શનિવાર, 13 જુલાઈ, 2019

શહાદત...

શહાદત! ભાષાની દ્રષ્ટિએ તો કેવળ ચાર અક્ષરથી બનેલો એક શબ્દ. પરંતુ આ ચાર અક્ષરના શબ્દને જ્યારે લાગણીનું ફિલ્ટર લગાવીને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે કે અક્ષર કેવળ ચાર છે, શબ્દ એક, પરંતુ સાથે સંકળાયેલી છે સવા-સો કરોડ ભારતવાસીઓની લાગણીઓ!! સાંભળતાં જ જ્યારે સાવ માયકાંગલાની રગેરગમાં પણ લોહી ઉકળતું કરી મૂકે એવો છે આ શબ્દ શહાદત.

શોર્ય, ખુમારી, વીરત્વ, શહાદત, કુરબાની, વિરહ, ત્યાગ, વેદના આ બધાનો સમન્વય એટલે સૈનિક. સૈનિકનો પર્યાય અહીં કોઈ માણસ કે સમુદાય નથી  પરંતુ દેશ માટે ફના થઈ જવાની એક ભાવના છે. જ્યારે અંતરમાંથી એ ભાવના ઉદ્ભવે ત્યારે જેનો જન્મ થાય એ સૈનિક. જેનું માત્ર નામ સાંભળતા જ આપણા હૈયે પણ દેશભક્તિની એક લહેર દોડી જાય. એ ભાવનાની શક્તિ જ આપણા ઐક્યને ટકાવી રાખે છે.

પણ સાહેબ! એટલી સરળતાથી નથી મળતી આ શહાદત. એ તો કેવળ વીર પુરુષને જ વરે છે." वीरश्रीर्वीरवेश्मनी ! " એના થકી તો આખું જીવન નિછાવર કરી દેવું પડે છે. પછી ભલેને એ વિધવા મા નો એક નો એક દિકરો હોય કે બે દિવસ પહેલા જ પરણીને આવી નવવધૂને વિરહનાં ઘૂંટડા ભરવા એકલી તરછોડી ગયેલો નિર્દયી પતિ હોય, બાપુજીએ બાંધેલા સ્વપ્નના શીશ મહેલને ધરાશાયી કરનાર એ ક્રુર પુત્ર હોય કે જીવથી પણ વ્હાલા મિત્રને તેના લગ્નમાં આખી રાત નાચવાના ખાલી વાયદા કરી ચાલ્યો ગયો એ નિષ્ઠુર ભાઈબંધ હોય.

જ્યારે વાત માતૃભૂમિના રક્ષણની આવે છે ને ત્યારે સો-સો ને મારીને સામી છાતીએ બંદૂકની ગોળી ઝીલવાની હિંમત ધરવી એ તમારા કે મારા જેવા સાહેબોનું કામ નથી. ભોમકાની લાજ અચળ રાખવા પોતાના સર્વસ્વને કુરબાન કરી દેવાની હિંમતનું વરદાન બધાને નથી પ્રાપ્ત થયું.  એ ખુમારી તો હજાર હાથવાળા ઈશ્વરે એની ખૂબ જ પ્રિય અને વ્હાલી આત્માઓને જ આપી છે.

આપણને ઘોર નિદ્રામાં કયારેક બિહામણું સ્વપ્ન આવે તો પણ સફાળા બેઠા થઇ જઇએ છીએ. તો વિચાર તો કરો કે એ વીરપુરુષોનું તો સપનું જ દેશની રક્ષા કાજે ફના થઈ જવાનું છે. અને એ સ્વપ્ન, એ ખુમારી જ કદાચ એ વીરોને કંપાવતી ઠંડી હોય કે બળબળતાે તાપ હોય, કે ભલેને મૂશળધાર મેઘ હોય, ભૂખ્યા હોય કે તરસ્યા હોય, થાક્યા પાક્યા હોય કે દેહ લોહીથી ખરડાયેલા હોય, ઘાયલ હાલતમાં પણ વિષમ પરિસ્થિતિઓને હર્ષપૂર્વક લડત આપવાની હિંમત એ સ્વપ્ન થકી જ મળતી હશે.

