016

ઘાયલ દિલની ગઝલ


ઘાયલ દિલની ગઝલ

માન્યુ કે તમે મને ચાહો છો એ મારો વહેમ હતો. 
પણ મે કર્યો એ તો સાચો પ્રેમ જ હતો.  


પ્રેમની કાંટાળી કેડી પર હાથ પકડી
લઇ ગયા તમે
દિલના અંધકારમાં પ્રકાશનું કિરણ
પાથરી ગયા તમે

પ્રીતના આ પથ પર તમારી સાથે
ડગલુ ભર્યુ ત્યાં તો
તરછોડ્યો 'ચિરાગ' ને તમે એકલો
ને મનની એક યાદ બનીને
રહી ગયા તમે.

હજુ હમણા જ તો ભીડમાં રહેતા
શીખ્યો હતો ત્યાં તો
તન્હાઇ શું છે એનો અહેસાસ
કરાવી ગયા તમે

તમારા માટે તો આ કેવળ સંજોગની
વાત હશે
પણ જાણે-અજાણે મને તો એક
જીવતી લાશ
બનાવી ગયા તમે.
- ચિરાગ

ગુરુવાર, 31 માર્ચ, 2016

જીવી રહ્યો છું

 જીવી રહ્યો છું

તુ કાગળ છે તો હું કલમ
તુ ચિત્ર છે તો હું રંગ
તુ તૃષ્ણા છે તો હું જળ
તું ભૂખ છે તો હું ભોજન
તારા વિના હું અધૂરો છું 
ને મારા વિના તુ પણ પૂર્ણ તો નથી જ..




કેમ કરી કહું કે
જીવી રહ્યો છું તારી યાદમાં

તારી પાંપણનો પલકાર
 જયારે થાય, જગ આખું થોભી જાય
કેમ કરી કહું કે
જીવી રહ્યો છું પાંપણના એ પલકારમાં

સ્મિતભર્યું તારું મુખડું
જયારે મલકાય, જગ આખું આનંદમાં છલકાય
કેમ કરી કહું કે
જીવી રહ્યો છું હોઠોના એ મલકાટમાં

તારી જુલ્ફોની ઘટા
ઘટાદાર એ વનમાં ગુમવાનું મન થાય
કેમ કરી કહું કે
જીવી રહ્યો છું જુલ્ફોની એ જાળમાં

તું વસી છે 'ચિરાગ'ના શ્વાસમાં
રોકી રાખ્યો છે શ્વાસ
 મિલનની અધુરી આસમાં
કેમ કરી કહું કે
જીવી રહ્યો છું મિલન ના અધૂરા એ વિશ્વાસમાં
જીવી રહ્યો છું તારી યાદમાં  .....


-ચિરાગ 

ગુરુવાર, 24 માર્ચ, 2016

અંતરની વેદના

અંતરની વેદના
જીંદગી પણ ગજબની રમત રમી ગઈ
જીતી ગયા છતા હારનો અહેસાસ કરાવી ગઈ
ભૂલાવી એની યાદો એક નવી શરૂઆત કરવી હતી ત્યાં તો
આરંભ થયા પૂર્વે જ પૂર્ણવિરામ લગાવી ગઈ..



અંતરની વેદના


મુખ પર સ્મિત વેરી દુનિયાને તો ઠગું છું
અંદરથી એક જીવતી લાશ બની ફરું છું

ભડકી ઉઠી છે વિરહની જ્વાળા, પણ
હું તો કેવળ તમને જ સ્મરું છું

છલકાયો છે ચારે તરફ એકલતાનો સાગર
હું તો યાદોની નાવ લઇ તરું છું

 તમારે તો ખિલ્યુ હશે વસંતનું હરિત મોસમ
હું તો પાનખરનું પાન બની ખરું છું

બે શ્વાસ વચ્ચેની એક પળમાં પણ
હું તો જાણે સેંકડો વાર મરું છું

ત્યજવું તો છે મારેય આ જીવન, પણ
મોતની કાંટાળી કેડી પર ડગલું ભરતા ડરુ છું

દુનિયા તો સમજશે આને 'ચિરાગ'ની નવી ગઝલ
હું તો અંતરની વેદનાનું નિરૂપણ કરું છું.

                                                   
    - ચિરાગ.....




શનિવાર, 19 માર્ચ, 2016

પ્રેમ શું છે??


