ગુરુવાર, 31 માર્ચ, 2016

જીવી રહ્યો છું

 જીવી રહ્યો છું

તુ કાગળ છે તો હું કલમ
તુ ચિત્ર છે તો હું રંગ
તુ તૃષ્ણા છે તો હું જળ
તું ભૂખ છે તો હું ભોજન
તારા વિના હું અધૂરો છું 
ને મારા વિના તુ પણ પૂર્ણ તો નથી જ..




કેમ કરી કહું કે
જીવી રહ્યો છું તારી યાદમાં

તારી પાંપણનો પલકાર
 જયારે થાય, જગ આખું થોભી જાય
કેમ કરી કહું કે
જીવી રહ્યો છું પાંપણના એ પલકારમાં

સ્મિતભર્યું તારું મુખડું
જયારે મલકાય, જગ આખું આનંદમાં છલકાય
કેમ કરી કહું કે
જીવી રહ્યો છું હોઠોના એ મલકાટમાં

તારી જુલ્ફોની ઘટા
ઘટાદાર એ વનમાં ગુમવાનું મન થાય
કેમ કરી કહું કે
જીવી રહ્યો છું જુલ્ફોની એ જાળમાં

તું વસી છે 'ચિરાગ'ના શ્વાસમાં
રોકી રાખ્યો છે શ્વાસ
 મિલનની અધુરી આસમાં
કેમ કરી કહું કે
જીવી રહ્યો છું મિલન ના અધૂરા એ વિશ્વાસમાં
જીવી રહ્યો છું તારી યાદમાં  .....


-ચિરાગ 

ગુરુવાર, 24 માર્ચ, 2016

અંતરની વેદના

અંતરની વેદના
જીંદગી પણ ગજબની રમત રમી ગઈ
જીતી ગયા છતા હારનો અહેસાસ કરાવી ગઈ
ભૂલાવી એની યાદો એક નવી શરૂઆત કરવી હતી ત્યાં તો
આરંભ થયા પૂર્વે જ પૂર્ણવિરામ લગાવી ગઈ..



અંતરની વેદના


મુખ પર સ્મિત વેરી દુનિયાને તો ઠગું છું
અંદરથી એક જીવતી લાશ બની ફરું છું

ભડકી ઉઠી છે વિરહની જ્વાળા, પણ
હું તો કેવળ તમને જ સ્મરું છું

છલકાયો છે ચારે તરફ એકલતાનો સાગર
હું તો યાદોની નાવ લઇ તરું છું

 તમારે તો ખિલ્યુ હશે વસંતનું હરિત મોસમ
હું તો પાનખરનું પાન બની ખરું છું

બે શ્વાસ વચ્ચેની એક પળમાં પણ
હું તો જાણે સેંકડો વાર મરું છું

ત્યજવું તો છે મારેય આ જીવન, પણ
મોતની કાંટાળી કેડી પર ડગલું ભરતા ડરુ છું

દુનિયા તો સમજશે આને 'ચિરાગ'ની નવી ગઝલ
હું તો અંતરની વેદનાનું નિરૂપણ કરું છું.

                                                   
    - ચિરાગ.....




શનિવાર, 19 માર્ચ, 2016

પ્રેમ શું છે??


નથી રહેતું અસ્તિત્વ શબ્દો અને પત્રોનું
જ્યારે બે હૈયા વચ્ચે પ્રેમનો કરાર થાય છે
પ્રેમમાં ભૂલી જવાય છે બધી ભાષાનું જ્ઞાન
અહીં તો કેવળ આંખોથી જ વ્યવહાર થાય છે




સમી સાંજે બેઠો જયારે, અંતરને મેં પ્રશ્ન કર્યો
પ્રેમ શું છે?
સહસ્ત્ર પર્યાય છે સાંભળ્યા એના 
ખરો અર્થ મને તું જ કહે 

દુનિયા કહે પ્રેમ એક સાગર છે આગનો 
કેટલાક વળી કહે પ્રેમ તો મહિમા છે ત્યાગનો 
મેં તો એમ પણ સાંભળ્યું પ્રેમ એક કોમળ ફૂલ છે 
પ્રેમમાં હારેલાની તે સૌથી મોટી ભૂલ છે 

કોઈ કહે પ્રેમ છે એક પારસમણી 
કેટલાક એમ પણ કહે પ્રેમ તો અંધ છે 
પ્રેમ છે અનંત નથી એની કોઈ સીમ મળી 
કોઈ કહે પ્રેમ કેવળ એક વ્યંગ છે 

સાંભળી મારી વાત અંતરે દીધો જવાબ
આ જગતમાં પ્રેમનો ના હોય કોઈ હિસાબ 
પ્રેમ તો જાણે અંક વિનાનું ગણિત છે
પ્રેમમાં ક્યારેક હાર તો ક્યારેક વળી જીત છે 

પિતાના ગુસ્સામાં ને માની મમતા માં 
સ્વજનની વાતમાં ને હમસફરના સાથમાં 
ઈશ્વરની ભક્તિમાં ને મિત્રોની મસ્તી માં 
પ્રેમતો વ્યાપ્યો છે જગના પ્રત્યેક કણમાં 

પ્રિયજનની ઉણપ જયારે તને સતાવે 
માનસપટ તારું જયારે એનું જ ચિત્ર બતાવે 
એના વિરહમાં જયારે નેત્ર અશ્રુ વહાવે 
ત્યારે જાણજે તને એક મીઠો રોગ થયો છે 
તને પ્રેમરોગ થયો છે.
સમી સાંજે બેઠો જયારે, અંતરને મેં પ્રશ્ન કર્યો 
પ્રેમ શું છે??