રવિવાર, 1 મે, 2016

દીપ અને જ્યોતિ

દીપ અને જ્યોતિ

એક વાર દીવા અને જ્યોત વચ્ચે સંવાદ થયો. અને એ સંવાદમાંથી વિવાદ ઉભો થયો. વિવાદનું કારણ કેવળ એક પ્રશ્ન હતો: બંનેમાંથી ચડિયાતુ કોણ??

દિપક કહે : મારા વિના જ્યોતનું અસ્તિત્વ જ નથી. હું છું તો જ જ્યોત છે.મારા વિના જ્યોત પ્રકાશી જ ન શકે. જ્યારે મારામાં ઈંધણ પૂરાય છે ત્યારે જ જ્યોત જળે છે. કેવળ હું જ જ્યોતનો તાપ સહી શકું છું. તેથી જ તો જગ દિવાળી પર જ્યોત જળાવો એમ ન કહેતા દિવો જળાવો એમ કહે છે.

જ્યોત કંઈ પણ કહ્યા વિના શાંત ચિત્તે દીવાની દલીલ સાંભળી રહી હતી. ત્યાં જ અચાનક પવનનું એક વંટોળ આવ્યુ અને જ્યોત જળતી બંધ થઈ ગઈ. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. દીવાને તો પળવાર માટે કંઈ સમજાયું જ નહિ કે આ શું બની ગયું. થોડી ક્ષણ બાદ તેને ખબર પડી કે તેની પ્યારી જ્યોત, જેને તે હમણા થોડા સમય પહેલા નિમ્ન દર્શાવતો હતો;એ તો બુઝાઇ ગઈ છે. ચારે બાજુ છવાયેલા ઘોર અંધકારમાં દીવો પોતાની જાતને પણ ઓળખી શક્યો નહી. હવે દીવાને સમજાયું કે જ્યોત જ તેની શોભા હતી અને જ્યોત વિના તો તેનું કોઇ અસ્તિત્વ જ નથી.જ્યોત છે તો જ દીવો છે. અભિમાનને લીધે દીવો પોતાની જાતને પણ ભૂલી બેઠો હતો.હવે તેણે સાદ પાડી પાડીને જ્યોતને પાછી બોલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યોત ફરી પાછી આવી નહી. દીવો ઉદાસ થઈ ચોધાર આંસુડે રડવા લાગ્યો.

માણસ અને ભગવાનના કિસ્સામાં પણ કંઇક આવું જ છે.માણસ દીપક છે તો પ્રભુ તેને કાંતિ આપનાર જ્યોત છે. પણ ક્યારેક પૃથ્વી પરના વિલાસમાં આચરતા તે અભિમાનનું સેવન કરતો થઇ જાય છે. ત્યારે તે ભગવાનને પોતાનાથી નિમ્ન સમજે છે અને પોતાની જાતને જ ભગવાન સમજવા લાગે છે. પરંતુ જ્યારે તે દીવો દુ:ખરૂપી અંધકારમાં ફસાય છે ત્યારે તેને જ્યોતરૂપી ભગવાનની યાદ આવે છે. પણ મદદ કયાંથી મળે??

તેથી જ આપણે કદાપિ આપણી ખરી ઓળખાણ ભૂલવી નહી. આપણે ઉપરવાળાના જ અંશ છીએ એ હકીકત જો મનમાં દ્રઢ બનશે તો આખી િજંદગી જ બદલાઈ જશે..

- ચિરાગ

4 ટિપ્પણીઓ:

chiragcontractor07@gmail.com