" આવી ગયો બેટા. મારી આટલી વાત માન , જો તને માતા પરત્વે થોડો પણ પ્રેમ હોય તો મહેરબાની કરીને જમી લે . સવારથી તે પેટમાં અન્નનો દાણો પણ મુક્યો નથી . છેલ્લા એક અઠવાડિયાથી તું આમ જ રોજ સવારે નીકળી પડે છે ગામના મોટા માણસો પાસે મદદ માંગવા . પણ દીકરા યાદ રાખજે આપણા ગરીબોનો બેલી ફક્ત ઉપરવાળો જ છે . અને એનું ધાર્યું હશે એમ જ થશે ,જે કોઈ પણ બદલી શકવાનું નથી . ના હું ,ના તું , કે ના આ દુનિયા ના અમીર લોકો . તું મારા પર દયા કરીને જમી લે બેટા. મારાથી તારી આ દશા સહન નથી થતી . આખરે હું પણ એક 'માં' છું . મારા દીકરાને આમ રોજ રોજ બધા પાસે ભૂખ્યા પેટે મદદ માગવા દોડી જતો ક્યાં સુધી શકું ? પણ દીકરા હું ખુબ જ લાચાર છું . તારા બાપુજીના નિધન પછી મારી પાસે જેટલી મૂડી હતી એ બધી તને ઉછેરવામાં અને અપણા ભરણપોષણમાં ખર્ચાઈ ગઈ . હવે વધ્યો છે તો કેવળ આ હજારહાથવાળાનો સાથ . પણ લાગે છે કે એ પણ આ કપરા સમયમાં આપણાથી રિસાઈ ગયો છે . પણ દીકરા એ નથી જાણતો કે જયારે માં નું હૃદય દ્રવી ઉઠશેને ત્યારે ખુદ એણે પણ ઝુકી જવું પડશે . આ દુનિયાએ માં ને ભગવાનનું સ્થાન આપ્યું છે પણ હું તારા માટે ભગવાન પુરવાર ન થઇ શકી એ માટે મને માફ કરી દેજે ." આટલું કેહતા સાથે જ શાંતાદેવી ની આંખે શ્રાવણ - ભાદરવો વરસવા લાગ્યા .દોડીને એ પુત્રની છાતીએ વળગીને ડુસકા ભરવા લાગ્યા .
"પણ માં, મારી કિસ્મત મને અન્નનો કોળીયો જ મોમાં મુકવા દેતી નથી . છેક મુખ સુધી આવેલો મને ભાવતી વાનગી નો કોળીયો આ કિસ્મત મારા હાથમાંથી ઝૂંટવીને લઇ જાય છે . શું ભગવાન ને આવી જ રમતો રમવી ગમતી હશે????હંમેશા એ લોકોના સપનાઓ સાથે રમતો માંડ્યા કરે છે . નાનપણથી જ આંખો માં સપના લઇ ને હું મોટો થયો છું . અને આ સમયે અચાનક જ કોઈ ચૂંટી ખણીને મને જગાડે અને મારા એ સપના કાચના આઈના ની જેમ તૂટી જાય એ હું કઈ રીતે સહન કરું માં !! રાતના અંધકારને ચીરતો રોજ સુરજ ઉગે, ને મારા માટે રોજ નવી આશા ની પાળો બંધાય છે કે આજે મદદ મળશે , આજે તો ચોક્કસ કોઈ દિલદાર માણસ મારી તેજસ્વીતા પારખીને આગળ ભણવા માટે મને મદદ કરશે . પણ દિવસ આથમ્યે ડૂબતા સુરજની સાથે મારી એ આશાઓ પણ ડૂબતી જ જણાય છે "
*****
હિરેન એક ખુબ જ તેજસ્વી વિદ્યાર્થી છે . આપણે એને એક આદર્શ વિદ્યાર્થી કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી . નાનપણથી જ આ છોકરાને ભણવાની ખુબ જ ધગશ . જો કોઈ કારણસર એ સ્કૂલ નો એક પણ દિવસ ચુકી જાય તો ભાઈ નું મન કોઈ કામ માં ના લાગે જ્યાં સુધી એ એ દિવસ નું જે ભણાવ્યું હોય એ જાતે તૌયાર ના કરી લે !! પણ જયારે હિરેન ચોથા વર્ગ માં હતો ત્યારે ઈશ્વરે એના કુટુંબના મોભારુપી એના પિતાને પોતાની પાસે બોલાવી લીધા હવે ઘરમાં કેવળ હિરેન ની વિધવા માં અને હિરેન બે જ જણ હતા . અને કમાણી નો કોઈ જ સ્ત્રોત રહ્યો ન હતો . પતિએ ઘરમાં જે થોડીઘણી સંપતિ ભેગી કરી હતી એ હિરેન ની માં એ બંને ના ભરણપોષણમાં અને પોતાના એકના એક દીકરાને ભણાવવામાં ખર્ચ કરવાનો નિશ્ચય કર્યો . આ મૂડીમાંથી હિરેન મેટ્રિક સુધી તો ભણી શક્યો પણ હવે એને આગળ ઉચ્ચાભ્યાસ માટે ઘણા પૈસા ની જરૂર પડે એમ હતું .