શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015

બહેન ને પત્ર




આજે પ્રેમલનો અમેરિકા માં છેલ્લો દિવસ હતો. હાર્વર્ડ યુનીવર્સીટીમાં એમ.ટેક.નો એનો કોર્સ, જેના માટે એણે જીવતોડ મેહનત કરી હતી એ પૂરો થઇ ગયો હતો.અને તેની મેહનત નું પરિણામ પણ તેને ગોલ્ડ મેડલ  રૂપમાં મળી ગયું હતું. અમેરિકાની બે-વર્ષની આ સફરમાં પ્રેમલે અહીની રીતભાત અને જીવવાની ઢબ ખુબ જ સરસ રીતે શીખી લીધી હતી. અને અહી આસ-પાસના પડોશમાં પણ તે ઘણો વ્હાલો થઇ ગયો હતો. હિન્દુસ્તાનની શાંતિપ્રિય છાપ પ્રેમલે અહી અમેરિકામાં પણ બનાવી રાખી હતી અને તેથી જ એ મિત્ર-મંડળમાં પણ સન્માનપત્ર હતો. હમણાં જ એ મિત્રો તરફથી આપવામાં આવેલી ફેરવેલ પતાવીને પોતાના ફ્લેટ તરફ રવાના થયો હતો. ફેરવેલ માં આજે મિત્રો તરફથી જે પ્રેમ મળ્યો હતો તેનાથી પ્રેમલ ખુબ જ પ્રભાવિત થઇ ગયો હતો. મિત્રોએ ભેગા મળીને તેના અમેરિકામાં આ બે વર્ષના સફરની એક ડોક્યુમેન્ટ્રી બતાવી ત્યારે તો પ્રેમલની આંખો ભીની થઇ ગઈ હતી.અહી જાણે એનું એક કુટુંબ જેવું બની ગયું હતું.

પણ હવે આ કુટુંબને છોડીને દેશમાં પોતાના ફેમીલી સાથે સ્થાયી થવાનું હતું. માતા-પિતાએ પ્રેમલ માટે એક છોકરી પણ શોધી રાખી હતી. અરવિંદકાકા જે પપ્પાના ખાસ મિત્ર હતા એમની એકની એક દીકરી રશ્મી. નાનપણમાં રશ્મી પ્રેમલની સાથે જ ભણતી હતી. અને પ્રેમલને પણ એ ગમતી હતી પણ પપ્પાના ખાસ મિત્ર ની છોકરી હોવાને લીધે એ તેને કહી શક્યો ના હતો. પરંતુ જયારે પિતાએ સામેથી પ્રેમલને આ વિશે વાત કરી ત્યારે તો પ્રેમલે કઈ જ વિચાર્યા વગર જ સીધી હા પાડી દીધી હતી.આમેય બંને વ્હોટ્સએપ પર તો કોન્ટેક્ટ માં હતા જ. હવે દેશ જઈને પેહલા સગાઇ કરવાની હતી અને એના મહિના દિવસ પછી વિવાહ.

આજે એક રીતે પ્રેમલ ખુબ જ ખુશ હતો. બે વર્ષ ના લાંબા સમય બાદ હવે ફરી એ વતન ની માટીની મીઠી ખુશ્બુનો એહસાસ થશે. પણ એની આ ખુશીનું સૌથી મુખ્ય કારણ હતું રક્ષાબંધન. આવતા અઠવાડિયે જ રક્ષાબંધન  હતી અને આ વર્ષે એ પોતાની લાડકવાયી બહેન પાસે રાખડી બંધાવી શકશે એ વાત નો આનંદ એને સૌથી વધારે હતો. આ બે વર્ષમાં તેની પાસે મિત્રો,સગા બધું જ હતું પરંતુ પોતાની એકની એક બહેન પ્રીતિના પ્રેમ અને વાત્સલ્ય માટે પ્રેમલની આંખો તરસતી જ રહી હતી.અને એથી જ તો બહેનને મળવાની ખુશીમાં એ ગઈકાલે જ ઝવેરીને ત્યાંથી એક હીરાના હારનો સેટ લઇ આવ્યો હતો. પોતાની બહેનને તે રક્ષાબંધનની ભેટરૂપી આ હાર આપી ખુશ  માંગતો હતો. પ્રેમલ માટે પ્રીતિના સ્મિતથી વધારે આ દુનિયામાં બીજું કશું જ ના હતું. નાનપણથી જ પ્રીતિની દરેક જીદ પ્રેમલ જ પૂરી કરતો. પપ્પા કોઈ વસ્તુની ના પાડે તો પણ જો પ્રીતિ ને જોઈતું હોય તો પ્રેમલ એમના થી છાનું રાખીને પણ પ્રીતિને એ વસ્તુ લાવી આપતો. અને આ માટે એ પોતાની પોકેટ-મની પણ ખર્ચી નાખતો. હવે ફરી એ બહેનને મળવાનો સમય દૂર ન હતો.


આ જ વિચારોમાં ક્યારે રસ્તો પૂરો થઇ ગયો અને પોતાનો ફ્લેટ આવી ગયો એની પ્રેમલ ને ખબર જ ના રહી.આખા દિવસનો થાક ઉતારવા સાંજે 10 મિનીટનું એક શાવર લેવાનો અમેરિકામાં આવીને પ્રેમલનો નિત્યક્રમ બની ગયો હતો. પાણીના એક-એક  ટીપાથી જાણે એનો બધો જ થાક દુર થઇ જતો. અને ફ્રેશ થઇ ગયા પછી પોતાના એપલના લેપટોપમાં નવા કોઈ મેઈલ આવ્યા હોય તો એ ચેક કરવાનું પણ એના રોજના નિયમમાં શામેલ હતું .અને રોજમુજબ તેના મેઈલ ઇનબોક્સ માં પ્રીતિનો એક વીડિઓ મેઈલ તો પડ્યો જ હોય !! અને પ્રેમલ પણ સૌથી પહેલા એ વીડિઓ જુએ પછી જ બીજા બધા મેઈલ નો રીપ્લાય આપે.આ બે વર્ષમાં એક પણ દિવસ એવો નહિ ગયો હોય જયારે પ્રીતિએ તેના ભાઈને એક મેસેજ સેન્ડ ના કર્યો હોય.


