શુક્રવાર, 3 જુલાઈ, 2015

કાવ્ય -- કાજળ ભર્યા નેણ। ......


કાજળ ભર્યા નેણ



હસતા ચેહરા પાછળ પણ અપાર વેદના વર્તાય છે
કાજળ ભર્યા નેણ જ્યારે આંસુથી છલકાય છે

જન્મ થતા એનો હૈયા ઉદાસ કેમ થાય છે
કેમ એના આગમનથી શોકનો માહોલ છવાય છે
એના વગર નથી અસ્તિત્વ એકેય દીકરાનું આ દુનિયામાં
તોય દીકરા વખતે પેંડા  ને એને વખતે જલેબી કેમ વહેંચાય છે
                                              કાજળ ભર્યા નેણ। .....

નાનપણ એનું રૂઢિઓના બંધનો  માં કરમાય છે
ભણવામાં ને  રમવામાં પણ જયારે દીકરા ને પ્રાધાન્ય આપાય છે
હજુય નથી સમજાતું કે શું આપરાધ હશે એ માસૂમનો
કે કોમળ ફૂલની એ કળી ફરતે કાંટાળી વાડ કેમ બંધાય છે
                                              કાજળ ભર્યા નેણ। .......

શરણાઈના સાદમાં જ્યારે લગ્નગીત ગવાય છે
જિંદગીભરના દસીત્વ ના ત્યારે વચનમાં એ બંધાય છે
ત્યાગની મૂર્તિ સમી એનો એવો તો શું દોષ હશે
કે એના જણેલા બીજને પણ બાપ નું નામ અપાય છે
                                               કાજળ ભર્યા નેણ। .......

વળાવી હતી સાસરે જેમણે  એ માં બાપ પણ જયારે વૃદ્ધ થાય છે
ત્યાગ કરે છે જયારે લાડકવાયો ત્યારે એ જ વારે જાય છે
સેવાની એ પ્રતિમા નો એવો તે શું ગુનો હશે
કે એની જ આકાંક્ષાઓ નું હંમેશ નિકંદન થાય છે
                                                કાજળ ભર્યા નેણ। .......

ભદ્ર કહેવાતા આ સમાજ ને એવી તે કઈ બીમારી ખાય છે
બધું જાણવા છતાં પણ અંધકાર ના માર્ગે જાય છે
ઉચ્ચારે છે બધા 'નારી તું નારાયણી' ના સુત્રો
તોય એ નાજુક નમણાં પંખીનું શિયળ કેમ હણાય છે ????
                                                કાજળ ભર્યા નેણ। .....
           
             
                        -ચિરાગ

3 ટિપ્પણીઓ:

chiragcontractor07@gmail.com