શુક્રવાર, 26 એપ્રિલ, 2024

બહાનું


હવે એને યાદ કરવા પણ બહાનુ આપું ?
કે સીધું મારા દિલ સુધીનું સરનામુ આપું 

આ ખળખળતી નદીના મીઠા સંગીતમાં
એના એ મઘુર સ્વરનો રણકાર અનુભવું
કેમ કરી આ પુરાવાનું સોગંદનામું આપું !

વાયરાની શીતલહેર જ્યાં મને સ્પર્શે 'ને
ત્યાં જ એની ફોરમનો અહેસાસ કરાવે 
હવે શું હું એનું પણ જાહેરનામું આપું ?

એના સવાલોની આ અસમંજસમાં જોને 
આ નવીન પાંગરતા પ્રેમને ગુંગળામણ થાય
જવાબની જવાબદારીને જ રાજીનામું આપું

કેમ કરી મારી લાગણીનું આ પ્રેમપાનું આપું
હવે તો 'અનંત' એવી યાદ પણ એને આપું 
અને યાદ કરવાનું બહાનું પણ એને આપું !!


ચિરાગ (અનંત)
૨૬/૪/૨૦૨૪ રાત્રે ૧૧ કલાકે..
સ્થળ : ઉદયપુર..

ગુરુવાર, 9 માર્ચ, 2023

તારો સાથ.

કરું છું એકરાર લઈને ગઝલનો સહારો

થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !


જીવન કેરી ડગરમાં ઝંખું તારો સથવારો

થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !


પ્રેમનગરમાં સાથ તારો લાગે મને ન્યારો

થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !


સાથે મળી સિંચીશુ પ્રીતરૂપી આ ક્યારો

થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !


નથી સહેવો 'અનંત' હવે એકલતાનો ભારો

થઈ જા ને તું મારી, હું તો છું જ તારો !


- ચિરાગ (અનંત)...

સિ.હો.અ. પુસ્તકાલય

૯/૩/૨૦૨૨ સાંજે ૫:૦૨ કલાકે..

મંગળવાર, 17 જાન્યુઆરી, 2023

એક કપ ચ્હા...

 

એક કપ ચ્હા...

પળભર માટે છોડીને પ્રેમ - વ્હેમની વાતો
સમી સાંજે તાજી કરીએ દોસ્તીની યાદો
હાલને, એક કપ ચ્હા પીએ...

પળવાર માટે છોડી દે બધી ઘર - જંજાળ
મસ્તીભરી જૂની યાદો તાજી કરીએ યાર
હાલને, એક કપ ચ્હા પીએ...

એક જ ચૂસકી લેતાં વિસરાય બધું ટેન્શન
હોઠ પર આવે હાસ્ય અને ખીલી ઊઠે મન
હાલને, એક કપ ચ્હા પીએ...

મૂકી દઈ મનના કોઈ ખૂણે મુંઝવણો તમામ
ભૂલી બધા કામ, પીએ દોસ્તીનો આ જામ
હાલને, એક કપ ચ્હા પીએ...

મૈત્રીની મોંઘેરી પળો નથી ક્યાંય બીજે મળતી
ચ્હા ને બહાને ભેગાં મળી, કરીએ થોડી મસ્તી
હાલને, એક કપ ચ્હા પીએ...

ચિરાગ (અનંત)
૧૭/૦૧/૨૦૨૩.
બપોરે ૪:૧૮ વાગ્યે..

રવિવાર, 8 ઑગસ્ટ, 2021

એકલતાનો અંધકાર..

 એકલતાનો અંધકાર...


પ્રેમ-ડગરે દુઃખ ના સાગર શું તમે જ જોયાં છે?

પ્રિયતમના વિરહમાં અહીં પત્થર પણ રોયા છે!


તમારે જ એકલતાનો અંધકાર, ભ્રમમાં ન રહો!

જીવ-સમ વ્હાલા પ્રિયજન અમે પણ ખોયા છે!


તમે જ કેવળ નથી ઘવાયા યાદ-રૂપી આ શરથી

વિરહમાં હૈયે કરેલ આક્રંદ અમે પણ જોયા છે!