પ્લે બટન દબાવતાની સાથે જ પ્રીતિનો ચેહરો આખી એપલની સ્ક્રીન પર છવાઈ ગયો. એને એ સાથે જ સ્મિતની એક લહેર પ્રેમલ ના મુખ પર ફરી વળી. પ્રીતિના અવાજમાં લેપટોપના સ્પીકરે બોલવાનું શરુ કર્યું-
"વ્હાલા ભાઈ  મજામાં જ હશો. મારાથી હવે વધારે રાહ નથી જોવાતી  . આ બે વર્ષનું લાંબુ અંતર તો કપાઈ ગયું પણ હવે આ બાકી રહ્યા કલાકો પસાર કરવા અઘરા લાગે છે. છેલ્લા બે વર્ષથી હું તમને રાખડી નથી બાંધી શકી પણ આ વર્ષે તમે આવો એટલે આપણે  હરખભેર રક્ષાબંધનનો આ તેહવાર ઉજવશું  . અને હા, આ વખતે તો તમને એકલા ભાભીને મળવા હું નહિ જવા દઉ. કહી દઉં  છું આ વખતે મને સાથે નહિ લઇ જાઓ તો જીન્દગીભરના અબોલા લઇ લઈશ. જલ્દી આવો તમારી રાહ જોવામાં અહી અમારી આંખો થાકી ગઈ છે. અને હા,મારા માટે ભેટ લાવવાનું ભૂલતા નહિ.હાહાહા  ........"

                        તમારી વ્હાલી  પ્રીતિ

મુખ પર સ્મિત અને આંખમાં આંસુ સાથે પ્રેમલે લેપટોપ બંધ કર્યું . અને ટેબલ પર પડેલી પ્રીતિ ની તસ્વીરને એક વ્હાલભર્યું ચુંબન કર્યું . આમ તો એ રોજ પ્રીતિનો વીડિઓ મેઈલ જોતો પણ આજે એમાં એક અલગ જ લાગણી હતી. અને હવે તો પ્રેમલ ને પણ વતન પાછા ફરવાની તાલાવેલી જાગી  . આવતીકાલે સવારની ફ્લાઈટ થી જ એ વતન રવાના થવાનો હતો . હવે પ્રેમલ અને તેના પોતીકાઓ વચ્ચે કેવળ આજની આ રાત હતી. બધું પેકિંગ કરી લીધા પછી બેડ પર આડો તો પડ્યો પણ ઘરે જવાની ઉત્સુકતામાં ઊંઘ જ નાં આવી. ખુબ જ મુશ્કેલી થી રાત ના એ કલાકો પસાર થયા.
                     
                                                                          ******

પ્રેમલને વિદા કરવા બીજી સવારે એરપોર્ટ પર આખું ગુજરાતી સમાજ ભેગું થયું . ખાસ-મિત્રો થી માંડીને પાડોશી,દરેક ની આંખ ભીની હતી. કેમ કે,આ બે વર્ષમાં આ છોકરાએ તેમના સૌના હૈયા એના પ્રેમભર્યા સ્વભાવને લીધે જીતી લીધા હતા. સૌથી વધારે જો કોઈ રડતું હોય તો તે હતા નિરવા અને રવિ. આ પતિ-પત્નીએ પ્રેમલને અમેરિકામાં મોટા ભાઈ-ભાભીની જેમ સાચવ્યો હતો. આવેલા સૌ કોઈને એક ભાવભર્યું આલિંગન કરીને પ્રેમાળ દેશ જવા રવાના થયો. સૌ કોઈ ની આંખ ભીની કરીને પ્રેમલની ફ્લાઈટે ભારત જવા માટે ટેક-ઓફ કર્યું .

હવે પ્રેમલ અને ઘર વચ્ચે ફક્ત કલાકોનો સમય બાકી હતો.  પ્રેમલે મનમાં ને મનમાં ઘર જવા સુધીનો નકશો પણ ઘડી નાખ્યો. અમદાવાદ એરપોર્ટથી સીધા ટેક્ષી પકડીને ગીતામંદિર બસ-સ્ટોપ અને ત્યાંથી સીધી કલોલની બસમાં ઘરે. અને ઘરે પહોંચ્યા પછીનો પ્લાન પણ એને આકાશમાં જ ઘડ્યો!! સૌપ્રથમ તો એ માતાને સરપ્રાઈઝ આપીને ખુશ કરી દેશે. પછી પિતાના ચરણોની ધૂળ માથે લગાવીને આશિષ લેશે. પ્રીતિને પેહલા થોડીવાર માટે એ અવગણશે અને જયારે ગુસ્સાથી એનું મો લાલ થઇ જાય પછી એક સરસ મજાની સરપ્રાઈઝ ગીફ્ટ જે એણે અમેરિકા થી પેક કરાવી હતી - આપીને એને ખુશ કરી દેશે એને હરખભેર તેનું આલિંગન કરશે. પછી સાંજે પ્રીતિને લઈને એ રશ્મીના ઘરે મળવા જશે અને ત્યાંથી ત્રણે PVR માં મૂવી નો આનંદ માણશે.  આવા ભાત-ભાતના વિચારો એના માનસપટ પર અંકિત થઇ ગયા હતા અને એટલામાં ક્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એની ફ્લાઈટ લેન્ડ થઇ એનું એને ધ્યાન પણ ના રહ્યું.


પ્લેનમાંથી ઉતરતાની સાથે જ સૌથી પેહલા તો તેણે ઝૂકીને ભારતની ભૂમિને વંદન કર્યા. સદીઓના વિરહ પછી બાળક જેમ બાળક પોતાની માને મળીને હરખાય, કૈક એવો જ આનંદ અત્યારે પ્રેમલના મનમાં થઇ રહ્યો હતો. બે-બે વર્ષ તે પોતાના વતનથી દૂર રહ્યો હતો, પોતાના કુટુંબ થી દૂર રહ્યો હતો. અને આજે માં અને દીકરા વચ્ચેની આ દૂરી માટી ગઈ હતી. પરંતુ મેઈન એક્ઝીટ થી બહાર આવતા એને કઈક  જુદું જ દ્રશ્ય જોવા મળ્યું. પોતાનું શાંત અને રળીયામણું શહેર જે એ બે વર્ષ પેહલા છોડીને ગયો હતો , આજે ત્યાં શાંતિ નું નામ માત્ર ના હતું.  એને જો કઈ દેખાતું હોય તો એ કેટલાક લોકોના જૂથોની આમ-તેમ ભાગદોડ અને "હમારી માંગે પૂરી કરો"ના બેનરો લઈને ફરતા લોકો. અને એ લોકોને કન્ટ્રોલ માં રાખવા માટે ઝુઝ્તી ગુજરાત રાજ્યની પોલીસ.

