ગુરુવાર, 26 મે, 2016

વૈશ્યા

વૈશ્યા

લજ્જાનો ઘુંઘટ ત્યજી દેહના સોદા થાય છે
જગમાં ત્યારે વૈશ્યાનું નામ એને અપાય છે

જખ્મ તો એનેય લાગ્યા,હૈયે અને દેહ પર
હસતુ મુખડુ રાખી બધા દર્દ એ સહી જાય છે

સપના એનાય હતા ભદ્ર જીવન જીવવાના
કિસ્મતના પ્રહાર એને અભદ્ર બનાવી જાય છે

લાગણીઓના તો ફૂટે છે એનાય હૈયે અંકુર
કોમળ એના દિલ પર જ્યારે પથ્થર મૂકાય છે

જગ માટે તો છે એ દુરાચારી અને પાપીણિ
એ તો કેટલાય પાપીઓનું પાપ શોષી જાય છે

સ્વેચ્છાએ તો કોઈ ના લે દેહ વેચીને દર્દ 'અનંત'
ભૂખ નીતરતી આંખો એને ભક્ષવા દોડી જાય છે

- ચિરાગ

બુધવાર, 25 મે, 2016

પ્રેમનો દસ્તાવેજ

પ્રેમનો દસ્તાવેજ

આશા કે અપેક્ષાનો અહીં ભાવ નથી રખાતો
પ્રેમમાં કંઈ શરતોનો દસ્તાવેજ નથી લખાતો

પહેલી નજરે જ જ્યારે લુંટાય છે હૈયુ
આંખોની ખતામાં કાગળનો કરાર નથી થાતો

વિના સંકોચે જ્યારે દઈએ છીએ દલડુ
સામે દલડુ મેળવવા પ્રસ્તાવ નથી મૂકાતો

એક 'હા' ના ઈંતજારમાં વીતી જાય જિંદગી
તોય 'ના' આવતા દિલમાં ખેદ નથી કરાતો

'અનંત' તને એકલો છોડી એ તો ચાલ્યા ગયા
વિરહની વેદનામાં પણ એક શબ્દ નથી કહેવાતો

- ચિરાગ

રવિવાર, 22 મે, 2016

જાસુદની કળી


જાસુદની કળી


વસંતી મોસમમાં ખુશીની ચાવી એને મળી
જાસુદના છોડ ઉપર ખિલી ઉઠી એક કળી

મનમાં એના બાંધીને આશાના પહાડ
રંગીન દુનિયા જોવા એ થઈ ઉતાવળી

ફુલ બનીને ખિલશે, ફેલાવશે મહેક
જગને મોહિત કરતી ફોરમ છે એને મળી

એની ફરતે પ્રેમમાં ભમરા કરશે ગુંજન
આખાય ઉપવનમાં થશે એ તો સોહામણી

સપના હતા એ શીશના, ભાંગી ભૂકો થયા
નિર્દોષ હતી છતાં પણ સજા એને મળી

કરવી'તી ફરિયાદ, જાણવા એનો અપરાધ?
કોમળ ફૂલની કળીને એ તક પણ ના મળી

ફૂલ બન્યા પહેલા જ એ કળી તો મુરઝાઈ
ખુશીના પ્રભાત વિના જ દુ:ખની સંધ્યા ઢળી
જાસુદના છોડ ઉપર ખિલી હતી એક કળી...

- ચિરાગ..

શનિવાર, 21 મે, 2016

તળાવને કાંઠે

તળાવને કાંઠે

ગોપીઓ જાય છે તળાવને કાંઠે
ગાગર છલકાય છે તળાવને કાંઠે
છલકાતા બેડલાના પાણી લેતા
પ્રેમ પણ થઈ જાય છે તળાવને કાંઠે

કેશ ગુંથાય છે તળાવને કાંઠે
ઓઢણી લહેરાય છે તળાવને કાંઠે
કોઈનો ચહેરો દિલમાં ચિતરતા
પ્રેમ પણ થઈ જાય છે તળાવને કાંઠે

આંખો ટકરાય છે તળાવને કાંઠે
મુખડા મલકાય છે તળાવને કાંઠે
મીઠા શબ્દોની રમતો રમતા
પ્રેમ પણ થઈ જાય છે તળાવને કાંઠે

સાંજ ઢળી જાય છે તળાવને કાંઠે
પ્રણયોદય થાય છે તળાવને કાંઠે
મેઘધનુષના સતરંગની હેઠળ
હૈયા મળી જાય છે તળાવને કાંઠે
પ્રેમ પણ થઈ જાય છે તળાવને કાંઠે