ક્ષણભરનું દુઃખ! બાદ તમે તો જીવનમાં મશગુલ

હૈયે થયેલ વેદનાના પ્રહાર અમે રોજ ઝીલ્યાં છે!


તમે તો ચાલ્યા ખુશીથી, તરછોડીને મુજની પ્રીત

તમારી વાટમાં નિત્ય 'અનંત' ઝૂરી-ઝૂરીને મર્યા છે!


ચિરાગ (અનંત)...

૮/૮/૨૦૨૧ ૩:૧૫ કલાકે

સિવિલ હોસ્પિટલ અમદાવાદ 


રવિવાર, 2 મે, 2021

અમાસનો ચાંદ

 અમાસનો ચાંદ...


રત્નજડિત સજ્યું છે સૂનું આકાશ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!
પ્રસરાયો આ ઘોર તિમિરમાં પ્રકાશ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!

નભ એકલતાનાં વિષાદે રૂંધાયુ હતું
જાણે અંધકારના વાદળે ઘેરાયું હતું
જાગી આજ નવ-જીવનની આસ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!

શુષ્ક-અચેતન પડયું હતું જે વ્યોમ
પ્રીતિમય પુષ્પથી પાંગર્યું એ વ્યોમ
સર્વ, બસ પ્રણયની પ્રસરાઈ સુવાસ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!

સૈકાથી પ્રણય તરસ્યું રહયું વ્યોમ
હતું જો'ને શૂન્ય સરીખું આ વ્યોમ
આજ પામ્યું 'અનંત' 'કેરો ઊજાસ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!

- ચિરાગ (અનંત)
૨/૫/૨૦૨૧
સિવિલ હોસ્પિટલમાં...

શુક્રવાર, 2 એપ્રિલ, 2021

રાધાનાં અશ્રુ..

 

રાધાનાં અશ્રુ..

હે શ્યામ! તું આમ, શીદને કરે છે
વિરહમાં તારા જો'ને રાધા મરે છે

ત્યજી ગોપીઓને થયો કુબજાનો
થયો શ્રીકૃષ્ણ! નથી રહ્યો ક્હાનો!
મથુરાના રંગમાં એ રંગાઈ  ફરે છે
વિરહમાં તારા જો'ને રાધા મરે છે

ત્યાગ કરી મોરલી! તે ધર્યું સુદર્શન
શીદને ત્યજ્યું સોહામણું વૃંદાવન
કદંબના વૃક્ષ હેઠળ અશ્રુ સરે છે
વિરહમાં તારા જો'ને રાધા મરે છે

પૂર્યાં ચીર ક્રિષ્ણ! સખી પાંંચાલીના
વિષના એ ઘૂંટ થયા અમી, મીરાંના
પૂર્ણ-પ્રેમની આસમાં રાધા ઝૂરે છે
વિરહમાં તારા જો'ને રાધા મરે છે

ચિરાગ - (અનંત)...
સિવિલ હોસ્પિટલમાં
જી 4 વોર્ડમાં.
૦૨/૦૪/૨૦૨૧

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2021

આક્રંદ

આક્રંદ કરી રહ્યું  ઉપવન 

એક કુસુમ-કળી રીસાણી 

પ્રેમ-ફોરમે મ્હેકતી જો'ને

એ આજે કયાં સંતાણી? 

વિશિષ્ટ એ સર્વ પુષ્પોમાં

જુદી જ એની કહાણી 

દુનિયાદારીના બંધન તોડતી 

એ કયા બંધનમાં બંધાણી? 

પ્રેયસી સમ કળીના વિરહમાં

ઉપવનની લાગણી ઘવાણી

કરમાયા સૌ તરુ ચમનના 

સર્વ વિરહની વેદના છવાણી

ભુલ થઈ શું તારી? ઉપવન! 

કેમ થઈ કળી એ અજાણી

ત્યજીને રંગ તુજ ચમનના 

એ આજ કોના રંગે રંગાણી

ત્યાગ કરીને તારો શીદ એ 

'અનંત' માં જઇ સમાણી ? 

પ્રેમ-ફોરમે મ્હેકતી જો'ને

એ આજે કયાં સંતાણી? 


ચિરાગ (અનંત)... 