"ચાચા, આ બધું શું થઇ રહ્યું છે? આ કેમ આવો હંગામો મચી ગયો છે અમદાવાદ શહેરમાં મને કઈ સમજાતું નથી. ??" પ્રેમલે પોતાની પ્રશ્નસુચક નજરે, ચા ની લારીને સમેટીને જવાની તૈયારી કરતા એક વૃદ્ધને પૂછ્યું .

"જુઓને સાહેબ , કેટલાક પાખંડી નેતા અને અસામાજિક તત્વોના ચડવામાં આ ભોળી જનતા આંદોલન પર ઉતરી આવી છે. આજ સવારથી જ આ બધું શરુ થયું. કાલ રાત સુધી તો કોઈને ખબર પણ નહિ હોય કે રોષમાં ને રોષમાં આ લોકો આ નિર્મળ શહેરને ફૂંકી નાખશે. તમે હમણાં જ બહાર દેશથી આવતા લાગો છો. અત્યારે તો શહેરમાં નીકળવું એ પણ જીવના જોખમ જેવું છે. ખબર નહિ આ ગાંડી જનતાને પ્રભુ ક્યારે બુદ્ધિ આપશે?? જાતી અને ધર્મ નાં નામ પર આવા બળવા કરી ને અમારા જેવા ગરીબો ની જીંદગી અસ્ત-વ્યસ્ત કરી દેશે! " આટલું કહી ચાચાએ રોડ ની પેલે પાર આંગળી ચીંધી. કેટલાક રોષે ભરાયેલા લોકો એક પોલીસકર્મીને બેરેહમી થી મારી રહ્યા હતા. બિચારો એ સરકારી નોકર, પોતાના ઉચ્ચઅધકારીઓ ના હુકમ હેઠળ અહી ડ્યુટી કરી રહ્યો હતો ત્યાં જનતાએ એને જાનવરની જેમ મારી-મારી ને અધમૂઓ કરી દીધો. એના નાક અને મોઢામાંથી લોહીની ધારા વહ્યે જતી હતી એ તો કોઈ ની નજરે જ ના ચડ્યું !!!


હવે શું કરવું?? કેવી રીતે ઘરે પહોંચવું?? પ્રેમલના મનમાં આ બે સવાલ જ વારે વારે ઘૂમ્યા કરતા હતા. પોતાના શહેર કલોલ પહોંચવા માટે તેણે આખું અમદાવાદ શહેર ક્રોસ કરવું પડે એમ હતું. અને એના સિવાય બીજો કોઈ રસ્તો હતો નહિ! અતીથીગૃહમાં રોકાઈ જાય તો પણ આ આંદોલનને શાંત પડતા એકાદ અઠવાડિયું તો લાગે એમ હતું જ. અને આવો વિચાર કરતા જ તેને તરત પ્રીતિની યાદ આવી ગઈ. પોતાની વ્હાલી બહેનના એ સ્મિત ની યાદ આવી ગઈ જેને માટે એ જીવન-મરણનો આ દાવ ખેલવા પણ તૈયાર થઇ ગયો. હવે તો તેણે આજે ને આજે કોઈ પણ ભોગે પોતાના શહેર પહોંચવું  જ રહ્યું . હવે એનાથી લાડકી બહેનને પ્રતિક્ષા કરાવવાનું યોગ્ય ના લાગ્યું. થોડી વાર અસમંજસમાં રહ્યા પછી એણે સ્વસ્થ થઇ આમ-તેમ નજર દોડાવી. રસ્તા ઉપર લોકોની ભીડ સિવાય એને બીજું કશું જ જડ્યું નહિ. દસેક મિનીટ એમ જ રાહ જોયા પછી તેની નજરે નસીબજોગે એક ટેક્ષી ચડી. ટેક્ષીવાળા ને રોકીને તેણે સીધા કલોલ જવા માટે પૂછ્યું. કેમ કે, હવે બસ સ્ટોપ પર જવું યોગ્ય ના હતું . પરંતુ ટેક્ષીવાળાએ જવાની નાં પાડી દીધી. આવા તંગ વાતાવરણમાં આખું શહેર ક્રોસ કરવું એ એના માટે પણ અઘરું કામ હતું. પરંતુ જયારે પ્રેમલે તેના હાથમાં નોટોનું એક બંડલ મુક્યું અને એને કોઈ પણ સંજોગોમાં કલોલ સુધી પહોંચાડવા કહ્યું ત્યારે આટલા બધા પૈસા ની લાલચે એ ભાઈ તૈયાર થઇ ગયો.

હવે પ્રેમલને ટેક્ષી ની બારીમાંથી કેવળ બળવા જ દેખાવા લાગ્યા. જેમ-જેમ તેઓ શહેરની અંદર જતા તેમ-તેમ દ્રશ્ય બિહામણું થતું ગયું. જનતા અને પોલીસ વચ્ચે હવે જાણે એક હિંસક યુદ્ધ છેડાઈ ગયું હતું.  ઠેર-ઠેર દુકાનો , બસો , અને પોલીસચોકીઓ સળગી રહી હતી. લોકો ગાંડા થઇ ને સરકારી ઓફીસો ઉપર પત્થરમારો કરી રહ્યા હતા. અને જેમ જેમ તેની ટેક્ષી શહેરના રસ્તા પર થી પસાર થતી ગઈ તેમ-તેમ એને જણાતું ગયું કે આ આંદોલન હવે કોમી રમખાણમાં ફેરવાઈ ગયું હતું. પોતાનું શાંત નિર્મળ શહેર આજે કેટલાક અસામાજિક તત્વો ના કારણે સળગી રહ્યું હતું. શ્રી રામ ની અયોધ્યા આજે રાવણની સળગતી લંકા માં ફેરવાઈ ગઈ હતી.

રસ્તા પરનું એક દ્રશ્ય જોઈ ને તો પ્રેમલની આંખો ભરાઈ આવી. એક સ્ત્રી પોતાના બાળકને લઇ ને આ બળવાખોરોની નજરથી છુપાતી છુપાતી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યાં કેટલાક શેતાનો એને જોઈ ગયા અને કેરોસીન છાંટી એ નિર્દયી લોકોએ માં-દીકરાને આગ ચાંપી દીધી. પેલી સ્ત્રી બુમો નાખતી આમથી તેમ ગાંડા ની જેમ દોડવા લાગી. અગ્નિની બળતરાને લીધે એની ચીસો પણ બિહામણી લાગતી હતી. એક ભાઈ ને એની દયા આવી ગઈ અને એ પાણી ભરેલી ડોલ એની ઉપર છાંટવા ગયો ત્યાં તો પાછળથી લાકડી નો પ્રહાર એના માથાપર લાગ્યો અને એ ઢાળી પડ્યો.