અને પૈસા ઘરમાં હતા નહિ !! ઉચ્ચાભ્યાસ ની તીવ્ર ઈચ્છા ને કારણે છેલ્લા એક અઠવાડીયાથી હિરેન ગામના દરેક નાના મોટા માણસ ના દરવાજા ખખડાવી ચુક્યો હતો પણ કોઈ આટલા બધા પૈસા એક ગરીબના દીકરા ને આપવા તૈયાર થયું નહિ .પણ જો એ હાર માને તો એનું નામ હિરેન નહિ !!!રોજ સાંજે ભલે નિરાશ થઇ ને ઘેર આવે પણ પોતાની પ્રેરણાસ્ત્રોત રૂપી 'માં' ને જોઇને એની નિરાશા ફરી આશામાં ફેરવાઈ જાય . એ 'માં' જેણે આટઆટલા દુઃખ વેઠીને પોતાને મોટો કર્યો , હવે જો એને એ સુખ ના સુરજ ના દેખાડી શકે તો પોતાનું જીવન વ્યર્થ ગણાય . અને માતા પ્રત્યેનું શ્રવણકુમાંરનું આ કર્તવ્ય જ હતું જે તેને આ કપરા સમયમાં અડગ રેહવાની હિંમત આપતું હતું . મેટ્રિક માં એની શાળામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીને આજે પૈસાના આભાવને કારણે એડમીશન માટે આમ-તેમ ફાંફા મારવા પડતા હતા. પણ હિરેન ના મન માં બે ચીજો મક્કમ હતી -- એક તો માની સેવાની ભાવના અને બીજો પ્રભુ પરનો વિશ્વાસ ."
*****
" બેટા , આજે સવારે ટપાલી તારા નામે એક પત્ર આપી ગયો હતો . તારી રાહ જોતી હતી કે તું આવે ત્યારે પરબીડિયું ખોલું . " આખરે માની જીદથી હારીને જયારે હિરેન સાંજે પેટનો ખાડો પૂરવા બેસ્યો ત્યારે શાંતાદેવી એ કહ્યું .
"માં , અત્યારે મારો કપરો સમય ચાલી રહ્યો છે અને મારા આ મગજમાં જાત-જાતની ગુન્ચવણો ચાલી રહી છે .આવા સમયે મારે ફક્ત એડમીશન માટે પૈસાની વ્યવસ્થા કરવાની છે . કદાચ ફોઈનો પત્ર હશે . રક્ષાબંધન આવે છે ને, એટલે આવવાનો પત્ર મોકલ્યો હશે. અત્યારે એ પત્રને કબાટમાં મૂકી દે ને. આ એડમીશન ની આફત માથાપરથી ટળે પછી નિરાંતે ફોઈ સાથે વાત કરી લઈશું." આટલું કહી હિરેન પથારીમાં સુવા ચાલ્યો. આખા દિવસભરના થાકને કારણે પથારીમાં આડો તો પડ્યો, પણ ઊંઘ ન આવી જાય એનું ધ્યાન રાખ્યું. ક્યાંક એના સપના ફરીથી કોઈક ચૂંટી ખણી ને તોડી ન દે !!
હવે એડમીશન ને ફક્ત ત્રણ જ દિવસ બાકી રહ્યા હતા અને આ જૂજ સમયમાં કોઈ રીતે 35000 રૂપિયાની મૂડી ભેગી કરવાની હતી. જો એ ના કરી શકે તો એની મનગમતી અને સારામાં સારી ગણાતી બ્રાન્ચમાં એને એડમીશન ના મળે અને એના બધા જ સપના તૂટી જાય ! અગાશીમાં સુતા સુતા આકાશદર્શન કરતો હતો ત્યારે એની નજરે ખરતો તારો ચડ્યો . એને જોઇને મનમાં ને મનમાં હિરેન પણ વિચારવા લાગ્યો કે પૈસાના અભાવને કારણે ક્યાંક આ તેજસ્વી તારલો પણ ખરી ના જાય !!!