- ચિરાગ

શુક્રવાર, 20 મે, 2016

ગઝલની રચના

ગઝલની રચના

હૈયાના ભાવ જ્યારે કલમમાં સમાય છે
શબ્દોમાંથી ત્યારે એક ગઝલ રચાય છે

પ્રણયના જ્યારે હૈયે ફૂટે છે અંકુર
આંખેથી જ્યારે નેહના સાગર ભરાય છે

એકલતાના તાપે તપતી ભૂમિ ઉપર
જ્યારે કોઇના સાથરૂપી નીર છંટાય છે

કોઈના વિરહમાં જ્યારે ઝૂરે છે હૈયુ
યાદોના જ્યારે આંગણે તોરણ બંધાય છે

હાર્યા છતાંય પ્રેમમાં જ્યારે એ 'અનંત'
હસતા રહી જીવવાની સજા દેવાય છે

- ચિરાગ




ગુરુવાર, 19 મે, 2016

કાદવ અને કમળ

કાદવ અને કમળ


જે પુષ્પ હાથે ધરી દેવ-દેવીઓ રમે, એ
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

ફુલનો છે રાજા તું સરોવરથી કેમ દૂર રહે?
હે પંકજ! પંકમાં ખિલવાનું કારણ તુ મને કહે
જગના સ્પર્શથી ડહોળુ થતું જળ મને ન ગમે
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

દેવશિરે ચડનારા તારી ઝંખના ધરા પર થાય
અે કે' ધરા તો આખી સ્વાર્થની ગંધે ગંધાય
એથી મારી મહેક મુર્ઝાય એ મને ન ગમે
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

મનમોહક છે મહેક તારી તુ કેમ ન તરુ બની ખિલે
એ કે' મારા તનમાં નથી જોર જે કો'ડીના પ્રહાર ઝીલે
ચૂંટે મને કોઈ સ્વારથ કાજે એ મને ન ગમે
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

કાદવ થી સૌ દૂર ભાગે ગંદા થવાના ભયથી
મિત્ર મારો રક્ષે મને, જવા ન દે મને અહીંથી
મારા માટે કાદવ જ ધરતી,છોડ ને સરોવર છે
એ છે તો હું છુ, મૈત્રી અમારી અમર છે
આવા મિત્રની શોભા બનવું મને ખુબ ગમે
કમળ કહે મને તો કાદવમાં જ ખિલવું ગમે

- ચિરાગ

મંગળવાર, 17 મે, 2016

ચંદ્ર અને ચાંદની

ચંદ્ર અને ચાંદની

સૌંદર્યનો સ્પર્શ કરવા, તને છોડી જાઉ છું
ચાંદની કહે ચંદ્રને ધરતી પર હું જાઉ છું

પંખીઓનો મીઠો કલરવ કાનને જ્યારે સ્પર્શે
હૈયાને મળતી ટાઢક પર હું તો મોહિત થઉ છું

ડુંગર ખુંધી નીર જ્યારે સાગરમાં સમાય
સરિતાના એ પ્રેમમાં જાણે હું ડૂબી જાઉ છું

વસંતી સવારે જ્યારે કિરણ સોનેરી પથરાય
પ્રકૃતિના ખાેળે હું તો ભાન ભૂલી જાઉ છું

પનઘટ પર પાણી લેતા ગાગર જ્યારે છલકે
હરખની એ વર્ષામાં મન ભરી ભિંજાઉ છું

બે હૈયા વચ્ચે જ્યારે પ્રણયની ગાંઠ બંધાય
પ્રીતનું એ સુખ માણવા હું તો ઘેલી થઉ છું

વસુંધરાની સુંદર ધરા જ્યારે જ્યારે જોઉ છું
ખરા પ્રેમથી વંચિત, અહીં બેઠી રુંધાઉ છું

- ચિરાગ


શનિવાર, 14 મે, 2016

એક હમસફર


એક હમસફર

જીવનસાથી બનીને મારી પ્રેમના કઠિન સફરમાં
મળી'તી એક હમસફર, જીવનરૂપી આ સફરમાં


નયનના એક પલકારથી જ હરી લીધુ એણે હૈયુ
પ્રેમનો જાણે સાગર હતો,એની એ મીઠી નજરમાં
મળી'તી એક હમસફર, જીવનરૂપી આ સફરમાં


હાથમાં મારા નાખી હાથ, નિભવ્યો એણે મારો સાથ
પુષ્પ બની એ પથરાઈ પ્રેમની કાંટાળી ડગરમાં
મળી'તી એક હમસફર, જીવનરૂપી આ સફરમાં


વાદળ બનીને આવી'તી એ, વરસી ખુશીના નીર બની
ભીંજાવી દલડાનું ઉપવન, સમાઈ ગઈ એ સાગરમાં
મળી'તી એક હમસફર જીવનરૂપી આ સફરમાં