શું થઇ રહ્યું હતું આ શહેર ને?? શું આ જ રાજ્ય માં અહિંસાના પૂજારી ગાંધીનો જન્મ થયો હતો? શું અહી જ ભારતની એકતાને અખંડિત કરનાર સરદાર પેદા થયા હતા? આજનું દ્રશ્ય તો તેની તદ્દન વિરુદ્ધ જ હતું. પ્રેમ્લનું લોહી ઉકળી ઉઠ્યું અને દરવાજો ઉઘાડી તે બહાર નીકળવા જ જતો હતો ત્યાં ટેક્ષીના ડ્રાઈવરે તેને સમજાવીને અંદર જ રેહવા કહ્યું . નાછૂટકે પ્રેમલને અંદર જ બેસી રેહવું પડ્યું . આંખના ખૂણેથી તેના ગાલ પર આંસુની એક ધાર થઇ ગઈ હતી.

હવે શહેર પાર કરવામાં બસ થોડા જ કિલોમીટર બાકી રહ્યા હતા. પણ આ ક્ષેત્રમાં તોફાને  સૌથી વધારે જોર કર્યું હતું. અહી તો ઠેર-ઠેર આગની લપટો જ નજરે પડતી હતી અને સડકો પર કેવળ લોહીના ધબ્બા!!! પ્રેમલની ટેક્ષી સડસડાટ રસ્તો કાપી રહી હતી ત્યાં જ અચાનક જ મેઈન ગ્લાસ ને તોડતો એક પથ્થર આવીને સીધો જ ડ્રાઈવરના માથામાં લાગ્યો અને તેનું પ્રાણ-પંખેરું ત્યાં ને ત્યાં જ ઉડી ગયું. હવે પ્રેમલ ખરેખર મૂંઝાયો.  શું કરવું એની તેને એ વખતે કઈ જ ખબર પડતી ના હતી. ત્યાં જ પ્રેમલને ટેક્ષીના પાછળના ભાગમાં કૈક અથડાયું હોય એવો એહ્સાસ થયો. તરત જ સચેત થઈને તે ગાડીની બહાર નીકળી ગયો. આવામાં પણ તે પ્રીતિની ગીફ્ટ સાથે લેવાનું ના ભૂલ્યો!! શું ભાઈ હતો આ ! ભગવાન આવો ભાઈ દરેક બહેન ને આપે! બહાર નીકળી એ દોડ્યો અને ટેક્ષી થી દૂર જતો રહ્યો  પળવારમાં જ ટેક્ષી સળગી ઉઠી. પ્રેમલ કઈ વિચારે એ પેહલા જ પાછળથી એના માથામાં એક જોરદાર પ્રહાર થયો. પ્રહાર શેનો હતો એતો એને ખબર ના પડી પણ પણ તેને પેહરેલા સફેદ શર્ટનો રંગ એ લાલ થતો જોઈ શક્યો. થોડી જ પળોમાં તેની આજુ-બાજુની ધરતી ગોળ-ગોળ ફરવા લાગી. અને બધા જ દ્રશ્યો જાણે ઝાંખા થતા ગયા. ધીમેધીમે જાણે અંધકારનો એક પરદો છવાઈ ગયો.

                                                                     ******

 થોડી વાર એમ જ પડ્યા રહ્યા પછી પ્રેમલે આંખો ઉઘાડી. ઉભો થઇ ને પહેલા તો એણે માથે હાથ ફેરવ્યો. માથા પર કોઈ જ ઈજા ન હતી. તેને આશ્ચર્ય થયું કે આ બધું શું ચાલી રહ્યું છે. પ્રેમલને કઈ જ સમજાતું ન હતું. હજુય એની ચારે બાજુ અંધકાર જ હતો. એ આમ-તેમ દોડવા લાગ્યો. પણ રસ્તો હતો કે પૂરો થવાનું નામ જ નહતો લેતો. થોડીવાર દોડ્યા પછી તે થાકીને ઉભો રહી ગયો. અચાનક જ તેને એક બાજુથી પ્રકાશની એક લહેર આવતી દેખાઈ. થોડું ધ્યાન થી જોતા ખબર પડી કે આ તો એના પપ્પા હતા. પણ પપ્પા અહી  કેવી રીતે આવ્યા ? એ તો ઘરે મારી વાટ જોતા બેઠા હશે. વૃદ્ધ આંખોમાં પોતાના પુત્રને મળવાની અધીરાઈ ભરી ને પિતા તો ઘરે એની વાટ જોતા હશે. તે અહી ક્યાંથી આવી શકે?પ્રેમલ તરત જ પિતા ને ગળે વળગવા દોડ્યો. બે-બે વર્ષથી પિતાના સ્નેહથી એ દૂર રહ્યો હતો. પણ આ શું? નજીક પહોંચતા જ એક પારદર્શક હવાના ઝોકની જેમ એ અદ્રશ્ય થઇ ગયા. આ બધું શું ચાલી રહ્યું હતું એની સાથે? પ્રેમલની સમજમાં કઈ જ આવતું ન હતું. એ એક નાના ભૂલકા ની જેમ રડવા લાગ્યો.

ત્યાં જ એક અવાજ સંભળાયો. એક જ પળમાં પ્રેમલ એ અવાજ પારખી ગયો. આ તો એની માં નો અવાજ હતો. આ સાદ તે કેવી રીતે ભૂલી શકે?? નાનપણથી આ જ અવાજે તો તેને ઘડ્યો છે. અને એ બાજુ નજર કરતા જ તેને પોતાની માતાની સ્મૃતિ દેખાઈ. "માં,માં, હું આવી ગયો. જો હવે તને વધારે રાહ નહિ જોવરાવું." આમ બોલતો બોલતો પ્રેમલ માં ને ભેટવા દોડ્યો. પણ આ શું?? માં પણ પપ્પા ની જેમ જ અદ્રશ્ય થઇ ગઈ!! આ ખરેખર શું ચમત્કાર હતો.એના બધાજ વ્હાલસોયા લોકો એની સામે આમ અચાનક જ પ્રગટ થઇ જતા હતા ! અને જેવો પ્રેમલ એમની પાસે જાય એટલે તરત જ ઓઝલ થઇ જતા હતા.  આ તે કેવી રમત ભગવાન રમી રહ્યો હતો એની સાથે!!

