શનિવાર, 27 જૂન, 2015

મોચીકાકા

             રવિવાર નો દિવસ મારા માટે સંપૂર્ણપણે રજા નો દિવસ હોય છે  . કોલેજ ના   એક અઠવાડીયાના એકદમ કડક સમયપત્રક પછી શનિ-રવિ ના એ દિવસો મને  મીઠા મધ જેવા લાગતા  . અને રજા નો દિવસ હું  આરામ કરવામાં જ વિતાવતો  . બીજા મિત્રો રવિવારનો સમય વાંચવામાં અને  એમની જર્નલો પૂરી કરવામાં ખર્ચતા  .જ્યારે મારા માટે બે જ કાર્યો મહત્વપૂર્ણ હોય  . એક સરસ મજાની ગાઢ નિંદ્રા લેવાનું અને બીજું આ ચંચળ મન માં જન્મેલા વિચારો ને કાગળ ના ચોપાનીયા પર નોંધવાનું  . મને અભ્યાસ સિવાય નું બીજું કઇક સાહિત્યિક લખવાનું ખુબ જ ગમતું  . કોણ જાણે એનાથી મન માં હું ખુબ જ આનંદ અનુભવતો  .
       
             આવો જ એક રવિવારનો દિવસ અને સાંજનો સમય  . પણ આજે મારે થોડું ઘણું  કામ પતાવવાનું હતું   . પહેલા તો મિત્ર ભાવિનની પાસપોર્ટ  માટેની અરજી મારે મારા કોમ્પ્યુટર માંથી કરવાની હતી  . અરજી ભર્યા પછી બે ઘડી એની સાથે પાસપોર્ટની વાતો કરી  . એમાં થી પાસપોર્ટ અંગેની પોલીસ ઇન્ક્વાયરીના ધક્કા અને તેમાં થતા ભ્રષ્ટાચાર અંગેની વાત નીકળી  . અત્યારે  દરેક  ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર રૂપી ઉધઈના આ કીડા ઘર કરી રહ્યા છે અને મધ્યમ વર્ગના  માનવીને તો પૂરેપૂરો કોતરી ખાય છે. પાછું મારું મન વિચારો ની ચગડોળે ચડ્યું  . એક પછી એક ભ્રષ્ટાચાર , ચોરી હત્યાના સમાચારમાં સંભાળવા મળતા કિસ્સાઓ માનસપટ પર અંકિત થવાના ચાલુ થઇ ગયા  .

          "અરે , કયા વિચારો માં ખોવાઈ ગયો ? તારે હજુ પેલા ચપ્પલ સંધાવા નથી જવું ? " વિચારોની એ માળાને તોડતા ભાવિન બોલી ઉઠ્યો  .
          "હા , યાર એ તો હું ભૂલી જ ગયો !" આજે મારે ચપ્પલ સંધાવા માટે જવાનું હતું એ વાત તો મારાથી વિસરાઈ જ ગઈ હતી  . મારા ચપ્પલ  છેલ્લા પંદર દિવસથી મારી સાથે જાણે ઝગડો કરી કહી રહ્યા હતા કે હવે તેમને  ઓપરેશનની સખત જરૂર છે  . પણ હું રોજ સવારે વિચાર કરું અને સાંજ પડતા પડતા તો એ વાત વિસરાઈ જતી  .  પણ હવે મને ચપ્પલ પ્રત્યે વધારે ક્રુરતા કરવી પાલવે તેમ ન હતું  . એટલે આજે ભાવિન સાથે જવાનું નક્કી કર્યું હતું  .
   
           કોલેજથી ઇસ્કોન મંદિરનો રસ્તો લગભગ પાંચ મિનીટનો થાય  . અને મંદિરની સામે જ ફૂટપાથ પર પોતાની જ ધૂનમાં મશગુલ થઇ ને બુટને પોલીશ કરતા એક આધેડવયના મોચીકાકાને જોઈને આપણને જાણે  બીજી બધી જ વાતો વિસરાઈ જાય  . માણસનું બધું જ દુ:ખ-દર્દ આ કાકાના એક સ્મિતમાત્રથી જ ગાયબ થઇ જાય અને એમના વર્તનમાંથી એક અનેરો જ વિવેક વર્તાઈ આવે   .

