શનિવાર, 11 નવેમ્બર, 2017

વ્યથા

વ્યથા

મૃગજળ સમા સ્વપ્નોની નિદ્રામાં કેમ રાખ્યો છે
સમય તારા વ્હેણે મને કયા જગતમાં રાખ્યો છે

મૈત્રીના આનંદની કેવી હતી એ ઉજ્જવળ પળો
હવે એકાંતના અંધકારમાં પ્રકાશ પણ થાક્યો છે

ક્યારેક પ્રણયના ઇંધણમાં જળતી'તી જે જ્યોત
તેજરૂપી એ દીપકને પણ તે કેમ ઝાંખો પાડ્યો છે

નીર બનાવી વહેતી કરવી છે વીતેલી પળો, પણ
યાદરૂપી એ તણખલાએ સઘળો પ્રવાહ રોક્યો છે

મારી આ વ્યથાનું વર્ણન કરવું પણ કોને 'અનંત'
મેં તો જાણે મારા શ્વાસમાં પણ શ્વાસ શોધ્યો છે

- ચિરાગ ( અનંત )

શનિવાર, 28 ઑક્ટોબર, 2017

એક સવાલ

એક સવાલ 

હ્રદયના ચમનમાં પ્રણયના બીજ તો હું રોપું
નેહ-નીરથી એ ઉપવનને શું તું ના સીંચી શકે ?

જીવનસંગી બનવા થકી હાથ તો હું લંબાવું 
પ્રીતના સગપણ ની ડોર શું તું ના બાંધી શકે?

તારા મુખડાનું સ્મિત એ જ જીવન-ધ્યેય મારો 
પણ મારી આંખોના અશ્રુ શું તું ના લૂછી શકે ? 

અર્પી દીધી છે મારી આ જિંદગી મેં તો તને
જગની ચિંતા છોડી શું તું મારી ના થઇ શકે ?

જાત તો 'અનંતે' એની તને સમર્પિત કરી છે 
દિલનો એક ખૂણો તું શું મને ના આપી શકે ?

ચિરાગ (અનંત)......

શુક્રવાર, 17 માર્ચ, 2017

સાગરનાં નીર

સાગરનાં નીર

ઉછળતી ઊર્મિઓના ઘોંઘાટમાં ક્યાંક
શાયરીનો છૂપો સ્વર સંભળાય છે
સાગર તારા નીરમાં મને
યાદોનું એક શહેર દેખાય છે

અચળ રહીને પ્રીત નિભાવતો
આશીક તૂ તો કહેવાયો છે
બાહ્યથી હંમેશ હસતો લાગતો
અંતરમાં દર્દથી ઘવાયો છે
પ્રેમની પરાકાષ્ઠા પર પહોંચ્યો
તારામાં સૂરજ પણ શમી જાય છે
સાગર તારા નીરમાં મને
યાદોનું એક શહેર દેખાય છે

એ આભ છે કે ધરતી ?  એ છે વર્ષા કે નદી ?
એ વાદળ છે કે પવન ? છે કોના પ્રેમનું એ ચમન ?
બધા તારામાં મળીને પણ
વિખૂટા કેમ પડી જાય છે ?
સંસ્મરણોના એ ચમનમાં જાણે
પ્રણયના ફૂલ ખિલીને મૂરઝાય છે
સાગર તારા નીરમાં મને
યાદોનું એક શહેર દેખાય છે

પ્રારબ્ધે લખી તારી આ તે કેવી કહાનિ
વેદના દીધી અપાર, ના રાખી એક નિશાની
તેથી જ આજે જગમાં તારા
પ્રેમની સીમ 'અનંત' કહેવાય છે
સાગર તારા નીરમાં મને
યાદોનું એક શહેર દેખાય છે

- ચિરાગ (અનંત)




રવિવાર, 15 જાન્યુઆરી, 2017

ઉત્તરાયણ

ઉત્તરાયણ

અનેકવિધ રંગીન પતંગોથી
આકાશ આજે ઢંકાયું,
એ તો જાણે આજે કેવળ હર્ષના
વાદળથી જ છવાયું.
જેના આગમનના ઈંતેજારમાં
ચક્ષુ ક્યારથી થાક્યા,
મલકાતુ એ મુખડુ જોતા જ
પ્રણયના ઊમળકા જાગ્યા!!
ઉડ્યો મારો પતંગ ઊંચે એમનો
પતંગ કાપવાના ઈરાદાથી
પણ ક્યાં હતી ખબર કે હારીશ હું
મારા જ મનના દગાથી
પતંગથી ઢંકાયેલા આભમાં, ને
થરથર કંપાવતી એ ટાઢમાં,
ઈશારામાં જ થતી વાતમાં, ને
ઝંખાતા કોઈના સંગાથમાં,
હૈયારૂપી ગગનમાં ઉડતા પ્રીતના
પતંગો વચ્ચે જાણે પેચ થયો !!
દૂર આભમાં થતી તાણખેંચના
અનુભવાતા સ્પંદનો વચ્ચે
કોઈના હસીન ચહેરાને મેં તો
દલડામાં આજે સ્થાપ્યો
નેણની એ ધારદાર દોરીએ આજે
હૈયાનો પતંગ કાપ્યો !!!!

- ચિરાગ (અનંત)...