શનિવાર, 23 મે, 2020

પ્રેમસંદેશ

''કરી છે જો પ્રીત સાજણ  
સાથ તું નિભાવજે  
થઈને મનમીત સાજણ 
દલડું તું દીપાવજે
પ્રેમના શણગારે સાજણ
મુજને તું સજાવજે  
છે ને જો! ઉદાસ સાજણ 
મુજ હૈયું હરખાવજે
પ્રેમનો આ સંદેશ સાજણ 
આજ તું કહેવરાવજે    
હું તો થઇ તારી સાજણ 
લેવા વ્હેલો આવજે 
વાટ જોઈ બેઠી સાજણ 
   લેવા વ્હેલો આવજે...'' 

-ચિરાગ [અનંત ]
પાટણ [ઘરે]
તા. 23/05/2020
સાંજે 7:50 કલાકે 
નવલકથાના ભાગ રૂપે.

સોમવાર, 18 મે, 2020

લાચાર માનવી !!

લાચાર માનવી !!

સત્તાના ગુમાનમાં તો તું બન્યો હતો મગરૂર
હે માનવ! આજ તારે ઝૂકવાની પડી જરૂર ?

સ્વાર્થ કાજે રોજ દોડતો, પ્રકૃતિને તું રંજાડતો
કેટલાંય નાં માથા કચડીને થયો હતો મશહૂર

તું હતો અભિમાની, ના સુણતો કોઈ કહાણી
ગર્વરૂપી સાગર બની તું તો ઊભરાતો દૂર-દૂર

હરખાતો તું મનમાં, જાણી કોઈની લાચારી
એક જ પળમાં તું કેમ લાચાર થયો હજૂર !!

સર્જ્યો હતો તે  મદનો  શીશ મહેલ 'અનંત'
કુદરતની આ એક  ફટકારથી થયો ચકનાચૂર


 - ચિરાગ (અનંત)
૧૮/૦૫/૨૦૨૦
સવારે ૧૦:૧૫ કલાકે
પાટણ (ઘરે...)
મહામારીના સંદર્ભમાં..

વિધિની વક્રતા

વિધિની વક્રતા

તું વાટ જોતી ઊભી હતી
ને મારે પણ તને મળવું હતું !
અનુરાગી મુજ સરિતાને
તારા પ્રેમસાગરમાં‌ ભળવું હતું !

વૈશાખના વીંઝાતા વાયરા
મુજ હૈયાને પણ ડોલાવતા હતાં !
કોરા છતાં સ્નેહભીના
વાદળ મુજને પણ ભીંજવતા હતાં !

મુજ  હૈયાનાં પ્રેમ-મેઘને  તો
સદીઓથી તુજ હૈયે વરસવવો હતો !
સજની,
તરસતા તુજ હૈયાનાં પ્યાલાને
મારે આજ પ્રેમરસથી‌  છલકાવવો હતો !

વિધિની કેવી આ વક્રતા
તરસ્યાંને જળ ન જ મળ્યા !!
તું વાટ જોતી ઊભી રહી પણ
હું મુસાફર‌ હતો અલખના મારગનો !! (૨)


ચિરાગ (અનંત)
૧૮/૦૫/૨૦૨૦
બપોરે ૨:૪૫ કલાકે
પાટણ (ઘરે)
કોઈના કાવ્ય ના પ્રત્યુતર રૂપે