થોડી વાર થઇ હશે ત્યાં રશ્મી દોડતી એની તરફ આવતી દેખાઈ. પોતાની પ્રેમિકા , જેની સાથે પ્રેમલ આ જ વર્ષે વિવાહ ના બંધનમાં બંધાવાનો હતો એને આમ દોડતી પોતાને ભેટવા આવતી જોઈ પ્રેમલ હરખભેર રશ્મી તરફ દોડ્યો. પણ નજીક જતા રશ્મી પણ પળવારમાં ઓઝલ થઇ ગઈ. હવે પ્રેમલ ખરેખર મુંઝવાયો. આ ભાગદોડમાં હવે તેને ખબર પડી કે તેનું શરીર કોઈ વસ્તુ અનુભવી શકતું ન હતું. તેના ફેફસા માં હવા જતી ન હતી. હૃદયના ધબકારા પણ સંભાળતા ન હતા. છતાં પોતે આમ ઉભો કેવી રીતે રહી શક્યો હતો??

હવે પ્રેમલને થોડી થોડી સમાજ પાડવા લાગી હતી ક આ બધું છે શું? પણ તે હકીકત ને સ્વીકારવા તૈયાર ન હતો. ઘરે પોતાની લાડકી પ્રીતિ રાહ જોતી ઉભી હશે. કે હમણાં ભાઈ આવશે ને હું જઈને સીધી એમને ભેટી પડીશ. આ બધું વિચારતો હતો ત્યાં તો પ્રીતિ એની સામે આવીને પ્રગટ થઇ ગઈ.પ્રેમલની આંખે શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. પ્રીતિ પણ "ભાઈ, જલ્દી આવો, અમે બધા તમારી રાહ જોઈ રહ્યા છીએ" એવા સાદ પાડતી હતી. પોતાની વ્હાલી બહેન ને આમ સાદ નાખતા જોઈ પ્રેમલ થી રહેવાયું નહિ. તે કેહવા લાગ્યો -


"બહેન , યાદ છે જયારે તું નાની હતી ત્યારે આપણે મમ્મીથી છુપાઈને  ફ્રિજમાંથી  આઈસ્ક્રીમ ચોરીને મોડી  રાત્રે ખાઈ જતા હતા. અને જયારે સવારે ખાલી ડબ્બો જોઇને મમ્મી આપણને પકડતી ત્યારે હું તારો દોષ પણ મારા માથે લઇ લેતો. પછી જયારે બીજા દિવસે બપોરે આઈસ્ક્રીમ મળે ત્યારે તું હરખભેર તારા હાથે જ ,તારા ભાગનો આઈસ્ક્રીમ પણ મને આપી દેતી.તારી એ જ મીઠાશ આ બે વર્ષ માં મને ખુબ જ યાદ આવી છે. અમેરિકામાં મારી પાસે બધું જ હતું પણ તારા જેવી લાડકી બહેન ના સ્નેહ ની ઉણપ રોજ સતાયા કરતી. આ બે વર્ષ માં પણ હાથ રાખડી વિના ખાલી તો નથી રહ્યો , પણ તારા સ્નેહથી ભરેલા એ દોર ના ટુકડાથી મારો આ હાથ જરૂર વંચિત રહ્યો છે. હવે તો તું દસમાં ધોરણ માં આવી ગઈ એટલે થોડી મોટી પણ થઇ ગઈ પણ બે વર્ષ પૂર્વે જયારે તું આઠમાં માં  હતી ત્યારે આપણે ખુબ જ મસ્તી કરી છે. મારી બી.ટેક. ની જર્નલો પૂરી કરવામાં પણ મને તું મદદ કરતી અને જયારે એના બદલામાં હું તને સિલ્ક ખાવડાવતો  ત્યારે તારા મોઢા પર જે સ્મિત આવતું એ જોઇને મારું હૈયું ખુબ જ ગદગદ થઇ જતું. મને જયારે રશ્મી પ્રત્યે પ્રેમ ની લાગણી જાગી હતી ત્યારે સૌથી પેહલા તને જ એની જાણ થઇ હતી. અને મને એ પણ ખબર છે કે તે જ પપ્પા ને મારી અને રશ્મિની વાત આગળ વધારવાનું કહ્યું હતું. તારા આ પ્રેમભર્યા ઉપકારનો બદલો હું સાત જન્મેય નહિ ચૂકવી શકું. અને ઉપર જઈને હું સૌ પેહલા ભગવાન ને એ જ પ્રાર્થના કરીશ કે 'હે ભગવાન જો મેં એક પણ પુણ્યનું કાર્ય કર્યું હોય તો આવનારા સાત ભાવમાં પણ મને બહેન તરીકે તું જ વરદાન માં મળે. હવે તો તું મોટી થઇ ગઈ છે. માતા-પિતાનો આશરો બનજે અને ખુબ જ ભણજે.  તારો વ્હાલો ભાઈ તો આ રક્ષાબંધને પણ તારી પાસે રાખડી ના બંધાવી શક્યો. આ આંદોલનની આગમાં તારો ભાઈ ભસ્મ થઇ ગયો પ્રીતિ. ખબર નહિ આ દેશની જનતાને શું થઇ ગયું છે  કે કેટલાક પાખંડીઓ ના ચડાવામાં આવી ને આ મધુવન રૂપી ભૂમિ ને લંકા ની જેમ સળગાવી રહ્યા છે. અને તારા ભાઈ જેવા કેટલાય નિર્દોષ ભાઈ આ અગ્નિમાં બળીને રાખ થઇ ગયા હશે! અરે હું પુછુ છું અમારો શું વાંક હતો? અમને તો આ બળવા વિષે જાણ પણ ન હતી. તો પછી ભગવાને અમારા જેવા નિર્દોષ લોકોનો ભોગ કેમ લીધો? આ અંદોલન ને ઉગ્ર બનાવનારા એ અસામાજિક તત્વો ને તો ભગવાન કઈ જ સજા નથી આપતા!! હું ઉપર જઈ ને ભગવાન ને એ પણ પ્રાર્થના કરીશ કે  આ દેશની ભોળી જનતા ને પોતાના મનથી તર્ક કરવાની શક્તી આપે જેથી મારા જેવા નિર્દોષ ભાઈ,દીકરા કે પતિ આવા બળવાઓમાં ભોગને પત્ર ના બને. અને તારા જેવી બહેનો,માતાઓ કે પત્નીઓની આંખોમાં કેવળ પ્રતીક્ષા જ ના રહી જાય. 

