શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016

એક મા ને સંદેશ


વ્હાલી મા,
             પ્રણામ. આજના આ પાવન દિવસે હું તારો અને ઈશ્વરનો આભાર માનું છું કે મને તારી કુખે જન્મ મળ્યો. આખું મુઘલ સામ્રાજ્ય જેના નામ માત્રથી કંપી ઉઠતું એ શિવાજીને તો આખું વિશ્વ જાણે છે.પણ જો  એ વીરને જન્મ આપનારી વિરાંગના જીજાબાઈ ના હોત તો આજે પણ આખા મરાઠા સામ્રાજ્યને શિવાજીની ઉણપ વર્તાતી હોત. જેમ જીજાબાઇ વિના શિવાજીનું અસ્તિત્વ નથી, એવી જ રીતે તારા વિના તારા આ દીકરાનું અસ્તિત્વ પણ શૂન્ય બરાબર જ છે. બધા સાચું જ કહે છે કે એક મા સો શિક્ષકોની ગરજ સારે છે. નાનપણમાં તે મને બંદૂક રૂપી પહેલું રમકડું લઇ આપ્યું હતું ત્યારથી જ તે મારા મન માં દેશ માટે મારી મટવાની ભાવનાનો ઉદભવ કરાવ્યો હતો. હું કેવળ તારો જ નહી પરંતુ ભારતમાતાનો પણ દીકરો છું એ તે જ મને શીખવ્યું છે. અને આજે એ જ ભારતમાતાની લાજ રાખવા હું જઈ રહ્યો છું. તું જાણે છે કે જે સફર પર હું નીકળ્યો છું ત્યાંથી પાછા ફરવાની કોઈ જ શક્યતા નથી. હું લશ્કરના વડાને કહેતો જઈશ કે જો સલામી આપવી જ હોય તો શહીદના શવ ની સાથે એ 'મા'ના કાળજાને પણ આપવી જોઈએ, જેણે  પોતાના એકના એક દીકરાને પણ આ દેશ માટે કુરબાન કરી દીધો.
            દુનિયા તો તારા આ બલિદાનને થોડા દિવસ યાદ રાખીને ભૂલી પણ જશે. પણ મને ખબર છે કે તારા મન પર શું વીતશે. તું તો મને એક પળ માટે પણ વિસરી નહિ શકે ને મા ?જયારે પણ તને પુત્રનો વિરહ સતાવે ત્યારે અગાશીમાં આવીને ગગન તરફ એક નજર કરીને મને સાદ નાખજે. સેંકડો તારાની વચ્ચે  પણ તારો આ દીકરો આગવો તરી આવશે.
           ચાલ, હવે જવાનો સમય થઇ ગયો. ગોળી છાતીમાં ખુબ ઊંડે સુધી ઉતરી ગઈ છે અને લોહી પણ ઘણું વહી ગયું છે. હવે પીડા અસહ્ય થઇ ગઈ છે. મરણપથારી એ પોઢવાનો વખત આવી ગયો મા. આ જન્મમાં તો કદાચ તારું ઋણ હું નહિ ચૂકવી શકું પણ પ્રભુને એટલી પ્રાર્થના તો જરૂર કરીશ કે આવતા દરેક ભવમાં મને તારી જ કુખે અવતાર આપે.
      

3 ટિપ્પણીઓ:

chiragcontractor07@gmail.com