કોવિડ  હોસ્પિટલમાં... 

૨૬/૦૨/૨૦૨૧

૯ વાગ્યે... 

શનિવાર, 23 મે, 2020

પ્રેમસંદેશ

''કરી છે જો પ્રીત સાજણ  
સાથ તું નિભાવજે  
થઈને મનમીત સાજણ 
દલડું તું દીપાવજે
પ્રેમના શણગારે સાજણ
મુજને તું સજાવજે  
છે ને જો! ઉદાસ સાજણ 
મુજ હૈયું હરખાવજે
પ્રેમનો આ સંદેશ સાજણ 
આજ તું કહેવરાવજે    
હું તો થઇ તારી સાજણ 
લેવા વ્હેલો આવજે 
વાટ જોઈ બેઠી સાજણ 
   લેવા વ્હેલો આવજે...'' 

-ચિરાગ [અનંત ]
પાટણ [ઘરે]
તા. 23/05/2020
સાંજે 7:50 કલાકે 
નવલકથાના ભાગ રૂપે.

સોમવાર, 18 મે, 2020

લાચાર માનવી !!

લાચાર માનવી !!

સત્તાના ગુમાનમાં તો તું બન્યો હતો મગરૂર
હે માનવ! આજ તારે ઝૂકવાની પડી જરૂર ?

સ્વાર્થ કાજે રોજ દોડતો, પ્રકૃતિને તું રંજાડતો
કેટલાંય નાં માથા કચડીને થયો હતો મશહૂર

તું હતો અભિમાની, ના સુણતો કોઈ કહાણી
ગર્વરૂપી સાગર બની તું તો ઊભરાતો દૂર-દૂર

હરખાતો તું મનમાં, જાણી કોઈની લાચારી
એક જ પળમાં તું કેમ લાચાર થયો હજૂર !!

સર્જ્યો હતો તે  મદનો  શીશ મહેલ 'અનંત'
કુદરતની આ એક  ફટકારથી થયો ચકનાચૂર


 - ચિરાગ (અનંત)
૧૮/૦૫/૨૦૨૦
સવારે ૧૦:૧૫ કલાકે
પાટણ (ઘરે...)
મહામારીના સંદર્ભમાં..

વિધિની વક્રતા

વિધિની વક્રતા

તું વાટ જોતી ઊભી હતી
ને મારે પણ તને મળવું હતું !
અનુરાગી મુજ સરિતાને
તારા પ્રેમસાગરમાં‌ ભળવું હતું !

વૈશાખના વીંઝાતા વાયરા
મુજ હૈયાને પણ ડોલાવતા હતાં !
કોરા છતાં સ્નેહભીના
વાદળ મુજને પણ ભીંજવતા હતાં !

મુજ  હૈયાનાં પ્રેમ-મેઘને  તો
સદીઓથી તુજ હૈયે વરસવવો હતો !
સજની,
તરસતા તુજ હૈયાનાં પ્યાલાને
મારે આજ પ્રેમરસથી‌  છલકાવવો હતો !

વિધિની કેવી આ વક્રતા
તરસ્યાંને જળ ન જ મળ્યા !!
તું વાટ જોતી ઊભી રહી પણ
હું મુસાફર‌ હતો અલખના મારગનો !! (૨)


ચિરાગ (અનંત)
૧૮/૦૫/૨૦૨૦
બપોરે ૨:૪૫ કલાકે
પાટણ (ઘરે)
કોઈના કાવ્ય ના પ્રત્યુતર રૂપે

શનિવાર, 13 જુલાઈ, 2019

શહાદત...

શહાદત! ભાષાની દ્રષ્ટિએ તો કેવળ ચાર અક્ષરથી બનેલો એક શબ્દ. પરંતુ આ ચાર અક્ષરના શબ્દને જ્યારે લાગણીનું ફિલ્ટર લગાવીને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે કે અક્ષર કેવળ ચાર છે, શબ્દ એક, પરંતુ સાથે સંકળાયેલી છે સવા-સો કરોડ ભારતવાસીઓની લાગણીઓ!! સાંભળતાં જ જ્યારે સાવ માયકાંગલાની રગેરગમાં પણ લોહી ઉકળતું કરી મૂકે એવો છે આ શબ્દ શહાદત.

