મંગળવાર, 28 જૂન, 2016

માનવી

માનવી

સફળતા મેળવવા બધું વિસરતો એ ચાલ્યો
સમયને સથવારે એ તો ઠેકડા ભરતો ચાલ્યો

માણસાઈ રૂપી દીવડાની જ્યોત બુઝાવતો
અમાનુષતા ના ઘોર અંધારા મારગે એ ચાલ્યો

રાહમાં આવતા પ્રેમરૂપી તરુઓને વાઢતો
સર્વત્ર સ્વાર્થનું ઉજ્જડ રણ સર્જતો એ ચાલ્યો

સંબંધોનાે ટોપલો ક્રોધની આગમાં બાળતો
કોણ જાણે કયા મદમાં છલકાતો એ ચાલ્યો

વેરના વળામણા કરવા કાળને પણ હંફાવતો
માનવી ખુદ કળજુગનો કાળ બનવા ચાલ્યો..

- ચિરાગ.. (અનંત)


બુધવાર, 22 જૂન, 2016

રંગભરી દુનિયા

રંગભરી દુનિયા

એક અજાયબી છે આ રંગભરી દુનિયા
ક્ષણે ક્ષણે રંગ બદલે આ રંગભરી દુનિયા

ચહેરાે છે એક છતા રંગ છે એના અનેક
ભાવશૂન્ય એ રંગોળીને સમજતા થાક્યા

લાલ રંગ એ પ્રણયનો, સ્વાર્થમાં થયો સફેદ
સતરંગી પ્રીતના રંગચિત્રને રચતા થાક્યા

ખુશામદ ને કપટનો ચડ્યો છે કાળો રંગ
કેસરીયો એ રંગ શોર્યનો શોધતા થાક્યા

રંગોના આ બદલાવથી રચાયો આજે રાક્ષસ
પવિત્ર રંગભર્યો એક માનવ સર્જતા થાક્યા

ચિત્રકાર મુંઝાયો રંગની માયાજાળમાં 'અનંત'
માનવે જ્યારે માનવતાના અંશ પણ ના રાખ્યા


- ચિરાગ (અનંત)