          "કાકા આ ચપ્પલ સાંધવાનું છે. કેટલો સમય લાગશે ?"
          "બસ સાહેબ , બે જ મિનીટમાં તો તમારું ચપ્પલ તૈયાર  . એથી વધુ રાહ  તમારે નહિ જોવી પડે  ." કાકા મીઠાશથી બોલ્યા  .
           "યાર , ભાવિન ખરેખર આ પેથોલોજી  ના પ્રેક્ટીકલ ખુબ જ  અઘરા પડે છે  . અને સવારે ક્લિનિકમાં ત્રણ કલાક ઉભા રેહવામાંતો કમર કસાઈ જાય છે  . "મેં સમય પસાર કરવા ભાવિન સાથે વાતો ચાલુ કરી  .

           "અરે , એમાં કઈ નહી  . જો તમને રૂચી હોય તો કોઈ પણ કામ અઘરું ન લાગે  અને હવે મેડીકલ માં એડમીશન  લીધું છે તો કાં'તો આ પાર કાં'તો પેલે પાર થવું જ પડે  . એ વગર આપડે છૂટકો જ નથી। ....."
          "સાહેબ  , તમે મેડીકલ કોલેજમાંથી આવો છો ? " અમારો વાર્તાલાપ અટકાવતા મોચીકાકા બોલી ઉઠ્યા  .
          " હા, કાકા  . કેમ કઈ કામ હતું ??  કઈ જરૂર હોય તો કે'જો  ." મારાથી અમસ્તું જ બોલાઈ ગયું  .

          " અરે ના રે ના સાહેબ  આપણને તો સાજા-નરવા રાખનારો ઉપર બેઠો છે  . કે' છે ને કે 'રામ રાખે એને કોણ ચાખે !!' પણ આ તો એકાદ બે મહિના પહેલા તમારા મેડીકલ કેમ્પસના જ એક ડોક્ટર બેન અહી ચપ્પલ રીપેર કરાવવા આવ્યા હતા  . મેડમ ભલા લગતા હતા  . પણ એમનાથી આ એક બોક્સ મારે ત્યાં ભુલાઈ ગયું  છે  . એક મહિનાથી રાહ જોઉં છું કે મેડીકલનું કોઈ આવે તો એ બોક્સ એને સોંપી દઉં  અને મારા મનનો ભાર હળવો થાય  . "

        "કાકા , એ બોક્સ માં શું છે તમે જોયું ખરા ?"
        " ના રે ના સાહેબ  . આપણાથી બીજાની વસ્તુને એવી રીતે ના અડાય  . એક મહિના દિ'થી  મને આ બોક્સ ભારરુપી લાગે છે  . આજે તમે મળી ગયા છો તો એ ભાર પણ ઉપરવાળાએ  હળવો કરી દીધો  . આ બોક્સ એ મેડમ સુધી પહોંચાડી દો તો મેહરબાની રેહશે."
       ભાવિને એ બોક્સ તરત જ લઇ લીધું  . એ હતું તો એક સામાન્ય લેન્સેટ ( લોહી લેવા માટે ની સોય )નું બોક્સ  . પણ મને આ મોચીકાકા ની ઈમાનદારી જોઈ ને અચરજ થયો  .
       "સાહેબ , તમારા ચપ્પલ  સંધવાના દસ રૂપિયા થયા  ."
       મેં દસ રૂપિયા કાઢી તરત જ કાકા ના હાથમાં મુક્યા  .
       મારા મનમાં એ દસની નોટની સાથે જ ફરીથી પેલા ભ્રષ્ટ થઇ ગયેલા મોટા  માણસોના ચિત્રો પ્રગટ થવા મંડ્યા  . અને બીજી બાજુ હતા આ ઈમાનદારી ના પ્રતિક રૂપી 'મોચીકાકા' . જેઓએ એક મહિનાથી એક અજાણ્યા ડોક્ટર મેડમના બોકસને સાચવીને રાખ્યું હતું   અને એમાં શું છે એ જોવા સુધ્ધાની રુચિ દર્શાવી ન હતી  .
      કે'છે ને કે 'હો નાથ તમે તુલસી ને પાંદડે તોળાણાં ' આ  કથન મને આજે આ મોચીકાકા માટે સાચું લાગ્યું  . દુનિયાનો ગમે તેટલો ભ્રષ્ટ પૈસો પણ જો આ માણસની સામે ત્રાજવામાં મૂકી  દો તો પણ ઈમાનદારી નું આ પલડું ડગે એમ ન હતું    ...............