નથી રહેતું અસ્તિત્વ શબ્દો અને પત્રોનું
જ્યારે બે હૈયા વચ્ચે પ્રેમનો કરાર થાય છે
પ્રેમમાં ભૂલી જવાય છે બધી ભાષાનું જ્ઞાન
અહીં તો કેવળ આંખોથી જ વ્યવહાર થાય છે




સમી સાંજે બેઠો જયારે, અંતરને મેં પ્રશ્ન કર્યો
પ્રેમ શું છે?
સહસ્ત્ર પર્યાય છે સાંભળ્યા એના 
ખરો અર્થ મને તું જ કહે 

દુનિયા કહે પ્રેમ એક સાગર છે આગનો 
કેટલાક વળી કહે પ્રેમ તો મહિમા છે ત્યાગનો 
મેં તો એમ પણ સાંભળ્યું પ્રેમ એક કોમળ ફૂલ છે 
પ્રેમમાં હારેલાની તે સૌથી મોટી ભૂલ છે 

કોઈ કહે પ્રેમ છે એક પારસમણી 
કેટલાક એમ પણ કહે પ્રેમ તો અંધ છે 
પ્રેમ છે અનંત નથી એની કોઈ સીમ મળી 
કોઈ કહે પ્રેમ કેવળ એક વ્યંગ છે 

સાંભળી મારી વાત અંતરે દીધો જવાબ
આ જગતમાં પ્રેમનો ના હોય કોઈ હિસાબ 
પ્રેમ તો જાણે અંક વિનાનું ગણિત છે
પ્રેમમાં ક્યારેક હાર તો ક્યારેક વળી જીત છે 

પિતાના ગુસ્સામાં ને માની મમતા માં 
સ્વજનની વાતમાં ને હમસફરના સાથમાં 
ઈશ્વરની ભક્તિમાં ને મિત્રોની મસ્તી માં 
પ્રેમતો વ્યાપ્યો છે જગના પ્રત્યેક કણમાં 

પ્રિયજનની ઉણપ જયારે તને સતાવે 
માનસપટ તારું જયારે એનું જ ચિત્ર બતાવે 
એના વિરહમાં જયારે નેત્ર અશ્રુ વહાવે 
ત્યારે જાણજે તને એક મીઠો રોગ થયો છે 
તને પ્રેમરોગ થયો છે.
સમી સાંજે બેઠો જયારે, અંતરને મેં પ્રશ્ન કર્યો 
પ્રેમ શું છે??



શનિવાર, 20 ફેબ્રુઆરી, 2016

શોધ

શોધ

ભાગદોડ  ભર્યું  બન્યું છે જીવન સ્પર્ધા નો આ યુગ છે
ક્ષણવાર થોભી શ્વાસ લેવા 
વિરામની એક પળ શોધું છું 

ખુબ ભણ્યો છતાં પણ રહ્યો હું તો અજ્ઞાની 
અજ્ઞાનના આ અંધકારને ભેદતો 
જ્ઞાનનો પ્રકાશ શોધું છું 

મિથ્યાભિમાન  કરતા કરતા પથ્થર બન્યું છે આ હૃદય 
ખૂણામાં  છુપી બેઠી  એવી 
નરમાશને હું શોધું છું 

એકાંતના આ વંટોળમાં ગુમ થવાનો ભય છે 
હાથ પકડીને ઉગારનાર એક 
હમસફરને શોધું છું 

સંબંધોનો આ  સાગર સ્વાર્થનાં  જળથી  ઉભરાય છે 
સમુદ્ર તળે ખોવાયેલું એ
 પ્રેમનું મોતી શોધું છું

જૂઠની આ માયાજાળમાં ખુબ ઊંડો ફસાયો
 એ પહેલી ના ઉકેલરૂપી
સત્ય ને હું શોધું છું

દુનિયાદારીના રંગે રંગાઈ રંગીલો બન્યો છે 'ચિરાગ'
અંતર્ધ્યાન થઇ બેઠી એ શ્વેત
આત્મજ્યોતને શોધું છું 



શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016

તમે મળ્યા

તમે મળ્યા

હતાશાના  વાદળોમાં હું જયારે શૂન્ય થયો
ત્યાં જિંદગીના ગણિતમાં હમસફર બની
એકડો ઘૂંટવા તમે મળ્યા

પ્રેમના અભાવે મનની ભૂમિ વર્ષોથી જાણે તપતી હતી
ત્યાં તરસ્યા મનની તૃષ્ણા બુઝાવવા
વરસાદ બનીને તમે મળ્યા

એકાંતના આ સાગરમાં નાવડી  જયારે મારી ડૂબી
ત્યાં જીવનસાથી રૂપે ખુશીઓ વરસાવવા
સાહિલ બનીને તમે મળ્યા

એકલતાભર્યું જીવન મારું હતું કેવળ શ્વેત કાગળ
ત્યાં સુખભર્યા સંસારનું ચિત્ર રચવા
રંગ બનીને તમે મળ્યા

સંબંધોમાં પ્રસરાઈ હતી કડવાશ જયારે સ્વાર્થની
ત્યાં નિસ્વાર્થ પણે સાથ નિભાવવા
મીઠાશ બનીને તમે મળ્યા

પોતાના છતાં પારકા એવા સંબંધો સાચવી થાક્યો જયારે
ત્યાં બે હૃદય વચ્ચેનું અંતર ટૂંકાવનાર
સેતુ બનીને તમે મળ્યા

જીવનનું આ કાવ્ય ગાતા જયારે હું વચ્ચે અટકી ગયો
ત્યાં 'ચિરાગ'ની આ અધૂરી ગઝલની આખરી
પંક્તિ બનીને તમે  મળ્યા