શોર્ય, ખુમારી, વીરત્વ, શહાદત, કુરબાની, વિરહ, ત્યાગ, વેદના આ બધાનો સમન્વય એટલે સૈનિક. સૈનિકનો પર્યાય અહીં કોઈ માણસ કે સમુદાય નથી  પરંતુ દેશ માટે ફના થઈ જવાની એક ભાવના છે. જ્યારે અંતરમાંથી એ ભાવના ઉદ્ભવે ત્યારે જેનો જન્મ થાય એ સૈનિક. જેનું માત્ર નામ સાંભળતા જ આપણા હૈયે પણ દેશભક્તિની એક લહેર દોડી જાય. એ ભાવનાની શક્તિ જ આપણા ઐક્યને ટકાવી રાખે છે.

પણ સાહેબ! એટલી સરળતાથી નથી મળતી આ શહાદત. એ તો કેવળ વીર પુરુષને જ વરે છે." वीरश्रीर्वीरवेश्मनी ! " એના થકી તો આખું જીવન નિછાવર કરી દેવું પડે છે. પછી ભલેને એ વિધવા મા નો એક નો એક દિકરો હોય કે બે દિવસ પહેલા જ પરણીને આવી નવવધૂને વિરહનાં ઘૂંટડા ભરવા એકલી તરછોડી ગયેલો નિર્દયી પતિ હોય, બાપુજીએ બાંધેલા સ્વપ્નના શીશ મહેલને ધરાશાયી કરનાર એ ક્રુર પુત્ર હોય કે જીવથી પણ વ્હાલા મિત્રને તેના લગ્નમાં આખી રાત નાચવાના ખાલી વાયદા કરી ચાલ્યો ગયો એ નિષ્ઠુર ભાઈબંધ હોય.

જ્યારે વાત માતૃભૂમિના રક્ષણની આવે છે ને ત્યારે સો-સો ને મારીને સામી છાતીએ બંદૂકની ગોળી ઝીલવાની હિંમત ધરવી એ તમારા કે મારા જેવા સાહેબોનું કામ નથી. ભોમકાની લાજ અચળ રાખવા પોતાના સર્વસ્વને કુરબાન કરી દેવાની હિંમતનું વરદાન બધાને નથી પ્રાપ્ત થયું.  એ ખુમારી તો હજાર હાથવાળા ઈશ્વરે એની ખૂબ જ પ્રિય અને વ્હાલી આત્માઓને જ આપી છે.

આપણને ઘોર નિદ્રામાં કયારેક બિહામણું સ્વપ્ન આવે તો પણ સફાળા બેઠા થઇ જઇએ છીએ. તો વિચાર તો કરો કે એ વીરપુરુષોનું તો સપનું જ દેશની રક્ષા કાજે ફના થઈ જવાનું છે. અને એ સ્વપ્ન, એ ખુમારી જ કદાચ એ વીરોને કંપાવતી ઠંડી હોય કે બળબળતાે તાપ હોય, કે ભલેને મૂશળધાર મેઘ હોય, ભૂખ્યા હોય કે તરસ્યા હોય, થાક્યા પાક્યા હોય કે દેહ લોહીથી ખરડાયેલા હોય, ઘાયલ હાલતમાં પણ વિષમ પરિસ્થિતિઓને હર્ષપૂર્વક લડત આપવાની હિંમત એ સ્વપ્ન થકી જ મળતી હશે.

શુક્રવાર, 12 જુલાઈ, 2019

તું અને તારી વાતો

તું અને તારી વાતો

યાદ મને આવે છે કાલી-ઘેલી તારી વાતો
અંતરને ભીંજવે છે આજે તારી મીઠી વાતો

યાદ કરું છું આજે જ્યારે મીઠો સ્પર્શ તારો
તરસ્યાં દિલને મળે જાણે સાગરનો સહારો
એ સાગરમાં સંસ્મરણોનું ‌મોતી ખોળવા જાતો
અંતરને ભીંજવે છે આજે તારી મીઠી વાતો