       
                                                         -ચિરાગ
          

રવિવાર, 14 જૂન, 2015

કાવ્ય -- સપનું

 સપનું

સપનું - વાસ્તવિકતા અને આભાસ વચ્ચે નો એક નાજૂક સેતુ  . ક્યારેક મીઠું તો ક્યારેક કડવું લાગે એવું આ  સપનું ઘણી વાર એવા અનુભવો કરાવતું હોય છે જે વાસ્તવિક જીવન માં અતિ દુર્લભ હોય છે  . અને  કોઈ  વાર આ જ સપનું  જીંદગી જીવવાની જડીબુટ્ટી પણ  આપતું જાય છે  .  વ્યક્તિ જયારે આભાસ ની આ દુનિયા માં હોય છે ત્યારે ઘણી વાર તેને વાસ્તવિકતા કડવી લાગવા લાગે છે કારણ કે આ દુનિયા નો માલિક એ પોતે  છે અને અહી તેનું ધાર્યું બધું જ સારું થાય છે  . એને સપના માં જ રેહવાનું મન  થાય છે  . કારણ કે એને ખબર છે કે આંખ ઉઘડતાની સાથે  જ એની બધી અપેક્ષાઓ પર પાણી ફરી જવાનું છે  . હવે  ફરી એ  કડવી વાસ્તવિકતા ઘૂંટડા એણે  ભરવા પડશે  . પણ ન ચાહતા પણ એણે નેત્ર ઉઘાડી ને વાસ્તવિકતા નો સામનો તો કરવો જ પડશે  .
 પોતાની પ્રેમિકા દ્વારા તરછોડાયેલા અવા  જ એક યુવક ની વ્યથા  મેં મારા આ કાવ્ય દ્વારા રજુ કરવાનો પ્રયાસ કર્યો છે  .
   
                                                           મારે સપના માં જ  રેહવું છે


 હાથ માં તારા મુક્યો મેં જયારે મારો હાથ
ખીલ્યા ચમન માં ફૂલ ને પંખીઓ એ કર્યો સાદ
 ઉભર્યો પ્રેમ નો ઉમળકો ને એ સાથે જ આપણે
એકબીજાના નયન માં ઝંખ્યો જીવનસંગાથ

             તારા ભાલ ને ચૂમવા વધ્યો હું  આગળ જરા
              કોણ જાણે કેમ સરકી મારા પગ તળે થી ધારા
              હાથ પકડવા તારો  કર્યો મેં નિષ્ફળ પ્રયાસ
              પણ ઓઝલ થઇ ગઈ તું મને મળ્યો ફક્ત એકાંત

અંધકાર નો પરદો ઉઠતા જ નેત્ર મારા ખુલ્યા
ત્યારે મેં જાણ્યું કે આ તો કેવળ આભાસ હતો
વાસ્તવિકતા નો પરિચય થયો ત્યારે જાણ થઇ
કે એ તો કેવળ સપનું હતું જેમાં તારો સાથ હતો
             
             હવે ફરી મારે આ કડવા સત્ય સાથે જાગવું પડશે
              કે છે તું મારા થી દૂર મારે તો એકલા જ રેહવું પડશે
             શું ખોટો  હતો એ આભાસ જેમાં હતો તારો સંગાથ
              હવે ફરી મારે એકાંત ના આ દરિયા ને ખેડવો પડશે

જો મળી જાય મને ઈશ્વર મારે ફક્ત એટલું કેહવું છે
કે એક જ  વાત રટ્યા કરે છે આ હૈયું
                    મારે સપના માં જ રેહવું છે
                     મારે સપના માં જ રેહવું છે। .................


                                               ચિરાગ


સોમવાર, 8 જૂન, 2015

કસોટી

                                              " શું પુણ્ય ના જ પારખા થાય છે ??"