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016

એક મા ને સંદેશ


વ્હાલી મા,
             પ્રણામ. આજના આ પાવન દિવસે હું તારો અને ઈશ્વરનો આભાર માનું છું કે મને તારી કુખે જન્મ મળ્યો. આખું મુઘલ સામ્રાજ્ય જેના નામ માત્રથી કંપી ઉઠતું એ શિવાજીને તો આખું વિશ્વ જાણે છે.પણ જો  એ વીરને જન્મ આપનારી વિરાંગના જીજાબાઈ ના હોત તો આજે પણ આખા મરાઠા સામ્રાજ્યને શિવાજીની ઉણપ વર્તાતી હોત. જેમ જીજાબાઇ વિના શિવાજીનું અસ્તિત્વ નથી, એવી જ રીતે તારા વિના તારા આ દીકરાનું અસ્તિત્વ પણ શૂન્ય બરાબર જ છે. બધા સાચું જ કહે છે કે એક મા સો શિક્ષકોની ગરજ સારે છે. નાનપણમાં તે મને બંદૂક રૂપી પહેલું રમકડું લઇ આપ્યું હતું ત્યારથી જ તે મારા મન માં દેશ માટે મારી મટવાની ભાવનાનો ઉદભવ કરાવ્યો હતો. હું કેવળ તારો જ નહી પરંતુ ભારતમાતાનો પણ દીકરો છું એ તે જ મને શીખવ્યું છે. અને આજે એ જ ભારતમાતાની લાજ રાખવા હું જઈ રહ્યો છું. તું જાણે છે કે જે સફર પર હું નીકળ્યો છું ત્યાંથી પાછા ફરવાની કોઈ જ શક્યતા નથી. હું લશ્કરના વડાને કહેતો જઈશ કે જો સલામી આપવી જ હોય તો શહીદના શવ ની સાથે એ 'મા'ના કાળજાને પણ આપવી જોઈએ, જેણે  પોતાના એકના એક દીકરાને પણ આ દેશ માટે કુરબાન કરી દીધો.
            દુનિયા તો તારા આ બલિદાનને થોડા દિવસ યાદ રાખીને ભૂલી પણ જશે. પણ મને ખબર છે કે તારા મન પર શું વીતશે. તું તો મને એક પળ માટે પણ વિસરી નહિ શકે ને મા ?જયારે પણ તને પુત્રનો વિરહ સતાવે ત્યારે અગાશીમાં આવીને ગગન તરફ એક નજર કરીને મને સાદ નાખજે. સેંકડો તારાની વચ્ચે  પણ તારો આ દીકરો આગવો તરી આવશે.
           ચાલ, હવે જવાનો સમય થઇ ગયો. ગોળી છાતીમાં ખુબ ઊંડે સુધી ઉતરી ગઈ છે અને લોહી પણ ઘણું વહી ગયું છે. હવે પીડા અસહ્ય થઇ ગઈ છે. મરણપથારી એ પોઢવાનો વખત આવી ગયો મા. આ જન્મમાં તો કદાચ તારું ઋણ હું નહિ ચૂકવી શકું પણ પ્રભુને એટલી પ્રાર્થના તો જરૂર કરીશ કે આવતા દરેક ભવમાં મને તારી જ કુખે અવતાર આપે.
      

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2016

નવોદય માટે

સતત ચાર મહિના પરીક્ષાના વાતાવરણ માથી મુક્તિ મળી એટલે મન એક અનેરો જ આનંદ અનુભવે છે. ખુબ જ લાંબા અંતરાળે  આજે ઘરનું મીઠું ભોજન જમી પેટ પણ આનંદિત થયું. પણ વાસ્તવિક  આનંદ તો ત્યારે થયો જયારે રૂમ પર આવી ને  મેં મારી એ બેગ ખોલી જેમાં મારા નવોદયમાં વિતાવેલા એ ચાર વર્ષો ની યાદો સંગ્રહાયેલી છે      
એ બાળપણના દિવસોનું સ્મરણ થતા ચિત્ર ઉભું થાય માતા-પિતાથી પણ વધારે પ્રેમ કરે એવા શિક્ષકોનું, જેઓ અમારા જીવનઘડતર માટે રાત કે દિવસ સુદ્ધા જોતા નહિ. સ્મરણ થઇ આવે એ ખુશનુમા વાતાવરણનું જ્યાં શ્વાસ લેતા જ બધા જ દર્દ વિસરાઈ જાય   સ્મરણ  થઇ આવે એ પાવન  ભૂમિનું જ્યાં પગ મુકતા જ એક અલગ જ ચેતના  શરીરના રોમ રોમ માં પ્રસરી જાય.  સ્મરણ થઇ આવે જીવથી પણ વ્હાલા એ મિત્રોનું જે જીવનની દરેક ક્ષણના ભાગીદાર બન્યા છે પછી ભલેને એ સુખ હોય કે  દુખ.  આ બધાનો આજે દિલથી આભાર વ્યક્ત કરવાની ઈચ્છા થાય  છે. અને એથી જ લાગણીઓ ને મ શબ્દોના રૂપ માં દર્શાવવાનો પ્રયાસ કરું છુ.

    Thanks to all my friends teachers. And specially thanks a lot to navodaya. Who made me capable of being myself.