*****
સોનેરી પ્રભાતના કિરણો સાથે ફરી સૂર્યદેવ નું આગમાન થયું અને હિરેનના મનમાં મદદની ફરી આશાઓ બંધાઈ. પોતાના બધા પ્રમાણપત્રો એક થેલીમાં ભરી ફરી નીકળી પડ્યો એ બીજી પોળમાં મદદની આશાએ .
"નમસ્કાર શેઠજી. મારે મેટ્રિકમાં પ્રથમ નંબર આવ્યો છે અને મને મેડીકલમાં એડમીશન મળી જાય છે. પરંતુ એડમીશનની ફી પેઠે રૂપિયા 35000 આવતીકાલે જ મારે જમા કરાવવાના છે. ગામની બીજી બધી પોળમાં હું મદદ માટે હાથ ફેલાવી આવ્યો પણ કોઈ આ ગરીબનો હાથ પકડવા તૈયાર થયું નહિ. તમે મારી છેલી આશા છો શેઠજી. જો તમારાથી મને આટલી મદદ થઇ શકે તો હું ડોક્ટર બન્યા પછી તમારી પાઈ-પાઈ વ્યાજ સાથે ચૂકવી દઈશ."આમ કેહતા હિરેને પોતાની છેલી આશા માટે હાથ ફેલાવ્યા.
"જો ભાઈ , તારા આ પ્રમાણપત્રો જોઇને તો તું મને એક તેજસ્વી વિદ્યાર્થી જણાય છે અને એથી જ હું તને વધારે માં વધારે 5000 ની મદદ કરી શકીશ. એથી વધારે મદદ મારાથી થઇ શકે એમ નથી . હાલ ધંધામાં પણ મંદી ચાલે છે. બાકી હવે કિસ્મત પર છોડ."
લાખો રૂપિયાની લેવડ-દેવડ કરતા શેઠે જયારે આવો જવાબ આપ્યો ત્યારે હિરેનનો માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો. પોતાની પાસે આટલું ધન હોવા છતાં પણ જો કોઈ માણસ એક જરૂરીયાતમંદની વ્હારે ના થઇ શકે તો શું કામનું એ ધન !!! અને આવા કપરા સમયે જો માણસ જ માણસ ને કામ ના આવી શકે તો શું કરવાનો એ वसुधैव कुटुम्बकम નો સિદ્ધાંત !!!!
હિરેનની આ છેલ્લી આશા ઉપર પણ જયારે પાણી ફરી વળ્યું ત્યારે એ અંદરથી તૂટી ગયો. હવે એનો પ્રભુ પરનો વિશ્વાસ પણ ધીમે-ધીમે તૂટતો હોય એવું જણાવા લાગ્યું. નિરાશાના વાદળોથી ઘેરાઈને જયારે માતા સામે આવ્યો ત્યારે પગમાં જાણે હિંમત જ ના રહી હોય એમ પોતાના ઘૂંટણ પર પડી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. હવે ખરેખર એ હારી ગયો હતો. પૈસાની વ્યવસ્થા કરવા માટે આજે છેલ્લો દિવસ હતો અને આજે પણ એને નિરાશા જ મળી હતી. આવતીકાલે એડમીશન નો દિવસ હતો અને હિરેન પાસે ખાલી હાથ સિવાય બીજું કઈ જ હતું નહિ. બંને માં-દીકરો એક બીજાને બાથ ભરીને રડવા લાગ્યા. એ દિવસે એ ઘર માં બંનેમાંથી કોઈ એ અન્ન નો દાણો સુધ્ધા મોમાં મુક્યો નહિ.