સમયની પેઠે વહી ગઈ જાણે, એ તો મીઠી યાદ બની
છોડી ગઈ 'ચિરાગ'ને એકલો, યાદોનાં એ નગરમાં
મળી'તી એક હમસફર જીવનરૂપી આ સફરમાં

- ચિરાગ



શનિવાર, 7 મે, 2016

બે શબ્દો દિલના

નાનપણમાં મારી મસ્તી હોય કે યુવાનીમાં મારાથી દૂર હોવાનું દુ:ખ હોય,બધું જ હસતી આંખે સહન કરવાની એ અખૂટ ક્ષમતા,મમતાની એ મૂર્તિ કે જેના તો ઠપકામાં પણ પ્રેમની મીઠાશ છે, બાળપણથી જ ઘડારૂપી મુજને કુંભાર બની ઘડનાર, મારા પ્રત્યેક રિસામણાને અવનવી લાલચ આપી મનાવનાર, મારા ચરિત્રરૂપી મૂર્તિની એકમાત્ર શિલ્પકાર, મારા માટે સાક્ષાત ભગવાન એવી 'મા' ને કોટિ કોટિ વંદન.
- # હેપી મધર્સ ડે
- ચિરાગ

રવિવાર, 1 મે, 2016

દીપ અને જ્યોતિ

દીપ અને જ્યોતિ

એક વાર દીવા અને જ્યોત વચ્ચે સંવાદ થયો. અને એ સંવાદમાંથી વિવાદ ઉભો થયો. વિવાદનું કારણ કેવળ એક પ્રશ્ન હતો: બંનેમાંથી ચડિયાતુ કોણ??

દિપક કહે : મારા વિના જ્યોતનું અસ્તિત્વ જ નથી. હું છું તો જ જ્યોત છે.મારા વિના જ્યોત પ્રકાશી જ ન શકે. જ્યારે મારામાં ઈંધણ પૂરાય છે ત્યારે જ જ્યોત જળે છે. કેવળ હું જ જ્યોતનો તાપ સહી શકું છું. તેથી જ તો જગ દિવાળી પર જ્યોત જળાવો એમ ન કહેતા દિવો જળાવો એમ કહે છે.

જ્યોત કંઈ પણ કહ્યા વિના શાંત ચિત્તે દીવાની દલીલ સાંભળી રહી હતી. ત્યાં જ અચાનક પવનનું એક વંટોળ આવ્યુ અને જ્યોત જળતી બંધ થઈ ગઈ. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. દીવાને તો પળવાર માટે કંઈ સમજાયું જ નહિ કે આ શું બની ગયું. થોડી ક્ષણ બાદ તેને ખબર પડી કે તેની પ્યારી જ્યોત, જેને તે હમણા થોડા સમય પહેલા નિમ્ન દર્શાવતો હતો;એ તો બુઝાઇ ગઈ છે. ચારે બાજુ છવાયેલા ઘોર અંધકારમાં દીવો પોતાની જાતને પણ ઓળખી શક્યો નહી. હવે દીવાને સમજાયું કે જ્યોત જ તેની શોભા હતી અને જ્યોત વિના તો તેનું કોઇ અસ્તિત્વ જ નથી.જ્યોત છે તો જ દીવો છે. અભિમાનને લીધે દીવો પોતાની જાતને પણ ભૂલી બેઠો હતો.હવે તેણે સાદ પાડી પાડીને જ્યોતને પાછી બોલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યોત ફરી પાછી આવી નહી. દીવો ઉદાસ થઈ ચોધાર આંસુડે રડવા લાગ્યો.

માણસ અને ભગવાનના કિસ્સામાં પણ કંઇક આવું જ છે.માણસ દીપક છે તો પ્રભુ તેને કાંતિ આપનાર જ્યોત છે. પણ ક્યારેક પૃથ્વી પરના વિલાસમાં આચરતા તે અભિમાનનું સેવન કરતો થઇ જાય છે. ત્યારે તે ભગવાનને પોતાનાથી નિમ્ન સમજે છે અને પોતાની જાતને જ ભગવાન સમજવા લાગે છે. પરંતુ જ્યારે તે દીવો દુ:ખરૂપી અંધકારમાં ફસાય છે ત્યારે તેને જ્યોતરૂપી ભગવાનની યાદ આવે છે. પણ મદદ કયાંથી મળે??

તેથી જ આપણે કદાપિ આપણી ખરી ઓળખાણ ભૂલવી નહી. આપણે ઉપરવાળાના જ અંશ છીએ એ હકીકત જો મનમાં દ્રઢ બનશે તો આખી િજંદગી જ બદલાઈ જશે..

- ચિરાગ