ગુરુવાર, 27 ઑક્ટોબર, 2016

મમતા

મમતા

પંખીઓના કલરવમાં આનંદનો જાણે નાદ થયો
રવિની અશ્વસવારી આવતા જ સોનેરી પ્રકાશ થયો
હંફાવ્યો અંધકારને અને થયું સામ્રાજ્ય ઊજાસનું
નિશા ની ચાદર ઉડી ગઈ ને સુવર્ણપ્રભાત થયો

આંખો ઊઘાડી, હોઠ મલકાવી એણે દિ'ને વધાવ્યો
માએ પણ એના લલાટે ચુંબનનો વરસાદ વરસાવ્યો
નાનકડા એ ભૂલકાએ ખોળામાં મચાવીને તોફાન
કિલકિલાટ કરી કરીને મા ના જીવને હરખાવ્યો

દિકરો તેનો લાડકવાયો ઇશ્વરનું એક વરદાન હતો
જીવનની એક આસ, ગરીબ માનું અભિમાન હતો
સંતાઈ જતી ભૂખ પણ, નિહાળીને એનું એ સ્મિત
એને માટે તો એ જ ચેતન અને અે જ પ્રાણ હતો

અચાનક જ બન્યું શું? ના રહી એને કંઈ ખબર
દિકરાના અે સ્મિતને જાણે લાગી કોઈની નજર
નેત્રે અશ્રુધારા વહાવી કર્યુ રુદન એણે હૈયાફાટ
શું ફેલાતી મહામારીની ભૂલકાને પણ થઈ અસર?

તાવનો પારો ઊંચો ચઢતા નિરંતર રડ્યા કરતો એ
મા ના મીઠા ધાવણને પણ મુખમાં ન'તો લેતો એ
તપતું હતું એનું શરીર ને ફીકી પડતી જતી આંખો
ચહેરો જોઈ થતું કે જાણે કાળનો શિકાર બન્યો એ

દિકરાના આ હાલ જોઈ કંપી ઊઠ્યું મા નું હ્યદય
ખુશહાલીભર્યા જીવનમાં આવ્યો આ કેવો પ્રલય!
શું કરે? શું ના કરે? જાણે ઘેરાયા વાદળ મૂંઝવણના
મા-દિકરાના પ્રેમ ઉપર શું ખરેખર કોપ્યો સમય

ઈલાજની શોધમાં એ તો આમથી તેમ દોડવા લાગી
દીકરાની સારવાર માટે ઘેર-ઘેર એ ફરવા લાગી
ગરીબીમાં પૈસાના અભાવે થઈ ગઈ એ તો લાચાર
નિરાશ થઈને ઉપરવાળાને અરજ એ કરવા લાગી

"આજ સુધી મેં તો તને ફરિયાદનો અક્ષર પણ નથી કીધો
હે નિષ્ઠુર! તો પણ તે મારા ભુલકાનો જ કેમ ભોગ લીધો!
શું આવી જ જિંદગી માટે તે રચ્યો છે આ ગરીબવર્ગ
આનંદનો એકમાત્ર કોળિયો પણ તે તો જાણે છીનવી લીધો!"

એની કાયાના તાપે આ સૂરજને પણ શરમાવ્યો
સાંજ થતા તો એણે મા ના જીવને જાણે કંપાવ્યો
ત્યાં જ દરવાજે પડ્યા ટકોરા કોઈના આગમનના
ભટકતો કોઈ વટેમાર્ગુ વાટ પૂછતો ત્યાં આવ્યો

મા નો આવો વિલાપ જોઈ એની પણ આંખો છલકાઈ
તપતા એના માથે એણે ઔષધિઓનો લેપ કર્યો
હકીમ હતો એની વિદ્યા આજે સાચા અર્થે વપરાઈ
દિકરાને સ્વસ્થ થતો જોઈ માતાનો પણ જીવ ઠર્યો

બંધ કરી રુદન એ મા ના ખોળામાં ખેલવા લાગ્યો
મહામારીરૂપ દૈત્ય જાણે મા ની શક્તિ જોઈ ભાગ્યો
આ દ્રશ્ય જોઈ ઈશ્વરને પણ આંસુ સારવું પડ્યુ
મા ની મમતા સામે કાળને પણ નમતુ જોખવું પડ્યુ

- ચિરાગ (અનંત)

બુધવાર, 12 ઑક્ટોબર, 2016

યૌવન

એક પરી

મધુવનમાં હસતી-રમતી જોઈ હતી મે એક પરી
નમણી એવી કાયા એની જાણે કે ફૂલની કળી

લજ્જા અને શીલને લીધે આંખો એની નમતી હતી
મોહક એની આ અદા મને ખૂબ જ ગમતી હતી

અંગે-અંગ એનું તો જાણે યૌવનથી છલકાતુ હતુ
સોહામણું એ મુખડુ એનંુ સ્મિતથી મલકાતુ હતુ

આવ્યું એના યૌવનમાં આવું અદ્ભુત તેજ ક્યાંથી?
કે આવી હતી એ મને મોહવા કોઈ દેવલોક
માંથી?

શીશ સમી એ કાયા જોતા જ હૈયુ મારું ડોલી ઉઠ્યુ
એને પામવાની ગાંડી ઘેલછા દિલ જાણે કરી બેઠું

શું આ હકીકત હતી? કે સ્વપ્ન? કે ભ્રમ હતો મનનો ?
ગમે તેમ પણ એ પરી પ્રાણ હતી મારા આ
ઉપવનનો

આજે વર્ષો બાદ એ ઉપવન જાણે ઉજ્જડ થયુ છે
સદા મહેકતુ એ આજે એકલતાના વાદળમાં ઘેરાયું છે

ફૂલોની એ મહેક અને પંખીઓનો એ કલરવ
વૃક્ષોની એ ઘટા અને યૌવનનો એ પગરવ
કયાંં છે એ ઉલ્લાસ? એ પ્રેમભર્યો અહેસાસ
શું હવે ખૂટી ગયા ઉપવનના પણ શ્વાસ??

સમયના આ વહેણને એ પરી તો તરી ગઈ
'અનંત'ના ચમનની મોહિની પણ હરી ગઈ
મધુવનમાં હસતી-રમતી જોઈ હતી મે એક પરી.....

- ચિરાગ (અનંત)