શુક્રવાર, 12 જુલાઈ, 2019

તું અને તારી વાતો

તું અને તારી વાતો

યાદ મને આવે છે કાલી-ઘેલી તારી વાતો
અંતરને ભીંજવે છે આજે તારી મીઠી વાતો

યાદ કરું છું આજે જ્યારે મીઠો સ્પર્શ તારો
તરસ્યાં દિલને મળે જાણે સાગરનો સહારો
એ સાગરમાં સંસ્મરણોનું ‌મોતી ખોળવા જાતો
અંતરને ભીંજવે છે આજે તારી મીઠી વાતો

અંતરનું આ ગીત છે,‌તુ‌ં મારી મન-મીત છે
વાંસળીના સૂરમાં‌ વર્તાઈ રહી આ પ્રીત છે
રાધલડીની યાદમાં જોને શ્યામ પણ મુંઝાતો
અંતરને ભીંજવે છે આજે તારી મીઠી વાતો

પ્રેમનો અહેસાસ તું, 'અનંતનો' છે શ્વાસ તું
ડગે જ્યારે હૈયું મારું, છે મારો વિશ્વાસ તું
નખરાળ તારા નેણનું આ પ્રેમગીત હું ગાતો
અંતરને ભીંજવે છે આજે તારી મીઠી વાતો

- ચિરાગ (અનંત)
તા‌. ૧૯/૩/૨૦૧૯
સમય. સાંજે ૯:૦૮ વાગ્યે
સ્થળઃ કરમસદ

  • પ્રિયજનની યાદમાં........

ગુરુવાર, 11 જુલાઈ, 2019

વેદના..

વેદના...

જેના કાજે જિંદગી આ કુરબાન કીધી
આજ એણે જ વિરહ કેરી વેદના દીધી

પરીલોકથી અપ્સરારૂપ લઇ આવી'તી
સંમોહનથી લીધું જો મારું દલડું જીતી

હારીને હું ‌રાજકાજ, ચાકર થયો તેનો,
જેને દલડાનાં મહેલની પટરાણી ‌કીધી

કરવું'તુ કતલ ઓ નિર્દયી! મુજ‌ પ્રેમનું
શીદને તે મુજ‌ સંગ જુઠી પ્રીતડી બાંધી

વિસરાયું આ જગ જેના કાજે‌ 'અનંત'
એકલતામાં વિષ-કેરી પ્યાલી મેં પીધી! 

ચિરાગ (અનંત)
૧૧/૭/૨૦૧૯
સૂરત
વિરહરસ....

મંગળવાર, 9 જુલાઈ, 2019

કલ્પના..

જેનાં નખરાં જોવા પ્રક્રૃતિ આ અવિરત ભમે 
એ પરી પૂછે છે કે એની કઈ અદા મને ગમે! 

લજ્જા જડિત એ મુખડું, જોઈ પ્રીતમને ઝૂકે
અને ત્યારે મુજ હૈયે  તપતો સૂરજડો'ય‌ શમે! 

નકાબ તો ધરીને જ્યાં બેઠી છે એ એકલતાનું
ચકમકતી આંખે ત્યાં નિર્દોષ બાળા એક રમે! 

શિલ્પી નું શિલ્પ‌ છે 'ને છે એ રંગ ચિત્રકાર નો
કવિની કલ્પના થઈ ક્યાંક ગઝલરૂપ એ જન્મે! 

જાણે છે ખૂબ, જાણી અજાણ્યા કરવાની કળા
પ્રેમી મુજ હૈયે ‌મીઠડા 'અનંત' ઘા દઈ એ હસે! 


ચિરાગ (અનંત)
૫/૭/૧૯.
બપોરે ૧:૨૮ વાગ્યે..
કરમસદ મેડિકલ પુસ્તકાલયમાં..

ગુરુવાર, 4 જુલાઈ, 2019

ચાલ ને સખી! પ્રીત કરીએ.

ચાલ ને સખી! પ્રીત કરીએ...
પરસ્પરના મનમીત બનીએ...

ચાલ ને સખી! બાળક થઈએ
લોભ પ્રપંચની જંજાળ ત્યજી
નિર્દોષ હૈયું આ હેતથી ભરીએ
ચાલ ફરી આજ એકડો ઘૂંટીએ..

ચાલ ને સખી! સંગીત થઈએ
તું કુસુમ‌‌ મહેકતી હું બનું ભ્રમર
ને આજ ગુંજન પ્રણયનું કરીએ
ચાલ ને!  ફરી પ્રેમગીત ગાઈએ..

ચાલ ને સખી! ક્ષિતિજ થઈએ
તું વસુંધરા‌ બને! હું નીલગગન
'અનંત'માં  આપણ એક થઈએ
ચાલ!  ફરી આજ શૂન્ય‌ બનીએ..

ચિરાગ (અનંત)
૦૫/૦૭/૧૯
કરમસદ ઘરે
એક વિચાર..