           મેડિકલ ના અભ્યાસ કાળ  દરમ્યાન વિદ્યાર્થી માટે વેકેશન ના દિવસો સંજીવની બુટી જેવા  દુર્લભ હોય છે. રજા ના એ દિવસો શોધવા માટે અમારે  હનુમાનજી ની જેમ પરીક્ષા રૂપી કેટકેટલા હિમાલય ખુંદવા પડે  છે. અને આ સમયે અમે એ જ સંજીવની નો આનંદ લઇ રહ્યા હતા.
           મે મહિના ના એ સમય માં ગરમી નો પાર ના હતો. આકાશ માંથી જાણે અંગારા વરસતા હોય એવી ગરમી ના લીધે હીટસ્ટ્રોક થતા મૃત્યુ ના રોજ એક બે કેસ તો સમાચાર માં જોવા મળે જ !!! રસ્તાઓ પણ એકદમ વેરાન  હોય. એક ચકલું પણ બહાર ફરકતું જોવા ના મળે.
            આવા જ એક ખરા બપોર ના સમયે હું માસી ને મળી ને વળતો થયો હતો. વેકેશન  આવતી કાલે પૂરું થવાનું હતું અને ફરીથી ફાર્મેકોલોજી અને પેથોલોજી  સાથે લડાઈ ચાલુ કરવાની હતી. માસી ને ઘણા  દિવસે મળ્યો એ આનંદ માં જ મન વિચારો માં ખોવાયેલું હતું . અને  મારું બાઈક સડસડાટ ગરમી ભર્યો એ રસ્તો કાપી રહ્યું હતું  . ત્યાં જ મારી નજર રસ્તા પર પડેલ પથ્થર જેવી વસ્તુ પર પડી . "હશે હવે પથ્થર ! કોઈ એ ફેંક્યો હશે રસ્તા પર એમ જ  . પણ થોડું અંતર કાપતા જ વિચાર આવ્યો કે લાવ ને જરા જોઉં તો ખરા છે શું ? કોઈ ને નડે એ પહેલા એને રસ્તા પર થી બાજુ માં ફેંકી દેવામાં  મારે શું નુકશાન જવાનું છે ?
           બાઈક નો યુ - ટર્ન મારીને જયારે હું એ જગ્યાએ પહોંચ્યો ત્યારે મારો તો શ્વાસ જ અટકી ગયો  . રસ્તા પર ખરા બપોરે પડેલ એ પથ્થર નહિ પણ એક પંખી હતું  . એક 'હોલો ' જે પોતાની જીંદગી ના આખરી શ્વાસ ના ડચકા ભરતો હતો  . ચાંચ માં થી લોહી જાણે પાણી ની જેમ વહી જતું હતું  . પણ હજુ એનું પ્રાણ પંખેરું ઉડ્યું નોતું એટલે જીવન ની આશા ની જ્યોત હજુ ઝબુક્યા કરતી હતી  . પણ એ જ્યોત ટૂંક જ  સમય માં બુઝાઈ જવાની છે એવું મને એ સમયે વર્તાતું હતું  . કોઈ ક્રૂર વાહનચાલક ની હડફેટ  માં આવી ને જ બિચારા આ હોલા ની  આવી હાલત થઇ હશે. એની એક પંખ પણ અડધી   કપાઈ  ગઈ હતી એટલે જીવવા ની શક્યતા  તો ખુબ જ ઓછી હતી  .
             જ્યાં સુધી મારા દેહ માં પ્રાણ છે ત્યાં સુધી તો હું એની જીવનજ્યોત નહિ જ બુઝાવા દઉ  . મન માં આવો જ કઈક નિશ્ચય કરી એ હોલા ને મેં રૂમાલ માં વીંટાળી ને હાથ માં ઉપાડ્યો  .ભગવાન ને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારી જીંદગી ના થોડા દિવસો કાપી ને પણ જો આ જીવ બચી જતો હોય તો એમ કરવા પણ હું તૈયાર છું  . અને એ જ નિશ્ચય સાથે મેં બાઈક  ચાલુ કર્યું  . હજુ મારું ઘર 13 કિ  . મી  . દૂર હતું એટલે રસ્તા માં જ કોઈ આશરો મળી જાય તો ત્યાં આ હોલા ને પાણી પાઈ ને બચાવી શકાય એમ હતો પણ અવ ઉજ્જડ રસ્તા પર ઘર મળે કેમનું !!!! પણ કે છે ને કે જો  નિશ્ચય દ્રઢ હોય તો ભગવાન પણ મળી જાય છે  . ત્રણેક કિલોમીટર નું અંતર કાપ્યા  બાદ એક  કાચી માટી ના મકાન પર મેં બાઈક  થોભ્યું   . એક ડોશીમાં એમના દીકરી અને દીકરી સાથે ત્યાં બેઠા હતા  .
         મારી આશા ફરી અમર બની  .  બા તરત જ ઘર માંથી  પાણી નો લોટો ભરી ને લઇ આવ્યા અને એક વાડકા માં પાણી ભરી એ હોલા ને એ પાણી માં ડુબાડ્યો  . એના ઘા  સાફ કર્યા  . સદીઓ થી તરસ્યો હોય એમ એ હોલો ચાંચ વડે પાણી ઘટ્ઘટાવતો  અને અમારા બધાના જીવ માં જીવ આવતો ગયો  .થોડી જ પળો માં એક ઝબૂકતો દીવો જેમ તેલ પૂરવાથી જ્યોત પ્રગટાવી ઉઠે છે એમ એ હોલો પણ મૃત્યુ ને હરાવી ને બેઠો થઇ એની ઝખ્મી પંખ ફડફડાવા લાગ્યો  . મારી આશા ની લાજ રાખવા બદલ મેં ઈશ્વર નો ખુબ ખુબ આભાર માન્યો  .