હું પ્રભુ ને પ્રાર્થના કરીશ કે તને હંમેશા સુખી રાખે. તારા જીવનમાં દુઃખ નો સાયો સુધ્ધા  ન આવવા દે. અને હા રશ્મી ને કેહ્જે કે કોઈ સારો છોકારો  શોધી ને એની સાથે ઘરસંસાર વસાવી લે. મને ખબર છે એ પણ મને ભૂલી શકવાની તો નથી જ. તું મને ભુલાવવામાં રશ્મી ની મદદ કરજે. અને બીજી એક વાત, હવે તારું લક્ષ્ય કેવળ ભણવા ઉપર જ કેન્દ્રિત કરજે. હું ઉપર રહીને તારા બધા જ પરિણામો તપાસીશ. હવે તારા જેવા યુવા ધને જ ભણી -ગણી ને આગળ આવવાનું છે અને પાખંડીઓ ના સીકાન્જામાંથી ભારતમાતાને છોડાવીને આ દેશને પ્રગતિ ને પંથે દોરવાનો છે. જો તને મારી યાદ આવે તો રડ્યા વગર રાત થાય એટલે છત પર આવી ને જે સૌથી વધારે પ્રકાશિત તારો દેખાય એને ધારીને જોયા કરજે. એમાં તને હું દેખાઈશ. ચાલ ,હવે જવાનો સમય થઇ ગયો." 
આટલું કહી પ્રેમલ પ્રીતિને ભેટવા આગળ વધ્યો  પણ પાછળથી જાણે એને કોઈ ખેંચી રહ્યું હતું. અને પ્રીતિ પણ ઓઝલ થઇ રહી હતી. પળવારમાં તો પ્રેમલ અંધકાર ના એ વિશાળ સાગરમાં સમાઈ ગયો..........

                                                      -ચિરાગ

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2015

ગરીબો નો બેલી






" આવી ગયો બેટા. મારી આટલી વાત માન , જો તને માતા પરત્વે થોડો પણ પ્રેમ હોય તો મહેરબાની કરીને જમી લે  . સવારથી તે પેટમાં અન્નનો દાણો પણ મુક્યો નથી  . છેલ્લા એક અઠવાડિયાથી તું આમ જ રોજ સવારે નીકળી પડે છે ગામના મોટા માણસો પાસે મદદ માંગવા  . પણ દીકરા યાદ રાખજે આપણા ગરીબોનો બેલી ફક્ત ઉપરવાળો  જ છે  .  અને એનું ધાર્યું હશે એમ જ થશે ,જે કોઈ પણ બદલી શકવાનું નથી  .  ના હું ,ના તું , કે ના આ દુનિયા ના અમીર લોકો  . તું મારા પર દયા કરીને જમી લે બેટા. મારાથી તારી આ દશા સહન નથી થતી  . આખરે હું પણ એક 'માં' છું  . મારા દીકરાને આમ રોજ રોજ બધા પાસે ભૂખ્યા પેટે મદદ માગવા દોડી જતો ક્યાં સુધી  શકું ? પણ દીકરા હું ખુબ જ લાચાર છું  . તારા બાપુજીના નિધન પછી મારી પાસે જેટલી મૂડી હતી એ બધી તને ઉછેરવામાં અને અપણા ભરણપોષણમાં ખર્ચાઈ ગઈ  . હવે વધ્યો છે તો કેવળ આ હજારહાથવાળાનો સાથ  . પણ લાગે છે કે એ પણ આ કપરા સમયમાં આપણાથી રિસાઈ ગયો છે  . પણ દીકરા એ નથી જાણતો કે જયારે માં નું હૃદય દ્રવી ઉઠશેને  ત્યારે ખુદ એણે પણ ઝુકી જવું પડશે . આ દુનિયાએ માં ને  ભગવાનનું સ્થાન આપ્યું છે પણ હું તારા માટે ભગવાન પુરવાર ન થઇ શકી એ માટે મને માફ કરી દેજે  ." આટલું કેહતા સાથે જ શાંતાદેવી ની આંખે શ્રાવણ - ભાદરવો વરસવા લાગ્યા  .દોડીને એ પુત્રની છાતીએ વળગીને ડુસકા ભરવા લાગ્યા  .

                       "પણ માં, મારી  કિસ્મત મને અન્નનો કોળીયો જ મોમાં મુકવા દેતી નથી  . છેક મુખ સુધી આવેલો મને ભાવતી વાનગી નો કોળીયો આ કિસ્મત મારા હાથમાંથી ઝૂંટવીને લઇ જાય છે  . શું ભગવાન ને આવી જ રમતો રમવી ગમતી હશે????હંમેશા એ લોકોના સપનાઓ સાથે  રમતો માંડ્યા કરે છે  . નાનપણથી જ આંખો માં સપના લઇ ને હું મોટો થયો છું  . અને આ સમયે અચાનક જ કોઈ ચૂંટી ખણીને મને જગાડે અને મારા એ સપના કાચના આઈના ની જેમ તૂટી જાય એ હું કઈ રીતે સહન કરું માં !!  રાતના અંધકારને ચીરતો રોજ સુરજ ઉગે, ને મારા માટે રોજ નવી આશા ની પાળો બંધાય છે કે આજે મદદ મળશે , આજે તો ચોક્કસ  કોઈ દિલદાર માણસ મારી તેજસ્વીતા પારખીને  આગળ ભણવા માટે મને મદદ કરશે  . પણ દિવસ આથમ્યે ડૂબતા સુરજની સાથે મારી એ આશાઓ પણ ડૂબતી જ જણાય છે "

