શનિવાર, 23 જુલાઈ, 2016

આજે મને પ્રેમ થઈ ગયો !!!

આજે મને પ્રેમ થઈ ગયો !!!
હા, પહેલા મને પણ અચરજ થયું કે શું આ હકીકત છે કે કોઈ સ્વપ્ન? પરંતુ જ્યારે આંગળી અને અંગુઠાની વચ્ચે ચામડી પકડી ચૂંટી ખણી ત્યારે ખબર પડી કે આ કોઈ સ્વપ્ન નહી પણ હકીકત જ છે. એક એવી હકીકત જે મારુ મન હજુ પણ સ્વીકારવા તૈયાર થતુ ન હતું. હવે મન નામની આ માયાએ તરત જ જાતને બીજો પ્રશ્ન કર્યો: તુ કોના પ્રેમમાં પડ્યો?? આ પ્રશ્ન થતા જ મનરૂપી એ મેનેજરે તેના આખાય સ્ટાફને કામે લગાડી દીધાે. નેત્રોએ એના ચહેરાની શોધ શરૂ કરી દીધી અને ત્વચા એનો સ્પર્શ ઓળખવા મથામણ કરવા લાગી, કર્ણ વળી એનો સ્વર પારખવા નીકળી પડ્યા!! પરંતુ જ્યારે મનનો આખો સ્ટાફ હારીને પરત ફર્યો ત્યારે લાચાર થયેલું મેનેજર રૂપી મન મારું મિત્ર બની, મને અવનવા લોભામણા બતાવી મારા પ્રેમ વિશે પૂછવા લાગ્યું. પરંતુ મેં પણ આજે મનને પરેશાન કરી દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. મેં સાંકેતિક ભાષામાં જ ઉત્તર આપતા કેવળ એના નામનો પ્રથમ અક્ષર જ કહ્યો: 'ક'. કમ્પ્યૂટર કરતા પણ વધુ ઝડપે મન નામના આ મશીને  'ક' નામથી શરૂ થતા મારા જીવનસફરમાં આવેલા બધા જ રાહગીરોનું એક લિસ્ટ બનાવી એમાંથી મારા પ્રિય પાત્ર ને શોધવા લાગ્યું. પરંતુ જ્યારે એમાં પણ નિષ્ફળતા મળી ત્યારે આજીજી કરતું મન ફરી મારી પાસે આવ્યું. પણ હું એમ થોડો માનવાનો હતો!! મેં ફરી કેવળ એક સંકેત જ આપ્યો એ એના નામમાં ફક્ત ત્રણ જ અક્ષર છે. મનરૂપી એ મશીને 'ક' નામની બધી જ વ્યક્તિઓ પૈકી ત્રણ અક્ષરના નામવાળા બધાને અલગ તારવ્યા. પરંતુ એમાં પણ એ ન જ ફાવ્યું. પરંતુ હું તો એને આમ દોડધામ કરતુ જોઈ ખુબ જ આનંદ અનુભવી રહ્યો હતો. જે મન માણસને જિંદગીભર દોડવા માટે મજબુર કરે છે આજે એ જ મન ગાંડુ બની આમથી તેમ દોડી રહ્યુ હતુ એથી વધારે આનંદની વાત બીજી શું હોઈ શકે!!! મેં ફરી છેલ્લીવાર સંકેત કર્યો અને એના નામનો છેલ્લો અક્ષર 'મ' કહ્યો. મન ફરી એકવાર દોડવા લાગ્યુ. પરંતુ જ્યારે એને હાંફ ચઢી ત્યારે મને એની દયા આવી ગઈ અને મેં પ્રેમનો આ ભેદ ઉઘાડો પાડવાનો નિશ્ચય કર્યો.
હા, મેં કોઈ જ જાત ની મજાક નહતી કરી. મને ખરેખર પ્રેમ થઈ ગયો હતો. પરંતુ એ પ્રેમ કોઈ વ્યક્તિ માટે ન હતો. એ પ્રેમ તો હતો મારા સુખ-દુખની દરેક પળમાં મારી ભાગીદાર બનનારી મારી 'કલમ' પ્રત્યેનો!! સાંભળીને જરા અચરજ થાય એવી વાત છે કે કોઈ માણસને વસ્તુ સાથે ફક્ત આકર્ષણ હોઈ શકે પરંતુ પ્રેમ કેવી રીતે થાય???  પરંતુ મારી જિંદગીના ડગલે ને પગલે મારી સાથે રહેનારી, મારા પ્રત્યેક વિચારોને લેખ અને કાવ્યોનું રૂપ આપનારી મારી કલમે જોતજોતામાં ક્યારે મારા દિલ પર કબજો મેળવી લીધો એના જાણ જ રહી નહી. હું એકલો જ નહીં મારા જેવા કેટલાય સાહિત્યપ્રેમી લેખક કે કવિ પોતાની કલમ સાથે પ્રેમમાં ડૂબતા હશે પરંતુ કહેતા ડરતા હશે. વિચારોને કાગળના ચોપાનીયા પર ઉતારવાની જે કળા કલમમાં જે હું એના પર જ મોહિત થઈ ગયો. કહેવાય છે ને કે માનવી એના વિચારોનું પ્રતિબિંબ હોય છે પરંતુ એ વિચારરૂપી એ પથ્થરને શિલ્પનું રૂપ આપનારી મારી પ્રેમિકા કલમ જ છે.

I Love You my dear PEN....✍✍✍

- ચિરાગ (અનંત)

5 ટિપ્પણીઓ:

chiragcontractor07@gmail.com