રવિવાર, 30 જૂન, 2019

રાત્રિનો શણગાર

રાત્રિનો શણગાર

ઓ‌ રજની‌‌! તું આજ‌ વહેલી જરા આવજે..
સજનીના શણગાર કાજે વહેલી તું આવજે..

ઓ‌ યામિની! આજ‌ વહેલી જરા આવજે..
ટમટમતા તારલાનો હારલો તું લાવજે...
માથે ઓઢાડીને ચાંદનીની ઓઢણી
મુખડું સજનીનું તું સ્મિતથી દીપાવજે...

ઓ‌ વિભાવરી! આજ‌ વહેલી જરા આવજે...
સંગમાં સુધાકરની શીતળતા લાવજે...
ભરજે તું રૂડું તિમિરરૂપી કાજલ, ને
સજનીના શીલવાન નેણને ‌સોહાવજે ...

ઓ‌ ત્રિયામા! આજ‌ વહેલી જરા આવજે...
પાનેતર ઝગમગતું હિરા-જડિત લાવજે...
પ્રસરાવી કુસુમની મીઠી ફોરમ તું આજ
કનકરૂપ સજનીના દેહને મહેંકાવજે...

ઓ‌ રજની‌‌! આજ‌ વહેલી જરા આવજે...
સજનીના શણગાર કાજે વહેલી તું આવજે...
સોળે શણગાર સજી સજની‌ ઝૂમે જો આજ
હૈયું'અનંત'નું આજ હર્ષથી ઉભરાવજે...

ચિરાગ  (અનંત)...
૨૧/૬/૨૦૧૯
રાત્રિનો શણગાર.

શનિવાર, 22 જૂન, 2019

કાશ એવું પણ કંઇક થાય...

કાશ એવું પણ કંઇક થાય...

કાશ એવું પણ કંઇક થાય...
કાગળરૂપ તુજ હૈયે મુજની પ્રેમસ્યાહી અંકાય
ને કવિતા સર્જાય
કાશ એવું પણ કંઇક થાય...
તું ફુલ બની મહેંકે હું ભ્રમર રૂપ લઈ આવું અને
ગુંજન પ્રેમનું થાય
કાશ એવું પણ કંઇક થાય...
કોયલસમી તું ટહુકે અને મેઘઘટા હું લાવું ત્યારે
પ્રેમગીત તું ગાય
કાશ એવું પણ કંઇક થાય...
ચંચળ વહેતી ધારા તારી મુજ હૈયાસાગર સ્પર્શે ને
મિલન મધુરું ‌થાય
કાશ એવું પણ કંઇક થાય...
અનંત તારો પ્રેમ અનંત આ 'અનંત'નું મન મોહે ને
તું અનંતમાં સમાય
કાશ એવું પણ કંઇક થાય...

ચિરાગ (અનંત)...
૨૨/૬/૧૯
સાંજે ૬:૦૯ કલાકે
કરમસદ મેડિકલ પુસ્તકાલયમાં...

ગુરુવાર, 20 જૂન, 2019

તું દોડતો રહેજે...

તું દોડતો રહેજે...

મારગ છે સૂનો ભેંકાર તું દોડતો રહેજે...
હોય ભલે કંટક હજાર તું દોડતો રહેજે...

ડુંગર હતાશાનો, ભેખડ એની સાંકડી
ખૂંદીને કષ્ટની ગિરિમાળ તું દોડતો રહેજે...

થાક્યો-ડગ્યો પણ મનથી ના હારીયો
ભરતો આશા કેરી ફાળ તું દોડતો રહેજે...

મઝધારે આવી તારી નાવડી ડૂબેને તોય
હૈયે કિનારનો વિચાર તું દોડતો રહેજે...

જીવન પંથકની આ કેડીઓ છે દોહ્યલી
ખંત છે 'અનંત'નો આધાર તું દોડતો રહેજે...

ચિરાગ (અનંત)
તા. ૨૧/૬/૨૦૧૯
સમય. સવારે ૧૦:૪૫ કલાકે
સ્થળ. કરમસદ, પુસ્તકાલયમાં...