                                                                      *****

હિરેન એક ખુબ જ તેજસ્વી વિદ્યાર્થી છે  . આપણે એને એક આદર્શ વિદ્યાર્થી કહીએ તો એમાં કોઈ  અતિશયોક્તિ નથી  . નાનપણથી જ આ છોકરાને ભણવાની ખુબ જ ધગશ  . જો કોઈ કારણસર એ સ્કૂલ નો એક પણ દિવસ ચુકી જાય તો ભાઈ નું મન કોઈ કામ માં ના લાગે જ્યાં સુધી એ  એ દિવસ નું જે ભણાવ્યું હોય એ જાતે તૌયાર ના કરી લે !! પણ જયારે હિરેન ચોથા વર્ગ માં હતો ત્યારે ઈશ્વરે એના કુટુંબના મોભારુપી એના પિતાને પોતાની પાસે બોલાવી લીધા હવે ઘરમાં કેવળ હિરેન ની વિધવા માં અને હિરેન બે જ જણ  હતા  . અને કમાણી નો કોઈ જ સ્ત્રોત રહ્યો ન હતો  . પતિએ ઘરમાં જે થોડીઘણી સંપતિ ભેગી કરી હતી એ હિરેન ની માં એ બંને ના ભરણપોષણમાં અને પોતાના એકના એક દીકરાને ભણાવવામાં ખર્ચ કરવાનો નિશ્ચય કર્યો  . આ મૂડીમાંથી હિરેન મેટ્રિક સુધી તો  ભણી શક્યો પણ હવે એને આગળ ઉચ્ચાભ્યાસ માટે ઘણા પૈસા ની જરૂર પડે એમ હતું  .અને પૈસા ઘરમાં હતા નહિ !! ઉચ્ચાભ્યાસ ની તીવ્ર ઈચ્છા  ને કારણે છેલ્લા એક અઠવાડીયાથી હિરેન ગામના દરેક નાના મોટા  માણસ ના દરવાજા ખખડાવી ચુક્યો હતો પણ કોઈ આટલા બધા પૈસા એક ગરીબના દીકરા ને આપવા તૈયાર થયું નહિ  .પણ જો એ હાર માને તો એનું નામ હિરેન નહિ !!!રોજ સાંજે ભલે નિરાશ થઇ ને ઘેર આવે પણ પોતાની પ્રેરણાસ્ત્રોત રૂપી 'માં' ને જોઇને એની નિરાશા ફરી આશામાં ફેરવાઈ જાય  . એ 'માં' જેણે આટઆટલા દુઃખ વેઠીને પોતાને મોટો કર્યો , હવે જો એને એ સુખ ના સુરજ ના દેખાડી શકે તો પોતાનું જીવન વ્યર્થ ગણાય  . અને માતા પ્રત્યેનું શ્રવણકુમાંરનું આ કર્તવ્ય જ હતું જે તેને આ કપરા સમયમાં અડગ રેહવાની હિંમત આપતું હતું  . મેટ્રિક માં એની શાળામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીને આજે પૈસાના આભાવને કારણે એડમીશન માટે આમ-તેમ ફાંફા મારવા પડતા હતા. પણ હિરેન ના મન માં બે ચીજો મક્કમ હતી -- એક તો માની સેવાની ભાવના અને બીજો પ્રભુ પરનો વિશ્વાસ ."

                                                                           *****

" બેટા , આજે સવારે ટપાલી તારા નામે એક પત્ર આપી ગયો હતો  . તારી રાહ જોતી હતી કે તું આવે ત્યારે પરબીડિયું ખોલું  . " આખરે માની જીદથી હારીને જયારે હિરેન સાંજે પેટનો ખાડો પૂરવા  બેસ્યો ત્યારે શાંતાદેવી એ કહ્યું  .

"માં , અત્યારે મારો કપરો સમય ચાલી રહ્યો છે  અને મારા આ મગજમાં  જાત-જાતની ગુન્ચવણો ચાલી રહી છે .આવા સમયે  મારે ફક્ત એડમીશન માટે પૈસાની વ્યવસ્થા કરવાની છે . કદાચ ફોઈનો પત્ર હશે  . રક્ષાબંધન આવે છે ને, એટલે આવવાનો પત્ર મોકલ્યો હશે. અત્યારે એ પત્રને કબાટમાં મૂકી દે ને. આ એડમીશન ની આફત માથાપરથી ટળે પછી નિરાંતે ફોઈ સાથે વાત કરી લઈશું." આટલું કહી હિરેન પથારીમાં સુવા ચાલ્યો. આખા  દિવસભરના  થાકને કારણે પથારીમાં આડો તો પડ્યો, પણ ઊંઘ ન આવી જાય એનું ધ્યાન રાખ્યું. ક્યાંક એના સપના ફરીથી કોઈક ચૂંટી ખણી ને તોડી ન દે !! 

હવે એડમીશન ને ફક્ત ત્રણ જ દિવસ બાકી રહ્યા હતા અને આ જૂજ સમયમાં કોઈ રીતે 35000 રૂપિયાની મૂડી ભેગી કરવાની હતી. જો એ ના કરી શકે તો એની મનગમતી અને સારામાં સારી ગણાતી બ્રાન્ચમાં એને એડમીશન ના મળે અને એના બધા જ સપના તૂટી  જાય ! અગાશીમાં સુતા સુતા આકાશદર્શન  કરતો  હતો ત્યારે એની નજરે  ખરતો તારો ચડ્યો  . એને જોઇને મનમાં ને મનમાં હિરેન પણ વિચારવા લાગ્યો કે પૈસાના અભાવને કારણે ક્યાંક આ તેજસ્વી તારલો પણ ખરી ના જાય !!!
                                                                           
                                                                              *****


સોનેરી પ્રભાતના કિરણો સાથે ફરી સૂર્યદેવ નું આગમાન થયું અને હિરેનના મનમાં મદદની ફરી આશાઓ બંધાઈ. પોતાના બધા પ્રમાણપત્રો એક થેલીમાં ભરી ફરી નીકળી પડ્યો એ બીજી પોળમાં મદદની આશાએ .

"નમસ્કાર શેઠજી. મારે મેટ્રિકમાં પ્રથમ નંબર આવ્યો છે અને મને મેડીકલમાં એડમીશન મળી જાય છે. પરંતુ એડમીશનની ફી પેઠે રૂપિયા 35000 આવતીકાલે જ મારે જમા કરાવવાના છે. ગામની બીજી બધી પોળમાં હું મદદ માટે હાથ ફેલાવી આવ્યો પણ કોઈ આ ગરીબનો હાથ પકડવા તૈયાર થયું નહિ.  તમે મારી છેલી આશા છો શેઠજી. જો તમારાથી મને આટલી મદદ થઇ શકે તો હું ડોક્ટર બન્યા પછી તમારી પાઈ-પાઈ વ્યાજ સાથે ચૂકવી દઈશ."આમ કેહતા હિરેને પોતાની છેલી આશા માટે હાથ ફેલાવ્યા.

"જો ભાઈ , તારા આ પ્રમાણપત્રો જોઇને તો તું મને એક તેજસ્વી વિદ્યાર્થી જણાય છે અને એથી જ હું તને વધારે માં વધારે 5000 ની મદદ કરી શકીશ. એથી  વધારે મદદ મારાથી થઇ શકે એમ નથી . હાલ ધંધામાં પણ મંદી ચાલે છે. બાકી હવે કિસ્મત પર છોડ."