"શું કરવાના આટલા પ્રમાણપત્રો ? જયારે પૈસાના અભાવે એક વિદ્યાર્થીને એનું ધાર્યું લક્ષ્ય પણ પ્રાપ્ત ના થાય. આવા પ્રમાણપત્રો તો કબાટમાં જ શોભે !!" આટલું કેહતાની સાથે જ હિરેન ના પગ કબાટ તરફ ઉપડ્યા. એને નિશ્ચય કર્યો કે હવે એ આ સર્ટીફીકેટને કબાટ માં જ, હાથ ના આવે એવી રીતે મૂકી દેશે. અને કબાટ ખોલતા જ પેલું પરબીડિયું હિરેન ના પગમાં આવી ને પડ્યું. હિરેનને તરત જ બે દિવસ પેહલા માતા સાથે થયેલો વાર્તાલાપ યાદ આવ્યો. ફોઈ નો પત્ર હશે એમ વિચારીને એણે એ વખતે એ પત્રને કબાટમાં જ મૂકી દીધો હતો. ફોઈ એ શું લખ્યું છે એ જાણવા એણે પરબીડિયું ઉપાડ્યું પણ પરબીડિયા પર તો બીજું જ સરનામું હતું. એ ગાંધીનગર થી પોસ્ટ થયેલું હતું અને ફોઈ તો ગામમાં રેહતા હતા. હિરેને તરત જ કવર ખોલ્યું અને એની આંખો ત્યાં જ સ્થગિત થઇ ગઈ. આખુ ઘર જાણે એની આજુ બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યું. ચારે બાજુ જાણે જાત-જાતના આવાજ એને સંભાળવા લાગ્યા. પરબીડિયામાં રૂપિયા 51000 નો એક ચેક અને સાથે એક પત્ર હતો.!!!!! હિરેનની આંખો તો જાણે એ પાંચ આંકડા પર જ ચોંટી ગઈ 51000 !! થોડી વાર એમ જ મૂર્તિની જેમ ઉભા રહ્યા બાદ સ્વસ્થ થઇ એણે પત્ર તરફ નજર કરી . લખ્યું હતું --
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર
પ્રતિ ,
શ્રી હિરેનભાઈ સૂતરીયા
ગામ નાનકપુર
તમને જણાવતા આનંદ થાય છે કે ધોરણ 12 માં ખુબ જ સરસ પ્રદર્શન કરીને તમારા ક્ષેત્રમાં પ્રથમ આવવા બદલ તમારી પસંદગી પોસ્ટમેટ્રિક સ્કોલરશીપ માટે કરવામાં આવી છે. જેના હેઠળ તમને રૂપિયા 51000 નો ચેક અત્યારે અમે આ પત્ર સાથે મોકલ્યો છે અને દર મહીને તમારા ભણવાના ખર્ચ પાછળ રૂપિયા 3000 તમારા બેંક અકાઉન્ટમાં જમા થઇ જશે.
આભાર
મેનેજર
ગુ.રા.ઉ.માં.શિ.બોર્ડ
ગાંધીનગર
*****
આશરે 10 વાર હિરેને એ પત્ર ત્યાં ઉભા ઉભા જ વાંચી નાખ્યો . અને આ શું થઇ રહ્યું એના પર એને વિશ્વાસ જ ના થયો . હિરેન માટે આ વસ્તુ કોઈ ચમત્કારથી કમ ન હતી. પત્ર લઇ ને તરત જ માં ને વાંચી સંભળાવ્યો. બંને ની આંખે શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. હિરેન નો ભગવાન પરનો વિશ્વાસ, જે તુટવા ની અણી પર હતો આજે ફરીથી એક વાર અતુટ થઇ ગયો.
ઈશ્વર પણ ખરેખર મહાન છે. એની રમતો સમજવી આપણી વિચારશક્તિની બહારની વાત છે. ક્યારેક દુઃખના દરિયામાં ડૂબકી ખવરાવે તો ક્યારેક સુખનું ગુલાબ બની આપણા ચમનમાં એની સુગંધ મહેકતી કરી દે !! અને એની આ રમત ખરેખર વખાણવા જેવી છે. પેહલા તો એ માણસ માટે સફળતા ના બધા જ દ્વાર બંધ કરી દેશે અને જયારે એ બધી રીતે નિરાશ થઇ જાય એટલે ધીમેથી એક દ્વાર ખોલી દેશે. વાહ પ્રભુ વાહ !!
"દીકરા હું નહતી કેહતી કે જયારે 'માં'નું હૃદય દ્રવી ઉઠશે ત્યારે ખુદ એણે પણ આપણી વ્હારે આવવું પડશે .
આપણા ગરીબો નો બેલી કેવળ એ જ છે !!!!"
-ચિરાગ
Superbbb bro
જવાબ આપોકાઢી નાખોvery nice one read it once when u r in trouble and there is no other solution of that prblm.
જવાબ આપોકાઢી નાખોJeno koi sago na thay eno upar Vado sambandhi bani ne Ave Che
જવાબ આપોકાઢી નાખો