રવિવાર, 8 ઑગસ્ટ, 2021

એકલતાનો અંધકાર..

 એકલતાનો અંધકાર...


પ્રેમ-ડગરે દુઃખ ના સાગર શું તમે જ જોયાં છે?

પ્રિયતમના વિરહમાં અહીં પત્થર પણ રોયા છે!


તમારે જ એકલતાનો અંધકાર, ભ્રમમાં ન રહો!

જીવ-સમ વ્હાલા પ્રિયજન અમે પણ ખોયા છે!


તમે જ કેવળ નથી ઘવાયા યાદ-રૂપી આ શરથી

વિરહમાં હૈયે કરેલ આક્રંદ અમે પણ જોયા છે!


ક્ષણભરનું દુઃખ! બાદ તમે તો જીવનમાં મશગુલ

હૈયે થયેલ વેદનાના પ્રહાર અમે રોજ ઝીલ્યાં છે!


તમે તો ચાલ્યા ખુશીથી, તરછોડીને મુજની પ્રીત

તમારી વાટમાં નિત્ય 'અનંત' ઝૂરી-ઝૂરીને મર્યા છે!


ચિરાગ (અનંત)...

૮/૮/૨૦૨૧ ૩:૧૫ કલાકે

સિવિલ હોસ્પિટલ અમદાવાદ 


રવિવાર, 2 મે, 2021

અમાસનો ચાંદ

 અમાસનો ચાંદ...


રત્નજડિત સજ્યું છે સૂનું આકાશ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!
પ્રસરાયો આ ઘોર તિમિરમાં પ્રકાશ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!

નભ એકલતાનાં વિષાદે રૂંધાયુ હતું
જાણે અંધકારના વાદળે ઘેરાયું હતું
જાગી આજ નવ-જીવનની આસ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!

શુષ્ક-અચેતન પડયું હતું જે વ્યોમ
પ્રીતિમય પુષ્પથી પાંગર્યું એ વ્યોમ
સર્વ, બસ પ્રણયની પ્રસરાઈ સુવાસ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!

સૈકાથી પ્રણય તરસ્યું રહયું વ્યોમ
હતું જો'ને શૂન્ય સરીખું આ વ્યોમ
આજ પામ્યું 'અનંત' 'કેરો ઊજાસ
આજ અમાસે જો'ને ચાંદ ખિલ્યો!

- ચિરાગ (અનંત)
૨/૫/૨૦૨૧
સિવિલ હોસ્પિટલમાં...

શુક્રવાર, 2 એપ્રિલ, 2021

રાધાનાં અશ્રુ..

 

રાધાનાં અશ્રુ..

હે શ્યામ! તું આમ, શીદને કરે છે
વિરહમાં તારા જો'ને રાધા મરે છે

ત્યજી ગોપીઓને થયો કુબજાનો
થયો શ્રીકૃષ્ણ! નથી રહ્યો ક્હાનો!
મથુરાના રંગમાં એ રંગાઈ  ફરે છે
વિરહમાં તારા જો'ને રાધા મરે છે

ત્યાગ કરી મોરલી! તે ધર્યું સુદર્શન
શીદને ત્યજ્યું સોહામણું વૃંદાવન
કદંબના વૃક્ષ હેઠળ અશ્રુ સરે છે
વિરહમાં તારા જો'ને રાધા મરે છે

પૂર્યાં ચીર ક્રિષ્ણ! સખી પાંંચાલીના
વિષના એ ઘૂંટ થયા અમી, મીરાંના
પૂર્ણ-પ્રેમની આસમાં રાધા ઝૂરે છે
વિરહમાં તારા જો'ને રાધા મરે છે

ચિરાગ - (અનંત)...
સિવિલ હોસ્પિટલમાં
જી 4 વોર્ડમાં.
૦૨/૦૪/૨૦૨૧

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2021

આક્રંદ

આક્રંદ કરી રહ્યું  ઉપવન 

એક કુસુમ-કળી રીસાણી 

પ્રેમ-ફોરમે મ્હેકતી જો'ને

એ આજે કયાં સંતાણી? 

વિશિષ્ટ એ સર્વ પુષ્પોમાં

જુદી જ એની કહાણી 

દુનિયાદારીના બંધન તોડતી 

એ કયા બંધનમાં બંધાણી? 

પ્રેયસી સમ કળીના વિરહમાં

ઉપવનની લાગણી ઘવાણી

કરમાયા સૌ તરુ ચમનના 

સર્વ વિરહની વેદના છવાણી

ભુલ થઈ શું તારી? ઉપવન! 

કેમ થઈ કળી એ અજાણી

ત્યજીને રંગ તુજ ચમનના 

એ આજ કોના રંગે રંગાણી

ત્યાગ કરીને તારો શીદ એ 

'અનંત' માં જઇ સમાણી ? 

પ્રેમ-ફોરમે મ્હેકતી જો'ને

એ આજે કયાં સંતાણી? 


ચિરાગ (અનંત)... 

કોવિડ  હોસ્પિટલમાં... 

૨૬/૦૨/૨૦૨૧

૯ વાગ્યે...