રવિવાર, 15 જાન્યુઆરી, 2017

ઉત્તરાયણ

ઉત્તરાયણ

અનેકવિધ રંગીન પતંગોથી
આકાશ આજે ઢંકાયું,
એ તો જાણે આજે કેવળ હર્ષના
વાદળથી જ છવાયું.
જેના આગમનના ઈંતેજારમાં
ચક્ષુ ક્યારથી થાક્યા,
મલકાતુ એ મુખડુ જોતા જ
પ્રણયના ઊમળકા જાગ્યા!!
ઉડ્યો મારો પતંગ ઊંચે એમનો
પતંગ કાપવાના ઈરાદાથી
પણ ક્યાં હતી ખબર કે હારીશ હું
મારા જ મનના દગાથી
પતંગથી ઢંકાયેલા આભમાં, ને
થરથર કંપાવતી એ ટાઢમાં,
ઈશારામાં જ થતી વાતમાં, ને
ઝંખાતા કોઈના સંગાથમાં,
હૈયારૂપી ગગનમાં ઉડતા પ્રીતના
પતંગો વચ્ચે જાણે પેચ થયો !!
દૂર આભમાં થતી તાણખેંચના
અનુભવાતા સ્પંદનો વચ્ચે
કોઈના હસીન ચહેરાને મેં તો
દલડામાં આજે સ્થાપ્યો
નેણની એ ધારદાર દોરીએ આજે
હૈયાનો પતંગ કાપ્યો !!!!

- ચિરાગ (અનંત)...