રવિવાર, 30 જૂન, 2019

રાત્રિનો શણગાર

રાત્રિનો શણગાર

ઓ‌ રજની‌‌! તું આજ‌ વહેલી જરા આવજે..
સજનીના શણગાર કાજે વહેલી તું આવજે..

ઓ‌ યામિની! આજ‌ વહેલી જરા આવજે..
ટમટમતા તારલાનો હારલો તું લાવજે...
માથે ઓઢાડીને ચાંદનીની ઓઢણી
મુખડું સજનીનું તું સ્મિતથી દીપાવજે...

ઓ‌ વિભાવરી! આજ‌ વહેલી જરા આવજે...
સંગમાં સુધાકરની શીતળતા લાવજે...
ભરજે તું રૂડું તિમિરરૂપી કાજલ, ને
સજનીના શીલવાન નેણને ‌સોહાવજે ...

ઓ‌ ત્રિયામા! આજ‌ વહેલી જરા આવજે...
પાનેતર ઝગમગતું હિરા-જડિત લાવજે...
પ્રસરાવી કુસુમની મીઠી ફોરમ તું આજ
કનકરૂપ સજનીના દેહને મહેંકાવજે...

ઓ‌ રજની‌‌! આજ‌ વહેલી જરા આવજે...
સજનીના શણગાર કાજે વહેલી તું આવજે...
સોળે શણગાર સજી સજની‌ ઝૂમે જો આજ
હૈયું'અનંત'નું આજ હર્ષથી ઉભરાવજે...

ચિરાગ  (અનંત)...
૨૧/૬/૨૦૧૯
રાત્રિનો શણગાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

chiragcontractor07@gmail.com