      "બા , તમારો ખુબ ખુબ આભાર  . આજે તમે એક જીવ ને બચાવી ને એક ઘણા પુણ્ય નું કામ કર્યું છે  . "
      "અરે બેટા , એમાં વળી શું મોટું કાર્ય કર્યું ? પ્રભુ એ આપણને આ રંગમંચ પર એક બીજા ની મદદ કાજે જ તો મોકલ્યા છે  . અને આવા  તો કેટલાંય  પંખી મારે ઘેર સજા થઇ ને ઉડી ગયા  . હજુ હમણાં થોડા 'દિ  પેલા જ તમારા જેવા જ એક ભાઈ એક ઈજાગ્રસ્ત કુતરા ને મારે ત્યાં મૂકી ગયા હતા  .  બિચારા એ પ્રાણી ના બંને પગ એક ગાડી ની હડફેટ માં આવવાથી ભાંગી પડ્યા હતા  . એ કુતરા ને એક મહિના સુધી રોજ દૂધ ને રોટલો ખવરાવી સાજો કર્યો  . એ અમારા ઘર ને એક સભ્ય જેવો બની ગયો હતો  . પણ હજાર હાથ વાળા આ પરમેશ્વર ની ઈચ્છા કઈક જુદી જ હશે !! સાજા થયા ના ત્રીજા જ દિવસે એ નિર્દોષ પ્રાણી  ફરીથી કોઈ ગાડીવાળા નો શિકાર બની ગયું  . અને આ વખતે તો બચવા માટે કઈ બાકી જ  નોતું રહ્યું  . "     કેહતા કેહતા બા ની આંખ  માંથી આંસુ નું  ટીપુ સરી પડતું હું જોઈ  શક્યો  . જાણે એમના કોઈ પોતીકા નું  નિધન થયું હોય એવા દુખ નો ભાવ એ વૃદ્ધા ના ચેહરા પર જોઈ હું પણ ગળગળો થઇ ગયો  .
      "બા , તમે આટલા ભલાશ ના કર્યો કરો છો  ઉપરવાળો જરૂર આ બધું  ક્યાંક એની ડાયરી માં નોંધાતો હશે  . એના થી કોઈ જ વસ્તુ અજાણ નથી રહેતી  . એ દરેક માણસ ના બધા જ કર્મો નો હિસાબ રાખે  છે  . અને જરૂર પડ્યે એ ચૂકવે પણ છે  . " મેં બા ને આશ્વાસન આપતા  કહ્યું  .
      " દીકરા એ હજાર હાથ વાળો હિસાબ રાખતો હોય કે નહિ એની તો ખબર નથી પણ આ જીવન માંથી એટલી શીખ તો મળી છે કે હંમેશા પુણ્ય ના જ પારખાં થાય છે " આટલું કેહતા બાએ ખાટલા માં સુતા તેમના પચ્ચીસએક વર્ષ ના દીકરા તરફ આંગળી ચીંધી  . અત્યારસુધી હોલા ને બચાવવા ની હડાહડી માં મારું ધ્યાન એ તરફ તો ગયું જ નો'તું કે હું આવ્યો ત્યારના એ ભાઈ ખાટલા પર થી એક પણ વાર ઉભા થયા નો'તા  .બાએ  એમને ઓઢાડેલી ચાદર ઉંચી કરી ત્યારે સાચે જ મારાથી ઈશ્વર ને પ્રશ્ન થઇ ગયો કે ભગવાન શું તું પુણ્યાત્માઓ ની  જ પરીક્ષા લે છે ??
      " અમારા આ નાનકડા પરિવાર માં કમાણી નો એક માત્ર સ્ત્રોત મારો આ દીકરો છે  .  છ માસ પહેલા ખેતરે થી વળતી વેળા રસ્તો ઓળંગતા એક ટ્રક વાળા ની ટક્કર થી એના બંને પગ માં ગંભીર ઈજા થયેલી  . ત્યારથી એ ખાટલા માં જ સુતો છે  . દાકતર કે'છે કે એને હજુ ચાલતો થવામાં એક વર્ષ જેટલો સમય લાગી જશે  . આ બંને નું ભરણપોષણ કરવામાટે મારે જ બીજા ના ખેતર માં મજૂરી કરવા જવું પડે છે અને એમાંથી જે રોજી મળે છે એનાથી અમારા ત્રણેય ના પેટ નો ખાડો પૂરાઈ રહે છે  .," આટલું કહેતા કહેતા એ વૃધ્ધા ફરી ચોધાર આંસુડે રડી પડ્યા  .
        અને એ જ સમય એ મને જે જગ્યાએ પેલો હોલો અથડાઈ ને પડ્યો હતો ત્યાંથી થોડે દૂર પોતાની કાર ઉભી કરી ને આરામ થી સિગારેટ ના કશ લેતા બે યુવાન નું સ્મરણ થઇ આવ્યું  . અને મનમાં ફરીથી પેલો પ્રશ્ન ઘૂમરાવા લાગ્યો કે 'શું ઈશ્વર ખરેખર સારા માણસો ની જ પરીક્ષા લેતો હોય છે ??.'   પણ તરત જ મન માં જાણે ભગવાન જવાબ આપતા હોય એમ અંતર્નાદ થયો  " કે શું કેલૈયા ના માં બાપ ની પરીક્ષા મેં જ નો 'તી લીધી  ?? શું નળ દમયંતી ની કસોટી પણ મેં જ નો '  તી  કરી ??
       હું આગળ કઈ જ બોલી શક્યો નહિ   .............................