લાખો રૂપિયાની લેવડ-દેવડ કરતા શેઠે જયારે આવો જવાબ આપ્યો ત્યારે હિરેનનો માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો. પોતાની પાસે આટલું ધન હોવા છતાં પણ જો કોઈ માણસ એક જરૂરીયાતમંદની વ્હારે ના થઇ શકે તો શું કામનું એ ધન !!! અને આવા કપરા સમયે જો માણસ જ માણસ ને કામ ના આવી શકે તો શું કરવાનો એ वसुधैव कुटुम्बकम  નો સિદ્ધાંત !!!!

હિરેનની આ   છેલ્લી આશા ઉપર પણ જયારે પાણી ફરી વળ્યું ત્યારે એ અંદરથી તૂટી ગયો. હવે એનો પ્રભુ પરનો વિશ્વાસ પણ ધીમે-ધીમે તૂટતો હોય એવું જણાવા લાગ્યું. નિરાશાના વાદળોથી ઘેરાઈને જયારે માતા સામે આવ્યો ત્યારે પગમાં જાણે હિંમત જ ના રહી હોય એમ પોતાના ઘૂંટણ પર પડી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. હવે ખરેખર એ હારી ગયો હતો. પૈસાની વ્યવસ્થા કરવા માટે આજે છેલ્લો દિવસ હતો અને આજે પણ એને નિરાશા જ મળી હતી. આવતીકાલે એડમીશન નો દિવસ હતો અને હિરેન પાસે ખાલી હાથ  સિવાય  બીજું કઈ જ હતું નહિ.  બંને માં-દીકરો એક બીજાને બાથ ભરીને રડવા લાગ્યા. એ  દિવસે એ ઘર માં બંનેમાંથી કોઈ એ અન્ન નો દાણો સુધ્ધા મોમાં મુક્યો નહિ.

"શું કરવાના આટલા પ્રમાણપત્રો ? જયારે પૈસાના અભાવે એક વિદ્યાર્થીને એનું ધાર્યું લક્ષ્ય પણ પ્રાપ્ત ના થાય. આવા પ્રમાણપત્રો તો કબાટમાં જ શોભે !!"  આટલું કેહતાની સાથે જ  હિરેન ના પગ કબાટ તરફ ઉપડ્યા. એને નિશ્ચય કર્યો કે હવે એ આ સર્ટીફીકેટને કબાટ માં જ, હાથ ના આવે એવી રીતે મૂકી દેશે. અને કબાટ ખોલતા જ પેલું પરબીડિયું હિરેન ના પગમાં આવી ને પડ્યું. હિરેનને તરત જ બે દિવસ પેહલા માતા સાથે થયેલો વાર્તાલાપ યાદ આવ્યો. ફોઈ નો પત્ર હશે એમ વિચારીને એણે એ વખતે એ પત્રને કબાટમાં જ મૂકી દીધો હતો. ફોઈ એ શું લખ્યું છે એ જાણવા એણે પરબીડિયું ઉપાડ્યું પણ પરબીડિયા પર તો બીજું જ સરનામું હતું. એ ગાંધીનગર થી પોસ્ટ થયેલું હતું અને ફોઈ તો ગામમાં રેહતા હતા. હિરેને તરત જ કવર ખોલ્યું અને એની આંખો ત્યાં જ સ્થગિત થઇ ગઈ. આખુ ઘર જાણે એની આજુ બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યું. ચારે બાજુ જાણે જાત-જાતના આવાજ એને સંભાળવા લાગ્યા. પરબીડિયામાં રૂપિયા 51000 નો એક ચેક અને સાથે એક પત્ર હતો.!!!!! હિરેનની આંખો તો જાણે એ પાંચ આંકડા પર જ ચોંટી ગઈ 51000 !! થોડી વાર એમ જ મૂર્તિની જેમ ઉભા રહ્યા બાદ સ્વસ્થ થઇ એણે પત્ર તરફ નજર કરી  .  લખ્યું હતું --



                                    ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર 
 પ્રતિ ,
     શ્રી હિરેનભાઈ સૂતરીયા
     ગામ  નાનકપુર
                                          તમને જણાવતા આનંદ થાય છે કે ધોરણ 12 માં ખુબ જ સરસ પ્રદર્શન કરીને તમારા ક્ષેત્રમાં પ્રથમ આવવા બદલ  તમારી પસંદગી પોસ્ટમેટ્રિક સ્કોલરશીપ માટે કરવામાં આવી છે. જેના હેઠળ તમને રૂપિયા 51000 નો ચેક અત્યારે અમે આ પત્ર સાથે મોકલ્યો છે અને દર મહીને તમારા ભણવાના ખર્ચ પાછળ રૂપિયા 3000 તમારા બેંક અકાઉન્ટમાં જમા થઇ જશે.
                                                                    આભાર

                                                                                                        મેનેજર
                                                                                                        ગુ.રા.ઉ.માં.શિ.બોર્ડ
                                                                                                        ગાંધીનગર



                                                                             *****

આશરે 10 વાર હિરેને એ પત્ર ત્યાં ઉભા ઉભા જ વાંચી નાખ્યો .  અને આ શું થઇ રહ્યું એના પર એને વિશ્વાસ જ ના થયો . હિરેન માટે આ વસ્તુ કોઈ ચમત્કારથી કમ ન હતી. પત્ર લઇ ને તરત જ માં ને વાંચી સંભળાવ્યો. બંને ની આંખે શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. હિરેન નો ભગવાન પરનો વિશ્વાસ, જે તુટવા ની અણી પર હતો આજે ફરીથી એક વાર અતુટ થઇ ગયો.

ઈશ્વર પણ ખરેખર મહાન છે. એની રમતો સમજવી આપણી  વિચારશક્તિની બહારની વાત છે. ક્યારેક દુઃખના દરિયામાં ડૂબકી ખવરાવે તો ક્યારેક સુખનું ગુલાબ બની આપણા ચમનમાં એની સુગંધ મહેકતી કરી દે !! અને એની આ રમત ખરેખર વખાણવા જેવી છે. પેહલા તો  એ માણસ માટે સફળતા ના બધા જ દ્વાર બંધ કરી દેશે  અને જયારે એ બધી રીતે નિરાશ થઇ જાય એટલે ધીમેથી એક દ્વાર ખોલી દેશે. વાહ પ્રભુ વાહ !!


"દીકરા હું નહતી કેહતી કે જયારે 'માં'નું હૃદય દ્રવી ઉઠશે  ત્યારે ખુદ એણે પણ આપણી વ્હારે આવવું પડશે .
આપણા ગરીબો નો બેલી કેવળ એ જ છે !!!!"

                                                                -ચિરાગ