શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016

તમે મળ્યા

તમે મળ્યા

હતાશાના  વાદળોમાં હું જયારે શૂન્ય થયો
ત્યાં જિંદગીના ગણિતમાં હમસફર બની
એકડો ઘૂંટવા તમે મળ્યા

પ્રેમના અભાવે મનની ભૂમિ વર્ષોથી જાણે તપતી હતી
ત્યાં તરસ્યા મનની તૃષ્ણા બુઝાવવા
વરસાદ બનીને તમે મળ્યા

એકાંતના આ સાગરમાં નાવડી  જયારે મારી ડૂબી
ત્યાં જીવનસાથી રૂપે ખુશીઓ વરસાવવા
સાહિલ બનીને તમે મળ્યા

એકલતાભર્યું જીવન મારું હતું કેવળ શ્વેત કાગળ
ત્યાં સુખભર્યા સંસારનું ચિત્ર રચવા
રંગ બનીને તમે મળ્યા

સંબંધોમાં પ્રસરાઈ હતી કડવાશ જયારે સ્વાર્થની
ત્યાં નિસ્વાર્થ પણે સાથ નિભાવવા
મીઠાશ બનીને તમે મળ્યા

પોતાના છતાં પારકા એવા સંબંધો સાચવી થાક્યો જયારે
ત્યાં બે હૃદય વચ્ચેનું અંતર ટૂંકાવનાર
સેતુ બનીને તમે મળ્યા

જીવનનું આ કાવ્ય ગાતા જયારે હું વચ્ચે અટકી ગયો
ત્યાં 'ચિરાગ'ની આ અધૂરી ગઝલની આખરી
પંક્તિ બનીને તમે  મળ્યા

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016

એક મા ને સંદેશ


વ્હાલી મા,
             પ્રણામ. આજના આ પાવન દિવસે હું તારો અને ઈશ્વરનો આભાર માનું છું કે મને તારી કુખે જન્મ મળ્યો. આખું મુઘલ સામ્રાજ્ય જેના નામ માત્રથી કંપી ઉઠતું એ શિવાજીને તો આખું વિશ્વ જાણે છે.પણ જો  એ વીરને જન્મ આપનારી વિરાંગના જીજાબાઈ ના હોત તો આજે પણ આખા મરાઠા સામ્રાજ્યને શિવાજીની ઉણપ વર્તાતી હોત. જેમ જીજાબાઇ વિના શિવાજીનું અસ્તિત્વ નથી, એવી જ રીતે તારા વિના તારા આ દીકરાનું અસ્તિત્વ પણ શૂન્ય બરાબર જ છે. બધા સાચું જ કહે છે કે એક મા સો શિક્ષકોની ગરજ સારે છે. નાનપણમાં તે મને બંદૂક રૂપી પહેલું રમકડું લઇ આપ્યું હતું ત્યારથી જ તે મારા મન માં દેશ માટે મારી મટવાની ભાવનાનો ઉદભવ કરાવ્યો હતો. હું કેવળ તારો જ નહી પરંતુ ભારતમાતાનો પણ દીકરો છું એ તે જ મને શીખવ્યું છે. અને આજે એ જ ભારતમાતાની લાજ રાખવા હું જઈ રહ્યો છું. તું જાણે છે કે જે સફર પર હું નીકળ્યો છું ત્યાંથી પાછા ફરવાની કોઈ જ શક્યતા નથી. હું લશ્કરના વડાને કહેતો જઈશ કે જો સલામી આપવી જ હોય તો શહીદના શવ ની સાથે એ 'મા'ના કાળજાને પણ આપવી જોઈએ, જેણે  પોતાના એકના એક દીકરાને પણ આ દેશ માટે કુરબાન કરી દીધો.
            દુનિયા તો તારા આ બલિદાનને થોડા દિવસ યાદ રાખીને ભૂલી પણ જશે. પણ મને ખબર છે કે તારા મન પર શું વીતશે. તું તો મને એક પળ માટે પણ વિસરી નહિ શકે ને મા ?જયારે પણ તને પુત્રનો વિરહ સતાવે ત્યારે અગાશીમાં આવીને ગગન તરફ એક નજર કરીને મને સાદ નાખજે. સેંકડો તારાની વચ્ચે  પણ તારો આ દીકરો આગવો તરી આવશે.
           ચાલ, હવે જવાનો સમય થઇ ગયો. ગોળી છાતીમાં ખુબ ઊંડે સુધી ઉતરી ગઈ છે અને લોહી પણ ઘણું વહી ગયું છે. હવે પીડા અસહ્ય થઇ ગઈ છે. મરણપથારી એ પોઢવાનો વખત આવી ગયો મા. આ જન્મમાં તો કદાચ તારું ઋણ હું નહિ ચૂકવી શકું પણ પ્રભુને એટલી પ્રાર્થના તો જરૂર કરીશ કે આવતા દરેક ભવમાં મને તારી જ કુખે અવતાર આપે.
      

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2016

નવોદય માટે

સતત ચાર મહિના પરીક્ષાના વાતાવરણ માથી મુક્તિ મળી એટલે મન એક અનેરો જ આનંદ અનુભવે છે. ખુબ જ લાંબા અંતરાળે  આજે ઘરનું મીઠું ભોજન જમી પેટ પણ આનંદિત થયું. પણ વાસ્તવિક  આનંદ તો ત્યારે થયો જયારે રૂમ પર આવી ને  મેં મારી એ બેગ ખોલી જેમાં મારા નવોદયમાં વિતાવેલા એ ચાર વર્ષો ની યાદો સંગ્રહાયેલી છે      
એ બાળપણના દિવસોનું સ્મરણ થતા ચિત્ર ઉભું થાય માતા-પિતાથી પણ વધારે પ્રેમ કરે એવા શિક્ષકોનું, જેઓ અમારા જીવનઘડતર માટે રાત કે દિવસ સુદ્ધા જોતા નહિ. સ્મરણ થઇ આવે એ ખુશનુમા વાતાવરણનું જ્યાં શ્વાસ લેતા જ બધા જ દર્દ વિસરાઈ જાય   સ્મરણ  થઇ આવે એ પાવન  ભૂમિનું જ્યાં પગ મુકતા જ એક અલગ જ ચેતના  શરીરના રોમ રોમ માં પ્રસરી જાય.  સ્મરણ થઇ આવે જીવથી પણ વ્હાલા એ મિત્રોનું જે જીવનની દરેક ક્ષણના ભાગીદાર બન્યા છે પછી ભલેને એ સુખ હોય કે  દુખ.  આ બધાનો આજે દિલથી આભાર વ્યક્ત કરવાની ઈચ્છા થાય  છે. અને એથી જ લાગણીઓ ને મ શબ્દોના રૂપ માં દર્શાવવાનો પ્રયાસ કરું છુ.

    Thanks to all my friends teachers. And specially thanks a lot to navodaya. Who made me capable of being myself.