શનિવાર, 6 જૂન, 2015

કાવ્ય -- વૃક્ષ અને પંખી

   વૃક્ષ અને પંખી

ઉજ્જડ પ્રદેશની વચમાં વૃક્ષ એક ઘટાદાર
માળો બનાવી એમાં પંખીડા વસતા ચાર
રોજ મીઠા ફળ ખાતા ને કરતા મીઠો કલરવ
પ્રેમ અને વાત્સલ્યસભર એવો એમનો સંસાર

પંખીઓ ના આ ટોળાને ક્યાં હતી કંઈ ખબર
 કે પ્રેમભર્યા સંસાર ને લાગી તી કાળ ની નજર
સુસવાટા કરતા પવન, ને ફૂંકતા ચક્રવાત વચ્ચે
કાળના વાદળોમાં કુદરતે  રૂપ ધર્યું  ભયંકર

પંખીડાને રક્ષવા થકી વૃક્ષ રહ્યું એ અડી
પણ કાળ ના ફટકા  સામે કોણ શક્યું છે ટકી
વૃક્ષ થયું ધરાશાયી  ઉજડ્યો સંસાર એ પ્રીત નો
ને પંખીડા ના નેત્રમાંથી અશ્રુધારા વહી

માળા વગરના બેઘર પંખી કરતા  નિત્ય વિલાપ
કે ક્યાંક થઇ જાય મિત્ર વૃક્ષની આત્મા સાથે મેળાપ
શિયાળો ,ઉનાળો ને ચોમાસું ; વર્ષ ગયું આખું વીતી
પણ ન શમ્યો એ પંખીઓના હૃદયનો સંતાપ



પ્રીતનો સંસાર ઉજાડી કાળને પણ પસ્તાવો આવ્યો
ને પંખીઓ ના જીવનમાં એ ખુશી નો અવસર લાવ્યો
આખા એ ઉજ્જડ પ્રદેશ માં ફૂટ્યા તરું ના અંકુર
પંખીઓએ પણ ભેગા મળી આ ઉત્સવને  ને વધાવ્યો

કેહવાય છે એક જમાનામાં હતી ઉજ્જડ જમીન
પંખીઓના કલરવથી આજે ત્યાં વન ઉભરાય છે
આ પ્રીતનો જ છે પ્રતાપ જે બદલાઈ કાળની દ્રષ્ટિ
ત્યારથી એ પ્રદેશને "પ્રીતનું જંગલ " કેહવાય છે .....
   - ચિરાગ