અંતરનું આ ગીત છે,‌તુ‌ં મારી મન-મીત છે
વાંસળીના સૂરમાં‌ વર્તાઈ રહી આ પ્રીત છે
રાધલડીની યાદમાં જોને શ્યામ પણ મુંઝાતો
અંતરને ભીંજવે છે આજે તારી મીઠી વાતો

પ્રેમનો અહેસાસ તું, 'અનંતનો' છે શ્વાસ તું
ડગે જ્યારે હૈયું મારું, છે મારો વિશ્વાસ તું
નખરાળ તારા નેણનું આ પ્રેમગીત હું ગાતો
અંતરને ભીંજવે છે આજે તારી મીઠી વાતો

- ચિરાગ (અનંત)
તા‌. ૧૯/૩/૨૦૧૯
સમય. સાંજે ૯:૦૮ વાગ્યે
સ્થળઃ કરમસદ

  • પ્રિયજનની યાદમાં........

ગુરુવાર, 11 જુલાઈ, 2019

વેદના..

વેદના...

જેના કાજે જિંદગી આ કુરબાન કીધી
આજ એણે જ વિરહ કેરી વેદના દીધી

પરીલોકથી અપ્સરારૂપ લઇ આવી'તી
સંમોહનથી લીધું જો મારું દલડું જીતી

હારીને હું ‌રાજકાજ, ચાકર થયો તેનો,
જેને દલડાનાં મહેલની પટરાણી ‌કીધી

કરવું'તુ કતલ ઓ નિર્દયી! મુજ‌ પ્રેમનું
શીદને તે મુજ‌ સંગ જુઠી પ્રીતડી બાંધી

વિસરાયું આ જગ જેના કાજે‌ 'અનંત'
એકલતામાં વિષ-કેરી પ્યાલી મેં પીધી! 

ચિરાગ (અનંત)
૧૧/૭/૨૦૧૯
સૂરત
વિરહરસ....

મંગળવાર, 9 જુલાઈ, 2019

કલ્પના..

જેનાં નખરાં જોવા પ્રક્રૃતિ આ અવિરત ભમે 
એ પરી પૂછે છે કે એની કઈ અદા મને ગમે! 

લજ્જા જડિત એ મુખડું, જોઈ પ્રીતમને ઝૂકે
અને ત્યારે મુજ હૈયે  તપતો સૂરજડો'ય‌ શમે! 

નકાબ તો ધરીને જ્યાં બેઠી છે એ એકલતાનું
ચકમકતી આંખે ત્યાં નિર્દોષ બાળા એક રમે! 

શિલ્પી નું શિલ્પ‌ છે 'ને છે એ રંગ ચિત્રકાર નો
કવિની કલ્પના થઈ ક્યાંક ગઝલરૂપ એ જન્મે! 

જાણે છે ખૂબ, જાણી અજાણ્યા કરવાની કળા
પ્રેમી મુજ હૈયે ‌મીઠડા 'અનંત' ઘા દઈ એ હસે! 


ચિરાગ (અનંત)
૫/૭/૧૯.
બપોરે ૧:૨૮ વાગ્યે..
કરમસદ મેડિકલ પુસ્તકાલયમાં..

ગુરુવાર, 4 જુલાઈ, 2019

ચાલ ને સખી! પ્રીત કરીએ.

ચાલ ને સખી! પ્રીત કરીએ...
પરસ્પરના મનમીત બનીએ...

ચાલ ને સખી! બાળક થઈએ
લોભ પ્રપંચની જંજાળ ત્યજી
નિર્દોષ હૈયું આ હેતથી ભરીએ
ચાલ ફરી આજ એકડો ઘૂંટીએ..

ચાલ ને સખી! સંગીત થઈએ
તું કુસુમ‌‌ મહેકતી હું બનું ભ્રમર
ને આજ ગુંજન પ્રણયનું કરીએ
ચાલ ને!  ફરી પ્રેમગીત ગાઈએ..

ચાલ ને સખી! ક્ષિતિજ થઈએ
તું વસુંધરા‌ બને! હું નીલગગન
'અનંત'માં  આપણ એક થઈએ
ચાલ!  ફરી આજ શૂન્ય‌ બનીએ..

ચિરાગ (અનંત)
૦૫/૦૭/૧૯
કરમસદ ઘરે
એક વિચાર..